Trending News
સ્થાનિક સમાચાર

ફાસ્ટેગ કંપનીઓનું વાહનો ચાલકો પાસેથી ‘નાની’ રકમ ખંખેરવાનું ‘મોટું’ કૌભાંડ

01 February

સ્ટેટ - નેશનલ હાઈવે પર આવેલા ટોલનાકાઓ પર 





ખોટી રીતે કપાયેલા પૈસા પરત મેળવવામાં વાહન માલિકોને ‘ફીણ’ આવી જાય છે, મોટા ભાગના વાહન માલિકો જતું કરતા હોવાથી કંપનીઓને બખા : કચ્છ પ્રવાસે આવતા પ્રવાસીઓ રીફંડ મેળવવાની લાંબી પડોજણમાં પડવાના બદલે આર્થીક નુકશાન લઈ રહ્યા છે વેઠી




ભુજ : ડીજીટલ ભારત અભિયાન અંતર્ગત દેશના હાઈવે પર આવેલા ટોલનાકાઓ પર વાહનોના ટોલ વસુલવા માટે ફાસ્ટટેગની સીસ્ટમ અમલી બનાવવામાં આવી છે. ભૂતકાળમાં ટોલબુથો પર લાગતી લાંબી લાઈનો અને માથાકુટ સાથે કિંમતી ઈંધણ અને માનવ કલાકોનો વ્યય થતો હતો. જેને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટોલનાકા પર ફાસ્ટટેગની સુવિધા શરૂ કરવામાં આવી છે. પરંતુ જે રીતે ડીજીટલ ટેકનોલોજીના વ્યવહારોમાં છાશવારે ખોટીપા કે બાધા ઉત્પન્ન થાય છે તે રીતે જ ફાસ્ટટેગના ઉપયોગમાં સમસ્યાઓની ફરિયાદ ઉઠતી થઈ છે. સરહદી કચ્છ જિલ્લામાં ઔદ્યોગીક અને બંદરીય વિકાસ બાદ વાહનોની સંખ્યા વધી છે. તો બીજીતરફ પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસથી પ્રવાસી વાહનોનું આવાગમન પણ વધ્યું છે. પરંતુ કચ્છના પ્રવેશદ્વારથી વિવિધ વિસ્તારોમાં ટોલબુથ પર ટેકનીકલ ક્ષતિના કારણે વાહન માલિકોને નિયત કરતા વધુ ટોલ ફી ભરવી પડી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કચ્છ સહિત સમગ્ર દેશમાં ફાસ્ટેગમાં વધુ રકમ કપાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખોટી રીતે કપાયેલા પૈસા પરત મેળવવા માટે લાંબી અને અઘરી પ્રક્રિયા હોવાથી મોટા ભાગના કીસ્સાઓમાં વાહન માલિકો રીફંડ મેળવવાની કડાકુટમાં પડવાના બદલે આર્થિક નુકશાન સહન કરી લેતા હોય છે. 
આ અંગેની વિગતો મુજબ કચ્છને સૌરાષ્ટ્ર અને રાજ્ય સાથે જોડતા સ્ટેટ અને નેશનલ હાઈ-વે ઉપર હવે ફાસ્ટેગની ‘કટકી’નું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. અને વર્ષે દહાડે વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોવાની હકિકત બહાર આવી છે. ફાસ્ટટેગમાં ખોટી રીતે પૈસા કપાયા હોય તો મોટાભાગના વાહન ચાલકો કમ્પ્લેઈન કે, ક્લેઈમ કરવાની લાંબી પ્રક્રિયાની પળોજણમાં પડતા નથી, જ્યારે જે લોકો આવી પ્રક્રિયામાં પડે છે તેને પણ ૨૫-૫૦ રૂપિયા ૫રત મેળવવામાં ‘ફિણ’ આવી જાય છે. દેશમાં બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ૧૨ મોટી કંપનીઓ ગ્રાહકોને ફાસ્ટેગ સેવા પૂરી પાડે છે. તેમાંથી, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સૌથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા ગ્રાહકો છે. તે ૫છી આઈસીઆઈસીઆઈ બેંક, યસ બેંક અને એક્સિસ બેંક આવે છે. સ્ટેટ અને નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે વાહનો પર લગાવવામાં આવેલા ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવામાં અનિયમિતતાની ફરિયાદો વધી રહી છે. નવેમ્બર ૨૦૨૪ માં, ફાસ્ટેગ સેવાઓ પ્રદાન કરતી કંપનીઓએ ગ્રાહકોની ફરિયાદોને પગલે ૧.૨૮ લાખ રૂૂપિયાથી વધુ પરત કરવા પડ્યા હતા. આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક મહિનામાં ખોટી રીતે ચાર્જ કાપવાના કિસ્સાઓ વધી ગયા છે, જેના કારણે ગ્રાહકો લેખિત ફરિયાદો કરી રહ્યા છે અને રકમ પરત કરવાની માંગ કરી રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે ૪.૨૯ લાખથી વધુ કેસમાં પૈસા પરત કરવા પડ્યા હતા.નેશનલ પેમેન્ટ્‌સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ફાસ્ટેગ સાથે સંબંધિત વ્યવહારો પર નજર રાખે છે. ફાસ્ટેગ સેવા પૂરી પાડતી કંપનીઓ ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે કરી રહી છે અને કેટલી ફરિયાદોની તપાસ કરવામાં આવી રહી છે અને ખોટી રીતે કાપવામાં આવેલી રકમ પરત કરવામાં આવી રહી છે, આ બધા પર એનપીસીઆઈ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર ૨૦૨૪માં ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા ટોલ ઘટાડા સંબંધિત મહત્તમ ૧.૭૩ લાખ ફરિયાદો સ્વીકારવામાં આવી હતી. તેમણે કબૂલ્યું હતું કે, કાપવામાં આવેલી ફીમાં ભૂલ હતી.



.............


ક્યા પ્રકારની સૌથી વધુ ફરિયાદો


• કાર ઘરે પાર્ક કરેલી હતી, ૫રંતુ તેને હાઇવે કે એક્સપ્રેસ વે પર મુસાફરી બતાવીને ટોલ કાપવામાં આવતો હતો • હાઈવે પર ૫૦-૬૦ કિલોમીટરની મુસાફરી કર્યા પછી એક્ઝિટ ફી કાપવામાં આવી હતી • ઘણા કિસ્સાઓમાં, વધુ કિલોમીટરની મુસાફરી બતાવીને વધુ ચાર્જ કાપવામાં આવ્યા હતા •  નેશનલ હાઈવે પર આવવા-જવાની મુસાફરી ૨૪ કલાકમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ ૫રત ફરતી વખતે ફીમાં રાહતનો લાભ આપવામાં આવ્યો ન હતો • ફાસ્ટેગ એક્ટિવેટ થયા બાદ પણ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વોલેટમાંથી બમણી ફી કા૫વામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM