કચ્છમાં સીએનજી સ્ટેશનો પર ટેસ્ટિંગ વિનાના વાહનોમાં ગેસ પુરાવા પર રોક જરૂરી
જો.. જો.. ક્યાંક કચ્છમાં ન થાય આણંદવાળી...
આણંદના ભાલેજ ગામે ગેસ સ્ટેશન પર બનેલી દુર્ઘટના બાદ જિલ્લાના જાગૃત્ત નાગરિકોએ જવાબદાર તંત્રને કરી સૂચક ટકોર
’
કચ્છમાં સીએનજી સ્ટેશન પર કોઈપણ જાતની ચકાસણી વિના જ સીએનજી પુરવાની કામગીરી મોટી દુર્ઘટનાનું બની શકે છે કારણ : જિલ્લા આરટીઓ તંત્રએ ગેસ સ્ટેશનોને ટેસ્ટિંગ વિનાના વાહનોમાં ગેસ ન પૂરવાનો આદેશ કરવાની સતા ન હોવાનું જણાવી પુરવઠા તંત્રે આ બાબતે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય : કચ્છ પ્રવાસનની સિઝન શરૂ થઈ છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે જરૂરી પગલાં લેવાય તેવી પ્રવર્તી રહી છે લોકલાગણી
ભુજ : કચ્છ જિલ્લામાં કાર્યરત સીએનજી ગેસ સ્ટેશન પર દાખવવામાં આવી રહેલી લાપરવાહી મોટી દુર્ઘટનાનું કારણ બને તેવી ભીતિ હોવા છતાં આરટીઓ કે પુરવઠા તંત્ર દ્વારા કોઈ અગમચેતીના પગલાં લેવામાં આવ્યા નથી. રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગેમઝોન ઉપરાંત તમામ સાર્વજનિક સ્થળો પર ફાયર સેફટીની ચકાસણી માટે સઘન ઝુંબેશ ચલાવી હતી. શાળાઓ, હોસ્પિટલો, સિનેમા ઘરો, શોપીંગ મોલ જેવા સાર્વજનિક સ્થળો પર ફાયર સેફટીની એનઓસી અનિવાર્ય બનાવી છે પરંતુ સીએનજી સ્ટેશન પર ટેસ્ટિંગ વિનાના વાહનોમાં બેરોકટોક ગેસ પુરવામાં આવી રહ્યું હોવા છતાં કોઈ તકેદારીના પગલાં લેવામાં આવ્યા નથી. તાજેતરમાં આણંદ તાલુકાના ભાણેજ ગામે ચરોતર ગેસ કંપનીના ગેસ સ્ટેશન પર કારમાં ગેસ પુરતી વખતે બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, પરંતુ કારનો ફુરચો બોલી ગયો હતો. આ ઉપરાંત ગેસ સ્ટેશન પર ઊભેલી અન્ય કારોમાં પણ નુકશાન થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક આરટીઓ તંત્ર અને પુરવાઠા તંત્રએ આળસ ખંખેરી આણંદ જિલ્લામાં સીએનજી ટેસ્ટિંગ વિનાના વાહનોનમાં ગેસ ન ભરવાના આદેશ કર્યા છે. સીએનજીના તમામ ગેસ સ્ટેશનોને સીએનજી સિલિન્ડર ટેસ્ટિંગ વિનાના કોઈપણ વાહનમાં ગેસ ન પુરવાની તાકીદ સાથે દરેક ગેસ સ્ટેશનો પર બોર્ડ લગાવવામાં આવ્યા છે. આણંદમાં સીએનજી સિલિન્ડરનું ટેસ્ટિંગ કોઈપણ કારણોસર ન કરાવનાર વાહનો ગેસ વિના પરત ફરવાની સ્થિતિમાં મૂકાઈ ગયા છે. એક સમયે કોઈ વાહન અટવાઈ ન જાય તે માટે માત્ર રૂા.પ૦ નો ગેસ પરી આપવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં સીએનજી ગેસ સ્ટેશન પર વાહન સિલિન્ડરની કોઈપણ ચકાસણી વિના સુધી ગેસ પુરી આપવામાં આવે છે. આણંદમાં બનેલી ઘટનાના પગલે કચ્છ જિલ્લામાં ચિંતા ફેલાઈ છે. જો કોઈ દુર્ઘટના બને તો કોની જવાબદારી રહેશે તેવો સવાલ પણ સ્થાનિકે ઉઠાવવામાં આવી રહ્યો છે. ભુજના આરટીઓ શ્રી વાઘેલાએ જણાવ્યું કે, સીએનજી ગેસ સ્ટેશનોને ટેસ્ટિંગ વિનાના વાહનોમાં ગેસ ન પુરી આપવાનો આદેશ કરવાની સતા આરટીઓ તંત્ર પાસે નથી. આ કામગીરી પુરવઠા વિભાગને કરવાની રહે છે. કચ્છના સીએનજી સ્ટેશન પર કોઈપણ જાતની ચકાસણી વિના કચ્છના કે જિલ્લા બહારના વાહનોમાં ગેસ પુરી આપવામાં આવી રહ્યું છે. કેટલાક વાહન માલિકો નિયમની અજાણતાના કારણે સીએનજી સિલિન્ડરનું સમય મર્યાદા અંદર ટેસ્ટિંગ કરાવતા નથી. કોઈપણ જાતની લાપરવાહી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. કચ્છમાં હાલે પ્રવાસનની સિઝન શરૂ થઈ છે. જિલ્લા અને રાજ્ય બહારના અનેક સીએનજી વાહનો કચ્છમાં આવી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે જ સીએનજી સ્ટેનો પર નિયમ બનાવી તેની અમલવારી કરાવે તે ઈચ્છનીય છે તેવું જાગૃત કચ્છવાસીઓ જણાવી રહ્યા છે.

Comments