ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલનું અલાયદુ પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દારૂ સહિત પ૦૦થી વધુ ગુનામાં સંડોવાયેલ આશિષ અગ્રવાલ અને વિનોદ સિંધીની ટોળકી સામે ગુજસીટોકની પહેલી ફરિયાદ દાખલ પણ કરાઈ
ગાંધીધામ : પોલીસના માળખામાં સ્થાનિક પોલીસ તેની પર બ્રાન્ચ અને તેની ઉપર રેન્જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ તમામની ઉપર રાજ્ય પોલીસની વિજીલન્સ દ્વારા દરોડો પાડવામાં આવતો હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલને વધુ સતા મળે તે માટે ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલનું અલાયદુ પોલીસ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા આ પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકાયું હતું. ખાસ કરીને રાજ્યમાં ગુનાઓ આચરતા ઈસમો સામે આ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવશે. જેની તપાસ પણ એસએમસી પાસે રહેવાની હોવાથી અગાઉની જેમ સ્થાનિક પોલીસ આરોપીઓની તરફેણમાં ભુંડી ભૂમિકા ભજવી શકશે નહીં. પોલીસ સ્ટેશન કાર્યરત થતાની સાથે જ કાર્યવાહીનો કોરડો વિંજી દેવાયો છે. એસએમસીના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શનમાં આશિષ ઉર્ફે આસુ રમેશચદ્ર અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધી ઉદવાણી તથા તેની ટોળકીના અન્ય આઠ સાગરીત મળી ૧૦ ઈસમો સામે ગેંગ બનાવી સંગઠીત થઈ ગુના આચરવાની ગુજસીટોકની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સ્ટેશનમાં આ પહેલી ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ ગુજરાતમાં ગેરકાયદે રીતે દારૂ ઘુસાડી વેચાણ કરવા તેમજ દારૂના પરિવહન માટે વાહનની ખોટી નંબર પ્લેટ, ખોટા એન્જીન - ચેસીસ નંબર, ખોટા ડોક્યુમેન્ટ બનાવવા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ટોળકીના સાગરીતો સામે પ૦૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જેથી સરકાર તરફે આ લોકો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધાક બેસાડતી કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે.

Comments