Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં ચૂંટણી જંગનો ગરમાવો : છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા ધસારો

01 February



બન્ને પાલિકાઓમાં ભાજપ - કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર : આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ



ભુજ : આજે દેશની સંસદમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ રજુ કરી રહ્યા હતા ત્યારે સમગ્ર દેશ દુનિયાની નજર ભારતના વાર્ષિક અંદાજપત્રની ઘોષણાઓ પર મંડાયેલી રહી હતી. તેવામાં વાગડ પંથકમાં જુદો જ માહોલ જોવા મળ્યો હતો. વાગડની બે પાલિકાઓ રાપર અને ભચાઉની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે દાવેદારોનો ધસારો જોવા મળ્યો હતો. મુખ્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે મોડે મોડેથી ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોઈ બન્ને પાલિકાઓ માટે ફોર્મ ભરવા ઉમેદવારોનો રીતસરનો ધસારો જોવા મળ્યો હતો. ચૂંટણી ફરજ પરના વહીવટી અધિકારીઓ ભારે વ્યસ્ત બન્યા હતા. બન્ને પાલિકાઓ ઉપરાંત જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાયા હતા. ર૭ ટકા ઓબીસી અનામત સાથે કચ્છમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ છે. આગામી ૧૬મી ફેબ્રુઆરીએ મતદાન થશે જયારે ૧૮મી ફેબ્રુઆરીના મત ગણતરી હાથ ધરાશે.




..................



રાપર પાલિકાની ચૂંટણી : કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ



શહેરના સાત વોર્ડની ર૮ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર
’



રાપર : શહેર સુધરાઈની ચૂંટણી જંગનો ગરમાવો કચ્છથી છેક મુંબઈ સુધી પહોંચ્યો છે. મુંબઈ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વાગડવાસીઓની મીટ પણ સ્થાનીક સ્વરાજના ચૂંટણી જંગ પર મંડાઈ છે. રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે શહેરના સાત વોર્ડની ર૮ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
કોંગ્રેસે પોતાના ઉમેદવારોની સૂચી ભાજપથી પહેલા જાહેર કરી દઈ નગારે ઘા માર્યો હતો. રાપર નગરપાલિકા સત્તા સુત્રો હસ્તગત કરવા કોંગ્રેસે મક્કમતાથી ચૂંટણી જંગમાં ઉતરવાનો નિર્ધાર કર્યો છે. ગઈકાલ સુધી કોંગ્રેસના રર ઉમેદવારોએ ઉમેદવારી પત્રક દાખલ કર્યા હતા. બીજીતરફ પેજથી માંડી બુથ સુધી વિસ્તૃત સંગઠન શક્તિના બળે ભાજપે રાપર પાલિકામાં જંગી જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે.
આજે વિજય મુર્હુતમાં ભાજપના ર૮ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. જિલ્લા તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વોર્ડ નં. ૧ માં અનિતાબેન મુછડીયા, હંસાબેન પટેલ, મહેબુક કુંભાર, ભાણજીભાઈ ભાસડીયા, વોર્ડ નં. ર માં દક્ષાબેન ગુસાઈ, મુનીરાબાનુ ખત્રી, મહેશભાઈ પરમાર, જામસિંહ સોઢા, વોર્ડ નં. ૩ માં બબીબેન સોલંકી, દેવીબેન આહિર, રામજીભાઈ પરમાર, પેથાભાઈ રાવરીયા, વોર્ડ નં. ૪ માં ગાયત્રીબેન ગઢવી, હસુમતીબેન સોની, વિકાસ શાહ, ચાંદકુમાર ઠક્કર, વોર્ડ નં. પ માં પ્રીતિબેન દરજી, સંગીતાબેન સોની, નવીનભાઈ માલી, દિપકભાઈ વાવિયા, વોર્ડ નં. ૬ માં મુરીબેન ચૌહાણ, રસીલાબેન ચાવડા, રામજીભાઈ ભરવાડ, મનજીભાઈ ભાટેસરા, વોર્ડ નં. ૭ માં માલીબેન સીયારીયા, શિલ્પાબેન કોલી, રાણાભાઈ પરમાર અને મહાવીરસિંહ જાડેજાએ પોતાના ઉમેદવારી પત્રક રજુ કર્યા હતા. 
આ વેળાએ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધવલ આચાર્ય, રાહુલ ગોર, પરાક્રમસિંહ જાડેજા, કેશુભા વાઘેલા, નશાભાઈ દૈયા, ડોલરાય ગોર, હઠુભા સોઢા, હમીરસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજા, પ્રભુદાન ગઢવી, અનોપસિંહ વાઘેલા, એમ.જે. ચૌહાણ, હિતેષભાઈ ખંડોલ, રાજુભાઈ ચંદે, અજિતસિંહ જાડેજા, અંબાવીભાઈ વાવિયા હાજર રહ્યા હતા.  




............


ભચાઉ પાલિકાની ચૂંટણી : ભાજપ - કોંગ્રેસે છેલ્લી ઘડીએ ખોલ્યા પત્તા



ફોર્મ ભરવાના અંતિમ દિવસે નામાંકન દાખલ કરવાનું થયું મુર્હૂત : ભાજપના ર૮ ઉમેદવારોએ પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સાથે દાખલ કર્યું નામાંકન : ભાજપની સુચીમાં જુના જોગીઓનું કપાયું પતું : કોંગ્રેસ માટે ભચાઉની ચૂંટણી કપરા ચઢાણ સમાન



ભચાઉ : કચ્છના ઔદ્યોગીક કોરીડોર સમાન ભચાઉ તાલુકાના મુખ્ય મથક ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્રક દાખલ થયા હતા. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોના નામો માટે સસ્પેન્સ રાખ્યું હતું. ફોર્મ ભરવાના અંતિમ દિવસ પૂર્વે ઉમેદવારોના નામો જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામોની ઘોષણા છેલ્લા દિવસે જ કરી હતી. આજે ભચાઉ પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું મુર્હૂત થયું હતું. ભાજપના ૭ વોર્ડના ર૮ ઉમેદવારોએ વિજય મુર્હૂતમાં પાર્ટીના દિગ્ગજોની હાજરીમાં પોતાના ઉમેદવારી પત્રક રજુ કર્યા હતા. વોર્ડ નં. ૧ માં ગીતાબેન સામળીયા, ચંપાબેન ગોઠી, ચંદુલાલ પઢારીયા, ભરતભાઈ કાવત્રા, વોર્ડ નં. ર માં વિમળાબેન સામળીયા, બંસરીબેન સોની, રમેશ ચૌહાણ, હરપાલસિંહ જાડેજા, વોર્ડ નં. ૩ માં વેજીબેન કોલી, રાધાબેન કારીયા, પેથાભાઈ રાઠોડ, ચંદ્રેશ રાવરીયા, વોર્ડ નં. ૪ માં જીગીશાબેન દરજી, દક્ષાબેન ઠક્કર, વિજયસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. પ માં જુલેખાબેન કુરેશી, ભારતીબેન પ્રજાપતિ, જશાભા ગઢવી, સેલાનીશા સૈયદ, વોર્ડ નં. ૬ માં મીઠીબેન પ્રજાપતિ, કોકીલાબેન જોશી, કાસમભાઈ ઘાંચી, પ્રવીણદાન ગઢવી, વોર્ડ નં. ૭ માં કલ્પનાબેન નિશર, અમરતબેન કોલી, દેવશીભાઈ રબારી, હાજી રમજુ કુંભારે ફોર્મ દાખલ કર્યા હતા. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની સુચીથી શહેરભરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. આ વખતે ભાજપે નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળતા સ્થાનીક સ્વરાજયનો જંગ લડવા ઈચ્છુક શહેરના અનેક દિગ્ગજોના નામો સુચીમાં જોવા ન મળતા અચરજ સર્જાયું હતું. આ લખાઈ રહ્યું છે ત્યારે ઉમેદવારી પત્રક દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ભચાઉમાં ચૂંટણી જંગની ગરમાગરમી વધી છે. બીજીતરફ કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી સસ્પેન્ડ યથાવત રાખ્યું છે. ઉમેદવારોનું અંતિમ ચિત્ર ફોર્મ ભરવાની સમય મદ્દત પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પ્રમુખ રાજકીય પક્ષ સિવાય અપક્ષ ઉમેદવારી કરવામાં ભચાઉવાસીઓએ ખાસ રસ દાખવ્યો નથી. જેથી આ વખતની ચૂંંટણીમાં સીધી ટક્કર જોવા મળશે. જોકે, સંગઠનની દૃષ્ટીએ મજબૂત ભાજપના હોદ્દેદારો ભચાઉ પાલિકાની ચૂંટણીમાં જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM