કચ્છમાં જમીન માપણી વધારોના અનેક ‘ફાઈલ’ ગાંધીનગરમાં અટવાઈ
અભિમન્યુના ચક્રવ્યૂહ જેવી આંટીઘૂંટીમાં સપડાયા જમીન માલીક
માપણી વધારાનો પ્રશ્ન કચ્છના અરજદારો લાંબા સમયથી નિકાલની રાહમાં : જંત્રીના ભાવ ડબલ કરતા તેની અસર દેખાઈ : કલેકટરની સત્તામાં વધારો કરવા અરજદારોની માંગ
ભુજ : જમીન માપણીની પ્રક્રિયા ખુબ જટીલ હોવા છતાં અગત્યની છે. જમીન માપણીની જમીનનો સાચો હક્કદાર શોધવામાં મદદ મળે છે. સાથે જ જે તે જમીનને લઈ કોઈપણ વિવાદ હોય તો તેના નિરાકરણ માટે પણ જમીન માપણી મદદરૂપ બને છે. જમીન માપણી (લેન્ડ સર્વે) એ ખુબ મહત્વની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી જમીનના સચોટ માપ, સરહદો અને માલિકીના હક્ક અંગે સ્પષ્ટતા થાય છે. જમીન માપણીની પ્રક્રિયાથી જમીન સાથે સબંધિત વિવાદો નાબુદ કરવા, જમીનના સચોટ દસ્તાવેજો તૈયાર કરવા અને સરકારને વિકાસ કામો માટે જરૂરી માહિતી પ્રાપ્ત કરવા ઉપયોગી બને છે. તો બીજીતરફ જમીનના જુના રેકર્ડમાં ભુલો અથવા અસ્પષ્ટ માહિતીના કારણે માપણીના પરિણામોમાં તફાવત આવે છે. હાલ તો કચ્છમાં કેટલાક તાલુકાઓમાં માપણી વધારાનો પ્રશ્ન જટીલ બની ગયો છે. રાજ્યમાં ક્યાં ન હોય તેવો પેચીદો પ્રશ્ન માપણી વધારો મોટા ભાગે આ જ જિલ્લા અમુક તાલુકામાં છે. જિલ્લા કલેકટર પાસે ચાર એકર અથવા ૧પ લાખ સુધી રકમની મર્યાદામાં કેસ ચલાવીને મંજુર કરવાની સત્તા છે. તાજેતરમાં રાજ્ય સરકારે જંત્રીના ભાવ ડબલ કર્યા બાદ જમીન ઉપર માપણી વધારાના અરજદારો હેરાન થઈ ગયા છે. જિલ્લાના મેાટા શહેર કે તેની આજુ - બાજુના ગામડાઓની જંત્રીના ભાવ વધી જતા આ રકમ ૧પ લાખથી વધી જતી હોવાથી આ ફાઈલો ગાંધીનગર કક્ષાએ મોકલવામાં આવી રહી છે. કચ્છમાં જમીન માપણી અરજદારોએ નારાજગી સાથે જણાવી રહ્યા છે કે, લાંબા સમયથી ગાંધીનગર કક્ષા આ ફાઈલોનો કોઈ પણ નિર્ણય નથી લેવાતા જેના કારણે નારાજગી ઉભી થઈ છે. અરજદારો નારાજગી સાથે જણાવી રહ્યા છે કે, જંત્રીના વધારા સાથે કલેકટરની સત્તામાં સુધારો થવો જોઈએ તે ન થતા આ ફાઈલો ગાંધીનગર કક્ષાએ મોકલવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજયમાં જમીન ઉપર માપણી વધારાના કિસ્સાઓ કચ્છ જિલ્લામાં છે. સરકારના નિયમ અનુસાર જમીનની કિંમત રૂા. ૧પ લાખથી ઓછી હોય અથવા ચાર એકર વિસ્તારની હોય તો માપણી વધારાની મંજુરીની સત્તા જિલ્લા કલેકટરની હોય છે. જો જમીનની કિંમત રૂા. ૧પ લાખથી વધુ હોય અથવા જમીનનો વિસ્તાર ચાર એકરથી વધારે હોય તો તેવી અરજીઓન નિકાલ ગાંધીનગર કક્ષાએ કરવામાં આવે છે. ભૂતકાળમાં કચ્છના અનેક જમીન ધારકોએ કાયદાની અજાણતા કે નાણાના અભાવે જમીન માપણીનીઅરજી કરી ન હતી. સરકારે લાંબા સમય બાદ જંત્રીના ભાવમાં બમણો વધારો કરતા અનેક કિસ્સાઓમાં જમીન માપણીમાં વધારાની સત્તા જિલ્લા કલેકટરની સત્તા મર્યાદા બહાર જતી રહી છે. આવી અનેક અરજીઓ રાજય સરકાર સમક્ષ લાંબા સમયથી અટવાયેલી પડી છે. ગાંધીનગરના દ્વારે પહોંચેલી ફાઈલો અટવાઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જંત્રીના ભાવ વધારા બાદ જમીનની કિંમત જિલ્લા વહીવટી તંત્ર પાસેથી માપણી વધારાની મંજુરીની ટોચની મર્યાદાથી બહાર થઈ જતા આવી ફાઈલોના ઢગ ગાંધીનગરની કચેરીઓમાં ધુળ ખાઈ રહ્યા છે. લાંબો સમય વીતવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. અરજદારો જિલ્લા વહીવટી તંત્રથી માંડી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસે આ પ્રશ્નનું રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરી ઉકેલ આવે તેવી ઈચ્છી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજયમાં માપણી વધારાના કિસ્સા આ જિલ્લામાં છે. લાંબા સમયથી આવી અનેક અરજીઓ ગાંધીનગરમા અટવાયેલી પડી છે. અરજદારો સરકાર દ્વારા સત્વરે નિર્ણય કરી અરજીઓનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
................
જંત્રીના ભાવ વધ્યા પણ કલેકટરની સત્તા મર્યાદા ન વધી
જમીન માપણીની અરજીનો જિલ્લા સ્તરે નિકાલ કરવા માટે જિલ્લા કલેકટરને સત્તા મળેલી છે. જો જમીનની કિંમત રૂા. ૧પ લાખ કે તેથી ઓછી હોય અથવા જમીનનું માપ ચાર એકરથી ઓછું હોય તેવા કિસ્સામાં માપણી વધારાની નિયત ફી વસુલી મંજુર કરવાની સત્તા જિલ્લા કલેકટરને મળેલો છે. પરંતુ જો જમીનની કિંમત કે તેનું માપ નિયત મર્યાદાથી વધુ હોય તો તેવી માગણીઓ રાજય સરકાર સમક્ષ પહોંચે છે. સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરાયા બાદ કચ્છની ઘણી અરજીઓ જિલ્લા કલેકટરને મળેલી સત્તા મર્યાદાની બહાર થઈ જતા આવી ફાઈલો ગાંધીનગર પહોંચી છે. જે તે સમયે જંત્રીના ભાવમાં બમણો વધારો થયો ત્યારે સરકારે માપણી વધારા માટે જિલ્લા કલેકટરને અપાયેલી સત્તા મર્યાદામાં વધારો ન કરતા અનેક અરજદારોની અરજીઓ જિલ્લા કક્ષાએ મંજુરીના નિયમ બહાર થઈ જતા આવી અનેક અરજીઓનો ભારવો રાજય સરકાર સમક્ષ થયો છે. જમીનની કિંમત વધવા સાથે જિલ્લા વહીવટી તંત્રની સત્તામાં વધારો ન થતા સમસ્યા વિકરાળ બની છે તેવું આ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે.

Comments