અંજારમાં જેસીબીથી મકાન તોડતી વેળાએ બની દુર્ઘટના : છ વર્ષની બાળાનું મોત
ગાંધીધામના કાર્ગોમાં વાહન હડફેટે યુવાનનું મોત
અંજાર : શહેરમાં મકાન તોડતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં છ વર્ષની બાળાનું દબાઈ જવાથી મોત થયું છે. જયારે ગાંધીધામના કાર્ગોમાં વાહન હડફેટે યુવાનનું મોત થયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજારના ઓમનગરમાં આ બનાવ બન્યો હતો. ગઈકાલે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં કમલેશ માતંગનું મકાન તોડવાનું કામ ચાલુમાં હતું એ દરમ્યાન જેસીબીએ બકેટથી દિવાલને પાડતા હતભાગી છ વર્ષિય બાળા ત્યાં રમતી હતી. તેના માથા પર દિવાલ પડતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. અંજારના ખત્રી ચોકમાં રહેતી છ વર્ષિય રાધિકા સુભાષભાઈ મહીડા નામની છ વર્ષિય બાળાનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
દરમ્યાન ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં અંબિકા કાંટાની સામે અકસ્માત થયો હતો. જેમાં બી ડિવિજન પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ મુળ બિહારના હાલે મુંદરા રહેતા ડુમરભાઈએ જણાવ્યું કે, તેમના નાના ભાઈ ૩૩ વર્ષિય પવન નાગો સાદા રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા માથાના ભાગે ગંભીર પ્રકારની તથા શરીરે નાની મોટી ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. અકસ્માત સર્જીને ચાલક ભાગી ગયો હતો. જેથી બી ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.

Comments