Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના જડસા પાસે ૩ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો 

29 January



ગાંધીધામ : શિયાળામાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. તે વચ્ચે વાગડ વિસ્તારના ભચાઉમાં વહેલી સવારે ૩ઃ૧૩ કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. વહેલી સવારે ૩ઃ૧૩ કલાકે વાગડ વિસ્તારના ભચાઉ પાસે ૩ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીના જણાવ્યા મુજબ ભૂકંપની તિવ્રતા રિકટર સ્કેલ પર ૩ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૯ કિલોમીટર દૂર જડસા ગામ નજીક નોર્થ, નોર્થ ઈસ્ટ દિશામાં નોંધાયું હતું. વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન અને ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર ૧થી ૪ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવાર નવાર આંચકાઓ અનુભવાતા હોય છે. તો ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે. ત્યારે વહેલી સવારે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. જેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી. હાલમાં જ ૨૬ જાન્યુઆરીના આવેલા ગોઝારા ભૂકંપને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ફરી એકવાર આંચકો આવતા લોકોની વર્ષ ૨૦૦૧ના ભૂકંપની યાદ તાજી થઈ હતી.

Comments

COMMENT / REPLY FROM