નાબાર્ડના પીએલપીનું કલેક્ટરના હસ્તે કરાયું અનાવરણ
ભુજ : નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી) ૨૦૨૫-૨૬નું અનાવરણ કલેક્ટર અમિત અરોરાના હસ્તે કરાયું હતું. આ અનાવરણ બાબતે નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર નીરજકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, પીએલપી પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ જિલ્લા માટે રૂપિયા ૧૮૧૮૭.૪૫ કરોડની ક્રેડિટનો અંદાજ લગાવેલ છે, જેમાં પાકધિરાણ લોન માટે રૂપિયા ૫૨૬૮.૮૭ કરોડ, મધ્યમ અને લાંબા ગાળાના કૃષિ ધિરાણ માટે રૂપિયા ૩૬૦.૬૪ કરોડ, એમએસએમઇ ક્ષેત્ર માટે રૂપિયા ૧૧૭૮૨.૮૫ કરોડની લોન અને શિક્ષણ, આવાસ, નવિનીકરણ, ઉર્જા અને સામાજિક માળખા જેવા અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે રૂપિયા ૭૭૫.૦૯ કરોડનો સદર અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએલપીના આંકલન પ્રમાણે કચ્છ જિલ્લની બેનકોની વાર્ષિક ઋણ યોજના કચ્છ જિલ્લાની લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને કચ્છ જિલ્લાની બેન્કોને ધિરાણોના ટાર્ગેટ પૂરો પાડવાના પ્રયત્ન કરવામાં આવે છે. બેંક ક્રેડિટ આર્થિક પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવામાં અને ખેડૂતો, ગ્રામજનોને, કારીગરો અને ઉદ્યોગ સાહસિકોના આવક સ્તરને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પીએલપીમાં દર્શાવેલ ક્રેડિટ અંદાજો અને નોન-ક્રેડિટ ભલામણોનો ઉદ્દેશ્ય બેંકો અને હિસ્સેદારોને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડવાનો છે, જે કૃષિ, એમએસએમઇ અને અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે અસરકારક સહાય સુનિશ્ચિત કરે છે.
આ મીટિંગમાં સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુમબલ, કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજભાઇ ગઢવી, ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, ભુજ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટર મેઘા અગરવાલ, લીડ બેન્ક બીઓબી તરફથી મિતેશ ગામિત ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments