મુંદરામાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા પિતા - પુત્રીના મોત, પત્ની ગંભીર
આજે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં સર્જાઈ કરૂણાંતિકા
ધડાકાભેર બ્લાસ્ટ થતાં આગ ફાટી નિકળી : ધડાકાના અવાજથી આસપાસના મકાનો પણ ધ્રુજી ઉઠ્યા : બનાવ એટલો ગંભીર કે પિતા - પુત્રી જીવતા ભડથુ થઈ ગયા : પોલીસ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી ઘાયલ પત્નિને સારવાર માટે ખસેડયા : પ્રથમ મુંદરા બાદ ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા : ઘરનો સરસામાન આસપાસના મકાનમાં ફંગોળાયો : એફએસએલની ટુકડી પણ બનાવ સ્થળે દોડી ગઈ
ભુજ : ઔદ્યોગીક નગરી મુંદરામાં આજે સવારે બનેલી ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. આજે વહેલી સવારે ઘરમાં આગ લાગી અને આગના કારણે એસીનું કમ્પ્રેસર ફાટયું અને જોત જોતામાં નિંદ્રાધીન પિતા - પુત્રી જીવતા ભડથું થઈ ગયા હતા, જયારે પત્નિ ૭૦ ટકા દાઝી જતા ગંભીર હાલતમાં સારવાર માટે મુંદરા અને ત્યાંથી ગાંધીધામ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવને પગલે સ્થાનીકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મુંદરાની સૂર્યાનગર સોસાયટીના રહેણાંક મકાનમાં આજે સવારે પોણા છ થી છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. સ્થાનીકોના કહેવા પ્રમાણે ગઈકાલે રાત્રે ગેસમાં લીકેજની દુર્ગંધ આવી હતી. જેના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આજે સવારે એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ધડાકાભેર અવાજ આવ્યો હતો. ધડાકો એટલો ભયંકર હતો કે આસપાસ આવેલા મકાનના રહેવાસીઓ ઉંઘમાંથી જાગી અને બહાર નિકળીને જોતા ઘરમાં આગ જોવા મળી હતી. તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને ઘટના સ્થળે બોલાવાઈ હતી. પરંતુ આગ એટલી ભયંકર હતી કે નિંદ્રાધીન પિતા - પુત્રી જીવતા ભડથું થઈ ગયા હતા. મુળ આંધ્ર પ્રદેશના અને છેલ્લા ૧પ વર્ષથી મુંદરાની ટ્રાન્સ વર્લ્ડ સીએસએફ કંપનીમાં કામ કરતા ૪૪ વર્ષિય રવીકુમાર સોમેશ્વર રાવ અને તેમની અઢી વર્ષની દિકરી જાનવીનું કરૂણ મોત થયું હતું. જયારે પત્નિ ૩ર વર્ષિય કવિતાબેનને ગંભીર ઈજાઓ હોવાથી પ્રથમ સારવાર અદાણી હોસ્પિટલ મુંદરા અને ત્યાંથી ગાંધીધામની આહીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ૭૦ ટકા દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે સ્થાનીકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળેથી પ્રાપ્ત અહેવાલ પ્રમાણે અઢી વર્ષની દિકરી પલંગ પર જીવતી ભડથુ થઈ હતી. તો તેના પિતા પણ જીવતા ભડથુ થયા હતા. મહા મહેનતે બન્નેના મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવથી સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં આગેવાનો, લોકો બનાવ સ્થળ અને હોસ્પિટલમાં પહોચી ગયા હતા. સમગ્ર બાબતે એફએસએલની મદદ લેવાઈ છે. ટીમે આવીને આગ કયા કારણોસર લાગી તે દીશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે મુંદરા પીઆઈ આર.જે. ઠુમ્મર તેમજ પોલીસ સ્ટાફના ભરત ચૌધરી, ગલાલભાઈ, ભરત સોલંકી, અશોકભાઈ જોગી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
.........
નીચેના મકાનમાં રહેતો પરિવાર હેમખેમ રહ્યો
જે સ્થળે બનાવ બન્યો ત્યાં નીચેના રૂમમાં હતભાગીના માતા શાંતા માં, ભાઈ મહેશ રાવ, તેની પત્નિ ઉષા રાવ અને પુત્ર - પુત્રી રહેતા હતા. આ મકાનમાં કોઈ નુકશાની કે જાનહાની થઈ નથી. ઉપરના માળે બનેલી ઘટનામાં આંધ્રપ્રદેશનો પરિવાર વિખાઈ ગયો હતો.
.........
ગમગીન માહોલ વચ્ચે સ્થાનીકો મદદે દોડી ગયા
મકાનની બાજુમાં રહેતા કૃષ્ના રાવે જણાવ્યું કે, ધડાકાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક મકાન તરફ દોડી ગયા અને પોલીસને જાણ કરી હતી. શેખર રાવે કહ્યું કે, તેઓ છ વાગ્યે નોકરી પર જતા હતા ત્યારે બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો. મુંદરામાં રહેતા આંધ્ર સમાજના અગ્રણી ધર્મા રાવે ઘેરા શોકની લાગણી વ્યકત કરી, હતભાગીને શ્રદ્ધાંજલિ આપી હતી. કાઉન્સીલર ધ્રુવરાજસિંહ ચુડાસમા ઘટના સ્થળે દોડી ગયા હતા. તેઓએ જણાવ્યું કે, બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, આસપાસના ઘરોના બારી - દરવાજા પણ ક્ષતિગ્રસ્ત થયા હતા. એક મકાનનો દરવાજો ઉડીને બાજુના મકાનમાં પડયો હતો. કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શહેર પ્રમુખ અરવિંદ પટેલ, ગૌરાંગ ત્રિવેદી, દિલીપ ગોર સહિતના પણ બનાવ સ્થળે પહોંચ્યા હતા.
.........
ઘટના સ્થળે ગેસના બે સીલીન્ડર મળી આવ્યા
બનાવ સ્થળની મુલાકાત લેતા ગેસના બે સીલીન્ડર મળી આવ્યા હતા, જે ખાલી હતા કે ભરેલા તેની તપાસ ચાલુ છે. પણ આ સ્થળે આગ પહોંચી ન હતી. હાલ તબક્કે એસીના કમ્પ્રેસરમાં ધડાકો થવાથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે પરંતુ ઠંડીમાં એસી ચાલુ હોવા બાબતે શંકા વ્યકત થઈ રહી છે. વાયરીંગમાં શોર્ટ સર્કીટનું કારણ પણ માનવામાં આવી રહ્યું છે. અલબત એફએસએલની તપાસમાં કારણ ખુલવા પામશે.
.........

Comments