કચ્છ જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજકીય ગરમાવો દેખાયો
કચ્છ કમલમમાં રાજકીય ‘મહાકુંભ’
૩ તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી માટે નિરીક્ષકો દ્વારા લેવાયા અભિપ્રાય : ભચાઉ પાલિકાની સાત વોર્ડની ર૮ બેઠકો માટે ઉમેદવારોએ રજુ કરી દાવેદારી
ભુજ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું જાહેરનામું આજે વિધિવત બહાર પડી જતા કચ્છમાં રાજકીય હલચલ તેજ બની છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભચાઉ અને રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જિલ્લાની ૩ તાલુકા પંચાયત બેઠક માટે અભિપ્રાય લેવાની પ્રક્રિયા લોકશાહી ઢબે હાથ ધરવામાં આવી હતી. કચ્છ કમલમ ખાતે આજે ભચાઉ પાલિકા અને તાલુકા પંચાયત બેઠકો માટેના સેન્સ લેવાયા હતા. જિલ્લા કાર્યાલય ખાતે આજે રાજકીય મહાકુંભમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારી કરવા ઈચ્છુક મુરતિયાઓ સાથે સમર્થકો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિ સાથે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કચ્છ કમલમ ખાતે પ્રથમ તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી માટેના સેન્સ લેવાયા હતા. પ્રદેશ કક્ષાએથી આવેલા નિરીક્ષકો બનાસકાંઠાના પૂર્વ સાંસદ જયસિંહ ચૌહાણ, બનાસકાંઠાના પૂર્વ જિલ્લા મહામંત્રી ભરતસિંહ ભટસરિયા અને પૂર્વ જિલ્લા પ્રભારી રેખાબેન ચૌધરીએ ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળ્યા હતા. સાથે સંગઠનના અપેક્ષિત હોદ્દેદારોનો પણ અભિપ્રાય મેળવ્યો હતો. ત્યારબાદ બપોરે લોકશાહી ઢબે ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના સેન્સ લેવાયા હતા. આ વેળાએ ભચાઉ પ્રભારી ગઢવી, સંયોજક ઈલાબેન શાહ, સહ સંયોજક આઈ.જી. જાડેજાની ઉપસ્થિતિમાં ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યાનુસાર ભચાઉ - રાપર પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા સંભવતઃ નો રીપીટ થીયરી અપનાવી નવા ચહેરાઓને તક અપાય તેવી સંભાવના છે. ભૂતકાળમાં બે ચૂંટણી લડી ચુકેલા ઉમેદવારો અને ૬૦ વર્ષની આયુના કાર્યકરોને ટિકીટ મળે તેવી સંભાવના નહીવત છે. આ ઉપરાંત ભાજપા હાઈ કમાન્ડે પરિવારવાદથી અલિપ્ત રહી નવા ઉમેદવારોને મેદાને ઉતારવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના પગલે અનેક કાર્યકરોના ઉત્સાહનો સંચાર થયેલો જોવા મળી રહ્યો છે.
આગામી ૧લી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરી ઉમેદવારોની યાદી તૈયાર કરવા કવાયત હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૧૬મી ફેબ્રુઆરીએ રાપર, ભચાઉ, નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે કચ્છમાં દરશડી (તા.માંડવી), મોટી ભુજપુર (તા.મુંદરા) અને મોટા લાકડીયા (તા.ભચાઉ)ની ચૂંટણી યોજાશે. ભાજપાએ અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા હાથ ધરી ચૂંટણી જંગમાં પ્રથમ નગારે ઘા કર્યો છે.
................
ભચાઉમાં કદાવર નેતા-લોકસેવક વિરેન્દ્રસિંહની
સેવાભાવના જ ભાજપને અપાવશે મોટી જીત
વિરેન્દ્રસિહ જાડેજાની સેવાભાવના ભરી જનપ્રીય છબી જ અહી તો ભાજપને જીતાડવા માટે કાફી થઈ પડશે : રાજકીય તજજ્ઞોનો મત
ગાંધીધામ : ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની જાહેરાત થવા પામી ગઈ છે. જેમાં કચ્છમાં રાપર અને ભચાઉ નગરપાલીકાની ચુંટણીઓ પણ યોજાવવા પામી રહી છે. આજથી રાપર અને ભચાઉ નગરપાલીકાના ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રીયા આરંભાઈ ચૂકી છે અને ભાજપ એડવાન્ટેજમાં જ જોવાઈ રહ્યું છે. રાજકીય જાણકારો કહી રહ્યા છે કે, ભચાઉમાં તો ભાજપના કદાવર લોકસેવક-લોકપ્રીય નેતા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સેવાકામોની જ સુવાસ એટલી બધી છે કે, કોંગ્રેસને તેમની સામે ઉમેદવારો શોધવામાં જ ફાંફા થઈ જશે. તેઓએ કોઈ પણ પ્રકારની પક્ષાપક્ષી ઉપરાંત જ સમગ્ર વિધાનસભા વીસ્તારમાં લોકસેવાના કાર્યો કર્યા છે. આ લોકસેવાના કાર્યોનું લીસ્ટ જ એટલુ લાંબુ છે કે, કોંગ્રેસ સહિતનાઓ તે લીસ્ટની સામે ટકી શકે તેવો ઉમેદવારો શોધવો જ લોઢાના ચણા ચાવવા સમાન બની જશે. એટલે વિરેન્દ્રસિહ જાડેજાની સેવાભાવના ભરી જનપ્રીય છબી જ અહી તો ભાજપને જીતાડવા માટે કાફી થવા પામી જશે તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments