Trending News
સ્થાનિક સમાચાર

રાપરના આણંદપર નજીક યુવાનની હત્યા

27 January


આડા સબંધની આશંકાએ ગળા પર તિક્ષ્ણ હથિયારનો ઘા મારી દેવાયો

રાપર : વાગડ વિસ્તારમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં તાલુકાના આણંદપર નજીક યુવાનની હત્યા કરાતા દોડધામ મચી ગઈ હતી. આ બાબતે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાપર તાલુકાના આણંદપર અને ગેડી ગામના રોડ વચ્ચે આ બનાવ બન્યો હતો. રપ વર્ષિય યુવકને ગળા પર છરી કે ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારનો ઘા મારી ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હતભાગી અરવિંદ રામજી કોલી મુળ આણંદપર ગામનો છે. અને ગત સાંજે આ બનાવ બન્યો હતો. તેના દેહની બાજુમાંથી બાઈક પણ મળી આવી હતી. હતભાગી યુવાન અપરિણીત હોવાનું અને વાડીમાં ખેતમજુરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની તપાસમાં આડા સંબંધોના કારણે યુવાનનું ઢીમ ઢાળી દેવાયાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. અલબત રાપર પોલીસે બનાવ સ્થળે દોડી  જઈ તપાસ હાથ ધરી છે. અલગ અલગ વ્યક્તિઓની પુછપરછ કરવા સાથે સીસીટીવી કેમેરા, ટેકનીકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે. આ બનાવથી પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ જવા સાથે ગામમાં ચકચાર મચી ગઈ હતી.

.............
વેકરામાં યુવાનની હત્યાના ગુનામાં પોલીસના હથિયાર હેઠા પડયા : દસ દિવસ પછી પણ કડી ન મળી

ગણતરીના દિવસોમાં આરોપી પકડવાના દાવા કરતી પશ્ચિમ કચ્છ પોલીસ માંડવી તાલુકાના રામપર વેકરામાં થયેલી યુવાનની હત્યાના કેસમાં નિષ્ફળ સાબિત થઈ છે. નખત્રાણાના વડવા કાંયા ગામમાં રહેતો ખેતમજુર યુવાન ૧પ જાન્યુઆરીના એક દિવસ માટે તેના ઘરે રામપર વેકરા ગયો અને બીજા દિવસે ઘરેથી ગુમ થયા બાદ ધુણઈ નજીક બાવળોની ઝાડીમાંથી મૃત મળી આવ્યો હતો. ગળે ટુપો આપીને હત્યા નિપજાવવામાં આવી હતી. આ ઘટના બની તેની દસ દિવસ ઉપરાંતનો સમય થઈ ચુકયો છે, છતાં યુવાનની હત્યા નિપજાવનાર એ અજાણ્યા ઈસમો કોણ હતા ? તેનો અતો પતો પોલીસ મેળવી શકી નથી. લોકોમાં ચર્ચા છે કે હાઈ પ્રોફાઈલ કેસ હોય તો પોલીસ - દિવસ રાતના ઉજાગરા કરી આરોપીને પકડી લે છે પરંતુ શ્રમિક અને મધ્યમ વર્ગ ન્યાય મેળવવા માટે ચપ્પલ ઘસી ઘસીને થાકી જાય છે. આ ઘટનામાં હતભાગીનો પરિવાર મજુરી કામ સાથે સંકળાયેલો છે. હવે જોવાનું એ રહ્યું કે સ્માર્ટ પોલીસ આ ગુનાનો ભેદ કયારે ઉકેલી બતાવશે ?

 

Comments

COMMENT / REPLY FROM