Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની બે નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ 

27 January


રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક દાખલ કરવાની પ્રક્રિયા શરૂ : રેલી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે ફોર્મ : ૧૬મીએ મતદાન, ૧૮મી ફેબ્રુઆરી મતગણતરી 


ભુજ : કચ્છ સહિત રાજ્ય ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ આજથી વિધિવત શરૂ થયો છે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ગત ર૧મી જાન્યુઆરીના કચ્છની બે સહિત રાજ્યની ૬૮ નગરપાલિકાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જેમાં કચ્છના વાગડની બે રાપર અને ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ હતી. આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. રાપર-ભચાઉ નગરપાલિકા ઉપરાંત માંડવી તાલુકાની દરશડી, મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર-૦ર અને ભચાઉ તાલુકાની લાકડિયા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ૧૬મી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ભચાઉ અને રાપર નગરપાલિકાના સાત-સાત વોર્ડની ર૮ બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી સુધી પોતાનું નામાંકનપત્ર દાખલ કરી શકશે. તા.૩ ફેબ્રુઆરીના ઉમેદવારીપત્રકની ચકાસણી થશે. ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ ૪થી ફેબ્રુઆરી છે. પાલિકાઓની સામાન્ય ચૂંટણી અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે તા.૧૬ ફેબ્રુઆરી રવિવારે સવારે ૭ વાગ્યાથી સાજે ૬ વાગ્યા સુધી મતદાન થશે જરૂર જણાયે તો પૂરક મતદાન તા.૧૭મી ફેબ્રુઆરીના થશે. મતગણતરી તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. તા.ર૧મી ફેબ્રુઆરીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ કચ્છમાં રાજકીય હલચલ તેજ બની છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવયાત હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં પ્રથમ વખત ર૭ ટકા ઓબીસી અનામતની અમલવારી સાથે ચૂંટણી થનાર છે. શિયાળાની ઋતુમાં રાજકીય ગરમાવો વધ્યો છે.


............

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : સંબંધિત વિસ્તારમાં હથિયાર જમા કરવા આદેશ 


ભુજ : કચ્છ જિલ્લામાં બે નગરપાલિકાઓની ચૂંટણી માટે જાહેરનામું પ્રસીદ્ધ થયું છે. આ સાથે જ કેટલાક નિયમો પણ અમલી બની ગયા છે. કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા રાપર-ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને વિવિધ તાલુકા પંચાયતની ૩ બેઠક માટે પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી ક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે અને શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે માટે ચૂંટણી વિસ્તારમાં હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલા હથિયાર જમા કરાવવા આદેશ કરાયો છે.જે વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ની કલમ-ર મુજબ વ્યાખ્યામાં આવતું હોય તેવું કોઈપણ હથિયાર ધારણ કરી શકશે નહીં. ઉપરાંત જિલ્લાના ચૂંટણી પંચ હેઠળના વિસ્તારના વ્યક્તિગત પ્રકારના હથિયાર પરવાના ધારકો તથા જિલ્લા બહારથી મેળવેલા હથિયાર પરવાનો ધારણ કરનાર વ્યક્તિઓ કે જેઓ હાલ અત્રેના લાગુ ચૂંટણી હેઠળના વિસ્તારમાં વસવાટ કરતી હોય તેવા તમામ હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવી છે.  આ ઉપરાંત સરકારી આરામગૃહ સહિતની સરકારી સુવિધાઓ રાજકીય નેતાઓ માટે બંધ રહેશે. ચૂંટણી પ્રચાર માટે ઉપયગમાં લેવાનારા વાહનોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પણ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. 

Comments

COMMENT / REPLY FROM