Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ ન.પા.નો ચૂંટણી જંગ-એડવાન્ટેજ ભાજપનો સિનારીયો

26 January


સ્થાનિક સ્વરાજ્યનો જંગ : ર૦રપ : ભચાઉ પાલિકાની ચૂંટણી : કોંગ્રેસ માટે ઉમેદવારો શોધવા પણ કસોટી સમાન : વાગડના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં શહેર અને તાલુકાનું સંગઠન ભચાઉ નગરપાલિકાને બિનહરીફ કરાવવા સક્રિય 


છેલ્લા સાત વર્ષમાં શહેર સંગઠન પહોચ્યું લુપ્ત થવાની કગારે : સતત અવગણનાથી પાયાની કાર્યકરો થયા પાર્ટીથી વિમુખ : દરેક વોર્ડથી ચાર ઉમેદવારો શોધવા કોંગ્રેસ માટે બનશે લોઢાના ચણા ચાવવા સમાન : સ્થાનિક રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કર્યો મત 



સાત વર્ષ બાદ યોજાઈ રહેલી ભચાઉ નગરપાલિકાની ચૂંટણી રસાકસીના જંગના બદલે એકતરફી બની રહે તેવી રાજકીય પંડિતોએ વ્યક્ત કરી સંભાવના : કેસરિયા બ્રિગેડ વાગડની બંને પાલિકાઓમાં જંગી જીતના કરી રહી છે દાવા : વિકાસની વણથંભી વણઝાર અપાવશે જીત : ભાજપા કાર્યકરોને વિશ્વાસ 
’


ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જોમ અને જુસ્સો પુરો પાડનાર અશોકસિંહ ઝાલા હવે ભાજપની જીતનો કરશે જુગાડ : કોંગ્રેસ પાસે મતદારોને આકર્ષી શકે તેવા ચહેરાનો અભાવ : ભાજપનું સંગઠન પેજથી બૂથ સુધી થયું છે મજબૂત જયારે કોંગ્રેસને ગ્રાઉન્ડ લેવલના નિષ્ઠાવાન કાર્યકરોની ચાલશે ખોટ : ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ ૧લી ફેબ્રુઆરી સુધી જ ભાજપ પાલિકાની ચૂંટણીનું ચિત્ર થઈ જશે સ્પષ્ટ 



ભચાઉ : કચ્છ સહિત રાજ્ય ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં કચ્છની બે સહિત રાજ્યની ૬૮ નગરપાલિકાઓને નવા સુકાનીઓ મળશે. કચ્છના વાગડ પંથકમાં બે પાલિકાઓની ચૂંટણી યોજાશે. ભચાઉ નગરપાલિકા અને રાપર નગરપાલિકાની ચૂંટણીનો ગરમાવો વાગડમાં જોવા મળી રહ્યા છે. 
ભચાઉ શહેર પાલિકાની સાત વર્ષ બાદ ચૂંટણી યોજાશે. છેલ્લા સાત વર્ષથી ભચાઉ વાસીઓ ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. સુધરાઈમાં લાંબા વહિવટદારના શાસનનો અંત આવે અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનું શાસન આવે તેવી આતુરતાનો અંત હવે નજીક આવ્યો છે. જો કે, આ વખતે ભચાઉ નગરપાલિકાની ચૂંટણી રસાકસીના જંગના બદલે એકતરફી કે, મોટાભાગની બેઠકો બિનહરીફ બને તેવી સંભાવના રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભચાઉમાં રાજકીય હલચલ વેગવાન થઈ છે. જયાં એકતરફ કેસરિયા પક્ષમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ સંગઠનમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ નિષ્ક્રીય અવસ્થામાં સરી ગયેલા કોંગ્રેસના સંગઠન માટે રાત થોડી અને વેશ જાજા જેવો તાલ સર્જાયો છે. વાગડના જાગૃત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પાર્ટીનું સંગઠન વાગડની બંને પાલિકાઓમાં ભાજપની જંગી જીત નિશ્ચિત હોવાનું જણાય છે. વાગડ પંથકમાં આઝાદીના સાત દશક સુધી ન થયા હોય તે પ્રકારે વિકાસકામો શરૂ થયા છે. છેલ્લા થોડા મહિનાઓ દરમ્યાન જ ભચાઉ પંથકમાં માળખાગત પાયાની સુવિધાઓના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. ભચાઉમાં વિકાસની ગાડી પુરપાટ દોડી રહી છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફી સ્પષ્ટ માહોલ હોવાનું શહેર સંગઠન જણાવી રહ્યું છે. ભચાઉ નગરપાલિકાના સાત વોર્ડની ર૮ બેઠકો પર અનેક દાવેદારોમાંથી કોને તક આપવી તેવી મીઠી મુંઝવણ ભાજપ હાઈકમાન્ડને સતાવી શકે છે. ત્યારે બીજીતરફ ભચાઉમાં લુપ્ત થવાની કગારે પહોંચેલા કોંગ્રેસ સંગઠનને ર૮ ઉમેદવારો મેળવવામાં પણ ફાંફા થવાના છે તેવું રાજકીય સમીક્ષકો જણાવી રહ્યા છે. 
સ્થાનિક રાજકીય વિશ્લેષકો જણાવે છે કે, લોકસભા કે, વિધાનસભાની ચૂંટણીઓ હોય ત્યારે કોંગ્રેસના દાવેદારોનો રાફડો ફાટતો હોય છે, પરંતુ પાલિકાની ચૂંટણી વખતે ર૮ ઉમેદવારો શોધવા પાર્ટીને મથામણ કરવાની નોબત આવી શકે છે. કોંગ્રેસમાં શહેર અને ગ્રામ્ય કક્ષાના પાર્ટી કાર્યકરોનું ખાસ કંઈ ઉપજતું ન હોવાથી છેલ્લા સાત વર્ષ દરમ્યાન લોકલ કાર્યકરો પાર્ટીથી વિમુખ થઈ ગયા છે. ગત નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસને જોમ અને જુસ્સો પુરો પાડનાર અશોકસિંહ ઝાલા હવે ભાજપમાં આવી ગયા છે. ભચાઉ શહેરમાં મતદારોને આકર્ષી શકે તેવા ચહેરા કોંગ્રેસ પાસે રહ્યા જ નથી. શહેર સંગઠનમાં સબળ નેતૃત્વનો અભાવ પાર્ટીને ખટકી રહ્યો છે. જયાં ભાજપનું સંગઠન બૂથથી માંડી વોર્ડ સુધી મજબૂત થયું છે. ત્યાં કોંગ્રેસમાં ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોનો દુકાળ પડ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.  રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે હવે જિલ્લા ચૂંટણી તંત્ર  ર૭મી જાન્યુઆરીએ જાહેરનામુ બહાર પાડશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ ૧ ફેબ્રુઆરી છે. ભચાઉ પંથકના રાજકીય પંડીતો જણાવે છે કે, ભચાઉ નગરપાલિકાના ચૂંટણી જંગનું મોટાભાગનું ચિત્ર ૧ લી ફેબ્રુઆરીએ જ સ્પષ્ટ થઈ જશે. ૧૬મી ફેબ્રુઆરીએ ભચાઉ નગરપાલિકાના સાત વોર્ડની ર૮ બેઠકો પૈકી કેટલીક બેઠકો માટે મતદાન થશે તે ૧ લી ફેબ્રુઆરીએ જ સ્પષ્ટ થઈ જશે. બીજીતરફ ભચાઉ ભાજપ સંગઠન નગરપાલિકાને બિનહરીફ કરાવવા એડીચોટીનું જોર પણ અજમાવશે. બીજીતરફ કોંગ્રેસને ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ ૪ ફેબ્રુઆરી સુધી ઉચાટ રહેશે તેવું સ્થાનિક રાજકીય સમીક્ષકો જણાવી રહ્યા છે.


 

Comments

COMMENT / REPLY FROM