ભચાઉના કસ્ટમ સર્કલે ટ્રક હડફેટે ૧૦ વર્ષિય માસૂમ બાળા કચડાતા અરેરાટી
મુકપ્રેક્ષક બનેલી ખાખી અને આરટીઓની બેદરકારી હજુ કેટલાના જીવ લેશે ?
બાપુનગરથી લાયન્સનગર જતી વખતે બન્યો બનાવઃ વારંવાર થતા અકસ્માતને પગલે લોકોમાં રોષ ફેલાયો
ભચાઉ : અહીં કસ્ટમ ચોકડી પાસે અવાર નવાર અકસ્માત થાય છે, જેના કારણે ઘણા પરિવારો ખંડીત થયા છે. ભારે વાહનોનું બેફામ પરિવહન હોવાથી દરરોજ નાના વાહન ચાલકોને અહીંથી પસાર થવું મુશ્કેલરૂપ સાબિત થતું હોય છે. તેવામાં ગઈકાલે રાત્રે સવા આઠ વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. જેમાં ૧૦ વર્ષિય બાળાનું મોત થતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ૮ઃરપ વાગ્યાના અરસામાં કસ્ટમ ચોકડી સર્કલ પાસે બનાવ બન્યો હતો. હતભાગી દિકરી એક્ટિવા પર પાછળ બેસીને જતી હતી. બાપુનગરથી લાયન્સનગર જતી વખતે આ અકસ્માત થયો હતો. ટ્રક ચાલકે એક્ટીવાને ટક્કર મારતા પાછળ બેઠેલી દિકરી પટકાતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે સારવાર નસીબ થાય તે પહેલા મોત થયું હતું. આ બનાવમાં ૧૦ વર્ષિય ધ્રુવીશાબા કુલદિપસિંહ ઝાલાનું મોત થયું હોવાનું પોલીસ સ્ટેશન દાખલ થયેલી પ્રાથમિક નોધ પરથી જાણવા મળ્યું છે. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. દરમિયાન અકસ્માત બાદ લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. ભચાઉમાં પોલીસ અને આરટીઓની મિલિભગત અને સ્પષ્ટ બેદરકારીના કારણે કસ્ટમ ચાર રસ્તા પાસેથી ઓવરલોડ ગાડીઓ નિકળતી હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે. અહીં ર૪ કલાક પોલીસની હાજરી અનિવાર્ય છે, પરંતુ પોલીસ ડોકાતી નથી. એકતરફ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણીના તાયફાઓ કરાઈ રહ્યા છે. બીજીતરફ અકસ્માતો અટકાવવા માટે પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે અનેક નિર્દોષ લોકોના મોત થવાથી અનેક પરિવારો ખંડીત થયા છે. ઓવરલોડના દુષણને ડામવામાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. અહીં અમદાવાદ અને ચિરઈ તરફથી ભારે વાહનોની સતત અવર જવર હોય છે. સર્કલ નાનુ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
.............
ભચાઉ શહેરમાં ખાખીનો ખોફ ઘટતો
જાય છે, ટ્રાફિક વ્યવસ્થા સદંતર નિષ્ફળ
ભચાઉ શહેરમાં ચાર રસ્તા પાસે અવાર નવાર ઓવરલોડ વાહન કારણે અકસ્માત થતાં હોય છે જેના કારણે અનેક લોકોના જીવો ગયા છે. ખાખી માત્ર ફોટો સેશન પુરતી સીમીત રહી ગઈ છે. અકસ્માત થાય ત્યારે નેતાઓ, આગેવાનો ચૂપ થઈ જાય છે. ચૂંટાયેલા નેતાઓ કહેતા હોય છે દર મહિને મીટીંગો કરીશું પણ ચૂંટાયા બાદ આ વિસ્તારને ભૂલી ગયા હોય તમે લાગી રહ્યું છે ખાલી ફોટો પડાવવા માટે આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ નીકળી પડે છે બાદમાં જીતેલા અને હારેલા નેતાઓ દેખાતા નથી. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે મતદારોએ જાગૃત થવો પડશે.

Comments