કચ્છ બોર્ડરવિંગ હોમગાર્ડઝના બે નાયકોને રાજ્યપાલ ચંદ્રક એનાયત થશે
પ્રજાસત્તાક દિને પ્રસંનીય અને વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે સન્માન : રાજ્યના કુલ ૪૬ હોમગાર્ડઝ, બોર્ડરવિંગ, નાગરિક સંરક્ષણ અને ગ્રામ રક્ષક દળના અધિકારીઓ-સભ્યોની કરાઈ પસંદગી
ભુજ : આવતીકાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે વિશિષ્ટ સેવા બદલ રાજ્યના ૪૬ હોમગાર્ડઝ જવાનોનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન થશે. જેમાં કચ્છમાંથી બે બોર્ડરવિંગ હોમગાર્ડઝ નાયકની પસંદગી કરવામાં આવી છે. કચ્છમાં ફરજ બજાવતા ઈન્દ્રસિંહ ઉદયસિંહ સોઢા અને ન્યાલા ગણેશા ભાટીનું વિશિષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલ ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને હોમગાર્ડઝ, બોર્ડરવિંગ નાગરિક સંરક્ષણ અને ગ્રામ રક્ષક દળના ૪૬ જવાનોને વિશિષ્ટ સેવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચંદ્રકો એનાયત થશે. ડાયરેક્ટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ ગુજરાતના નિયંત્રણ હેઠળના બોર્ડરવિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામ રક્ષક દળના ૪૬ જેટલા અધિકારીઓ, સભ્યોની પ્રશસંનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ રાજ્યપાલના ચંદ્રકો અને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રકો એનાયત માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં ર૬ હોમગાર્ડઝ, પાંચ બોર્ડરવિંગ હોમગાર્ડઝ, પાંચ નાગરિક સંરક્ષણ દળના જવાનો અને ૧૦ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષકદળના અધિકારીઓ-સભ્યોનો સમાવેશ કરાયો છે. આ સૂચિમાં કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા નં.ર બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝના નાયક ઈન્દ્રસિંહ ઉદયસિંહ સોઢા અને નાયબ ન્યાલા ગણેશા ભાટી પસંદગી પામ્યા છે. આવતીકાલે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સમારોહમાં બન્ને નાયકોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રકો એનાયત થશે.

Comments