બળદિયામાં ૪૦૦ પાઉન્ડ સહિત પોણા બે લાખની ઘરફોડ ચોરીથી ઉચાટ ફેલાયો
લગ્ન પ્રસંગે નેરોબીથી આવેલા પટેલવાસીએ ખરીદેલા કપડા પણ તસ્કરો ઉઠાવી ગયા : અંજારમાં બાઈકના થેલામાં રાખેલો ૩પ હજારનો મોબાઈલ ઉઠાવી જવાયો
ભુજ : તાલુકાના પટેલ ચોવીસીના સમૃદ્ધ ગણાતા ગામોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. તેવામાં બળદિયા ગામે પોણા બે લાખની ચોરી થતાં ઉચાટ ફેલાયો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ બળદિયાના ઘનશ્યામનગરમાં રહેતા અને હાલે નેરોબીમાં સ્થાઈ થયેલા લીલાવંતીબેન દેવશીભાઈ વેકરિયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ર૧મી જાન્યુઆરી બપોરે ર વાગ્યાથી રરમી જાન્યુઆરીના સવારે ૮ વાગ્યા દરમિયાન ચોરી થઈ હતી. કોઈ ચોર ઈસમે તેમના બંધ મકાનમાં ડેલીમાંથી ગેરકાયદે પ્રવેશ કરીને મકાનના તાળા તોડયા હતા. કબાટમાં લેપટોપની બેંગમાં રાખેલા રોકડા એક લાખ, ૪૦૦ પાઉન્ડ જેની કિંમત ૪૦ હજાર, ઓપો કંપનીનો ૧૦ હજારનો મોબાઈલ, લગ્નની ખરીદીના કપડાં જેમાં અલગ અલગ સાડીઓ, કૃતિઓ, ચણિયા વગરે મળી રપ હજારના કપડાં સાથે કુલ ૧.૭પ લાખની મતાની ચોરી કરવામાં આવી હતી. બનાવ બાબતે માનકૂવા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પટેલ ચોવીસીમાં વધી રહેલી ચોરીની ઘટનાથી વિદેશોમાં સ્થાઈ થયેલા પટેલોમાં ચિંતા ફેલાઈ છે. ગામડાઓમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
દરમિયાન અંજારમાં શાક માર્કેટ પાછળ આવેલ બાપુની દરગાહે દર્શન માટે ગયેલા યુવાનનો મોબાઈલ ચોરાયો હતો. ફરિયાદી સોયબભાઈ ઈસ્માઈલભાઈ કલરના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાનો વીવો કંપનીનો ૩પ હજારનો મોબાઈલ બાઈકના થેલામાં રાખ્યો હતો, જેની કોઈ શખ્સો ચોરી કરી ગયા હતા. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments