ભુજમાં શાકમાર્કેટ, પાર્કિંગ પ્લોટ, ફુટપાથ જેવી લોક સુવિધાઓ માત્ર નકશામાં જ મોજુદ
નગરપાલિકા શાસકોની અણઆવડત કે ઉદાસીનતા ?
મહાનગરપાલિકા બનવા ભણી અગ્રેસર જિલ્લા મથકમાં ધંધાદારી દબાણોનો ફાટ્યો રાફડો : શહેર સુધરાઈની કચેરીએ સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સનો નોંધાયેલો આંક માત્ર ૭૩૪ : મોટાભાગના અસ્થાયી શેરી ફેરિયાઓ કોઈને કોઈ સ્થળે ડેરાતંબુ તાણી ગોઠવાઈ ગયા
ભુજ : કચ્છના જિલ્લા મથક એવા ભુજ શહેરની મહા નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે રાજ્ય સરકારમાં વિચારણા ચાલી રહી છે. ભુજના ધારાસભ્ય સહિત વિવિધ સંગઠનો દ્વારા થયેલી શ્રેણીબદ્ધ રજૂઆતો બાદ નજીકના ભવિષ્યમાં રાજ્યસરકાર દ્વારા ભુજને મહાનગરપાલિકા બનાવવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે, પરંતુ વર્તમાન સમયે શહેરમાં જે રીતે દબાણની પ્રવૃત્તિ ચાલી રહી છે તેના કારણે ભુજવાસીઓ માટે ટ્રાફિકની સમસ્યા શરદર્દ સમાન બની છે. શહેરની તમામ ફુટપાથો, પાર્કિંગ પ્લોટ, સરકારી દફતરો અને શાળાઓની આસપાસ કાચા-પાકા દબાણો ખડકાઈ ગયા છે ત્યારે ભુજમાં નગરપાલિકા તંત્રનું અસ્તિત્વ છે કે કેમ તેવા વેધક સવાલો શહેરીજનોમાં ઉઠી રહ્યા છે.
શહેરના બસપોર્ટથી માંડી મુખ્ય બજાર વિસ્તાર, હોસ્પિટલ રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડ, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ સહિતના તમામ મુખ્ય વિસ્તારોમાં રોડની બન્ને તરફ લારી-ગલ્લા કે કેબિનોના દબાણ જોવા મળે છે. જિલ્લા પંચાયતથી હમીરસર તળાવ જતા માર્ગ ઉપરાંત હમીરસર તળાવની પાળે પેન્શનર્સ ઓટલા સામેની ફુટપાથ, લેકવ્યુથી મંગલમ તરફ જતા માર્ગ પર રાહદારીઓ માટે બનેલી ફુટપાથ શોપીંગ મોલમાં ફેરવાઈ ગઈ હોય તેમ રેડીમેડ કપડાથી માંડી ખાણી-પીણીના ધંધાર્થીઓએ કબજો જમાવી દીધો છે. વર્ષ ર૦૧૪માં બનેલા શેરી ફેરિયા અધિનિયમની અમલવારી ભાગ્યે જ શહેરમાં થતી જોવા મળે છે. નગરપાલિકા તંત્ર પાસેથી મળતી વિગત મુજબ વર્ષ ર૦ર૧માં કોરોના કાળ બાદ કરાયેલ નોંધણી મુજબ ભુજ શહેરમાં કુલ્લ ૧પ૩૦ સ્ટ્રીટ વેન્ડર્સ નોંધાયેલા છે, જેમાં ૭૩૪ સ્થાયી અને ૭૯૬ અસ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સનો સમાવેશ થાય છે. નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ પાસેથી દર મહિને સફાઈ વેરા સહિત રૂા.૧૮૦ વસૂલવામાં આવે છે. નગરપાલિકા તંત્રમાં સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સ માત્ર ૭૩૪ જ નોંધાયા છે, પરંતુ વાસ્તવિક આંક તેનાથી અનેકગણો વધારે હોવાનું શહેરની લટાર મારતા જણાઈ આવે છે. ભુજમાં વાણંદ, મેકેનિક, ભંગારના વેપારી, કપડા, રેડીમેડ ગાર્મેન્ટ, ચા, દરજી કામ, કટલેરી, દૂધની બનાવટ, ચાની હોટલ જેવા સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા નગરપાલિકા દફતરે માંડ ૭૦૦ જેટલી જ છે, પરંતુ શહેરમાં ૭૦૦ જેટલા માત્ર શાકભાજી અને ચાની હોટલ અને ખાણીપીણીવાળા જેવા સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સ હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે. ભુજમાં શાકભાજીના સ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સ માત્ર ૩૦૦ની આસપાસ નોંધાયા છે, પરંતુ ભુજની બન્ને શાકમાર્કેટ, વાણિયાવાડ બજાર, મહેરઅલી ચોક, વી.ડી. હાઈસ્કૂલથી મિડલ સ્કૂલના માર્ગ પર તેનાથી વધુ શાકભાજી અને ફળફાળદિના સ્થાયી સ્ટોલ જોવા મળે છે.
ભુજમાં જૂના બસ સ્ટેશનને રિ-ડેવલપ કરવા બંધ રાયું ત્યારથી વાણિયાવાડ વિસ્તારમાં લારી-ગલ્લા રૂપી દબાણ વધ્યા છે. મોટાભાગના અસ્થાયી સ્ટ્રીટ વેન્ડર્સે કોઈને કોઈ સ્થળ પર સ્થાયી થઈ વેપાર કરવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં શાકભાજી, કટલેરી, ગોલા-કુલ્ફી, પાણીપુરીનું હરતા-ફરતા વેચાણ કરતા જુજ જ ધંધાર્થીઓ જોવા મળી રહ્યા છે. મોટાભાગના અસ્થાયી રીતે નોંધાયેલા સ્ટ્રીટ વેન્ડરોએ કોઈને કોઈ ફુટપાથ કે અન્ય સ્થળ પર ડેરાતંબુ તાણી દીધા છે. ભુજમાં જુલાઈ ર૦રર બાદ કરવામાં આવેલ શેરી ફેરિયાઓના સર્વેની યાદી નગરપાલિકાની ફાઈલોમાં જ દબાયેલી રહી
ગઈ છે.
ભુજ શહેર ટાઉન વેન્ડીંગ કમિટીમાં છ જેટલા વેન્ડીંગ ઝોન મંજૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી ૧ વેન્ડીંગ ઝોન મુંદરા રોડ પર બન્યું હતું. બાકીના વેન્ડીંગ ઝોન બનાવવાની વાત અધ્ધરતાલ રહી ગઈ છે. નગરપાલિકા તંત્રમાં જોવા મળતા જૂથવાદના કારણે શહેરીજનો માટે મહત્ત્વના નિર્ણયો લેવાતા નથી. શહેરના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ભુજમાં વોક-વે, બાગ-બગીચાની સુધારણા, હમીરસર તળાવના બ્યુટીફિકેશન, કૃષ્ણાજી પુલનું નવનિર્માણ સાથે નવા વેન્ડીંગ ઝોનની રચના જેવા મહત્ત્વના નિર્ણયો લેવામાં સુધરાઈના સત્તાધીશો ખચકાઈ રહ્યા છે. શહેર સુધરાઈના શાસકોમાં જૂથવાદના કારણે શહેરીજનોનો ખો નીકળી રહ્યો છે. ભુજ શહેરની શાસક બોડી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથને ભુજના ધારાસભ્યની તરફેણમાં ગણવામાં આવે છે. સુધરાઈના શાસક પક્ષમાં જૂથવાદ ઉપરાંત શાસકો અને ચીફ ઓફિસર વચ્ચેનો ગજગ્રાહ પણ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ભૂતકાળમાં જ્યારે દબાણ હટાવની કામગરી સુધરાઈ તંત્રએ હાથ ધરી છે ત્યારે કેટલાક નગરસેવકો ખુખ આડખીલી બને છે તેવો બળાપો શહેર સુધરાઈના ચીફ ઓફિસર જાહેરમાં વ્યક્ત કર્યો હતો. જોકે, હવે ભુજના ચીફ ઓફિસરને ઓખા બદલવામાં આવ્યા છે અને ભુજ શહેરના મુખ્ય અધિકારીનો ચાર્જ પ્રાંત અધિકારીને સોંપાયો છે ત્યારે શહેરની વર્ષો જુની સમસ્યાઓનો ઉકેલ આવશે કે કેમ ? તેના પર મીટ મંડાઈ છે.
ભુજ નગરપાલિકા હસ્તકની બન્ને શાકમાર્કેટ ખંડેર બની ચૂકી છે. વાણિયાવાડ શાકમાર્કેટમાં એપીએમસીમાં વેપાર કરતા દલાલો - વેપારીઓએ સ્ટોલ પર દબાણો ખડકી દઈ ગોડાઉન કે ઓફિસ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે શાકમાર્કેટની બહાર રસ્તાઓ પર આડેધડ લારી-ગલ્લાઓ ખડકાયેલા રહે છે. શહેર સુધરાઈ શાસકોની અડઆવડણ કે ઉદાસીનતાના કારણે શહેરીજનો માટે ઉભી કરાયેલ શાકમાર્કેટ, ફુટપાથ કે પાર્કિંગ પ્લોટ જેવી સુુવિધાઓ પર દબાણકારોએ કબજો લીધો છે.
શેરી ફેરિયા સંગઠન પણ અનેક વખત દબાણ હટાવવાની કામગીરીમાં રૂકાવવટ ઉભી કરી ચૂક્યું છે. સ્ટ્રીટ વેન્ડર તરીકે માંડ ૧પ૦૦ જેટલા ધંધાર્થીઓ નોંધાયેલા છે, પરતુ શહેરમાં હાલે ૩ હજારથી વધુ શેરી ફેરિયાઓ હોવાનું ખુદ શેરી ફેરિયા સંગઠનના હોદ્દેદારો જણાવી રહ્યા છે. આવા અનધિકૃત સ્ટ્રીટ વેન્ડર થકી સુધરાઈને એક ફદિયાનીય આવક થતી નથી, ઉલ્ટું શહેરમાં દબાણોની સમસ્યા વકરતી રહે છે.

Comments