Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ધોરીમાર્ગો પર બેફામ દોડતા કેમિકલ ભરેલ વાહનો જીવતા બોમ્બ સમાન

21 January

જો..જો.. ક્યાંક કચ્છમાં મહારાષ્ટ્ર જેવી દુર્ઘટનાનું ન થાય પુનરાવર્તન




તાજેતરમાં મુંબઈ-પૂણે હાઈવે અને જયપુરમાં બનેલી ઘટનાઓએ જોખમી પદાર્થોના પરિવહનમાં રહેલા ભયસ્થાનો અંગે ધરી લાલબત્તી : મહારાષ્ટ્રના હાઈવે પર જોખમી કેકિમલ ટેન્કર પલટી જતા ફાટી નીકળી હતી આગ : જયપુરમાં એલપીજી ટેન્કરને નડેલા અકસ્માતમાં ૧પ નિર્દોષ લોકોએ ગુમાવ્યા હતા જીવ : તાજેતરમાં ખાવડા રોડ ઉપર કેમીકલ ભરેલો ટેન્કર પ્લટી ગયો હતો


કચ્છમાં આદ્યોગિક અને બંદરિય વિકાસ બાદ ધોરીમાર્ગો પર જોખમી કેમિકલ અને જ્વલનશીલ પદાર્થો ભરેલા ટેન્કરોનું આવાગમન વધ્યું : કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જવાબદાર તંત્રો પાણી પહેલા બાંધે પાળ : જાણકારોએ વ્યક્ત કર્યો મત



ગાંધીધામ : છેલ્લા બે દાયકા દરમ્યાન કચ્છ જિલ્લામાં થયેલા ઔદ્યોગિક અને બંદરિય વિકાસના પગલે ધોરીમાર્ગો પર જોખમી કેમિકલ અને જ્વલનશીલ પદાર્થો ભરી દોડતા વાહનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. ખાસ કરીને કંડલા બંદર પર જોખમી અને જ્વલનશીલ પદાર્થોની મોટા પ્રમાણમાં આયાત અને સ્ટોરેજ કરવામાં આવે છે. આવા જ્વલનશીલ અને જોખમી કેમિકલ ભરેલા ટેન્કરો કચ્છના ધોરીમાર્ગો પર દોડતા હોય છે. તાજેતરમાં મુંબઈ-પૂણે હાઈવે અને જયપુર અગ્નિકાંડ જેવી ઘટનાઓએ જોખમી પદાર્થોના પરિવહનમાં રહેલા ભયસ્થાનો અંગે લાલબત્તી ધરી છે ત્યારે કચ્છના વહિવટી, આરટીઓ એન પોલીસ જેવા જવાબદાર તંત્રો તેમજ પોર્ટ ઓથોરિટી મુંબઈ-પૂણે કે જયપુર જેવી કોઈ મોટી દુર્ઘટના બને તે પૂર્વે સજાગ બને તે જરૂરી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પૂણે હાઈવે નજીક બુધવારે કેમિકલ ભરી પસાર થઈ રહેલું ટેન્કર પલટી ગયું હતું અને જોતજોતામાં જ આગ ફાટી નીકળી હતી. કલાકો સુધી હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કેમિકલ ભરેલું ટેન્કર મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પરથી બહાર નીકળ્યા બાદ ખોપોલી નજીક પલટી ગયું હતું. આ અકસ્માતના કારણે ફાટી નીકળેલી આગમમાં આખું ટેન્કર ઝપેટમાં આવી ગયું હતું. કેમિકલ રસ્તા પર ફેલાઈ જવાના કારણે રપ ફુટ દૂર સુધી આગ ફેલાઈ હતી. આ અકસ્માતના કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી જવા સાથે કલાકો સુધી વાહન વ્યવહાર પણ બાધિત રહ્યો હતો. ખૂબ ઝડપભેર જઈ રહેલ ટેન્કરના ચાલકે પોતાનો કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. આ પૂર્વે જયપુરમાં એલપીજી ભરેલ ટેન્કરની સાથે ટ્રકની ટક્કર થતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટ્રક સાથેની ટક્કરથી ટેન્કર ભરેલ ગેસ લીકેજ થતાં ફાટી નીકળેલી ભયાવહ આગની ઝપેટમાં નજીકના ૩પ જેટલા વાહનો આવી ગયા હતા, જેમાં ૧પ લોકોના મોત પણ 
થયા હતા. કચ્છના ધોરીમાર્ગો પર આવા જોખમી પદાર્થો ભરેલ ટેન્કરોની સતત અવર-જવર રહેતી હોય છે. જાણકારો કહે છે કે, ધોરીમાર્ગ પર દોડતા આવા વાહનો યમદૂત સમાન હોય છે. થોડી અસાવધાની મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. કચ્છના ધોરીમાર્ગો પર નાના-મોટા અકસ્માતોના બનાવ સમયાંતરે બનતા રહે છે. અન્ય વાહનના ડ્રઈવરની ગફલતના કારણે પણ જો જોખમી કેમિકલ ભરેલ ટેન્કર સાથે અકસ્માત સર્જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM