અંજાર - ગાંધીધામ સંકુલમાં નકલી ડ્રાઈવીંગ લાયસન્સનો રાફડો ફાટયો
જો જો તમારૂં લાયસન્સ પણ કયાંક નકલી તો નથી ને ?
નખત્રાણાના કોટડા જડોદરમાં ઓનલાઈન લાયસન્સ છાપી આપવાના કિસ્સાના પર્દાફાશ બાદ પૂર્વ કચ્છમાંથી સામે આવી ફરિયાદો : પોતાના પગ તળે રેલો આવતો હોવાથી આરટીઓ તો ક્રોસ વેરીફાય નહીં કરે પણ પોલીસ તપાસ કરે તો અનેક જગ્યાએથી મળશે બોગસ લાયસન્સ : ચેકીંગ દરમ્યાન માત્ર કાર્ડ જોવાય છે નંબર ચેક કરવામાં આવતા ન હોવાથી પ્રવૃતિમાં વધારો
તાજેતરમાં ગાંધીધામ આરટીઓ અધિકારીએ વાહનને પકડયો અને થોડા સમયમાં તે જ વાહન ફરતા દેખાતા તે બાબતે ભારે ચર્ચા જાગી છે
ગાંધીધામ : આરટીઓ કચેરીમાં ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવા માટે જઈએ ત્યારે સાત કોઠા વિંધવા પડે છે. ઓનલાઈન ફોર્મ ભરી આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપવી, જો તેમાં નાપાસ થાવ તો ફરીથી પરીક્ષા આપવી, લર્નિંગ લાયસન્સ મળ્યાના એક મહિના બાદ આરટીઓમાં સ્લોટ બુક કરાવી પરીક્ષા આપવી અને તેમાં પણ સર્વર ડાઉન અને ટ્રેક બંધ રહ્યો તો હાલાકી બોનસમાં. પરીક્ષા આપતી વખતે પણ અનેક પડકારોનો સામનો કરવો પડે ત્યારે માંડ લાયસન્સ મળે પરંતુ કચ્છમાં આરટીઓની છત્રછાયાથી સક્રિય બનેલા એજન્ટો કોઈ પણ જાતની પરીક્ષા વગર ઘરબેઠા લાયસન્સ બનાવી આપે છે પરંતુ તે ખરા કેટલા ? તે મોટો સવાલ છે. તાજેતરમાં નખત્રાણાના કોટડા જડોદરમાં પોલીસે એક શખ્સને પકડી પુછપરછ કરતા તે ઓનલાઈન ડ્રાઈવીંગ લાયસન્સ છાપી આપતો હતો, માત્ર કોરા કાર્ડ લઈ લાયસન્સ પ્રમાણે ફોટો અને નામ બદલી ઓનલાઈન એપ્લીકેશનમાં એડીટ કરી છાપી આપતો હતો. રસ્તામાં પોલીસ કે આરટીઓ પકડે તે માત્ર લાયસન્સ જુએ અને જવા દે. ડોકયુમેન્ટ સાચું છે કે ખોટું તેની તપાસ કરવામાં આવતી નથી. પરિણામે બજારમાં નકલી લાયસન્સ ધુમ ફરી રહ્યા છે. નખત્રાણાનો કિસ્સો સામે આવ્યા બાદ ગાંધીધામમાં પણ આ પ્રમાણેના લાયસન્સ લોકો પાસે હોવાની ફરિયાદ સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે ભુજ આરટીઓમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ તમામ પ્રકારના શેટીંગ સાથેના વ્યવહારો બંધ કરી દેવાતા તમામ એજન્ટો અંજાર કચેરી તરફ વળ્યા હતા. નવી કચેરી હોવાથી અને અહીં શરૂઆતી સબંધીતોને સાચવીલેવાતા કોઈ ફરિયાદો ઉઠી નથી. જેથી ભુજથી પણ ઘણા લોકો લાયસન્સ બનાવવા માટે અંજાર કચેરીમાં જાય છે, તેવામાં હવે અંજાર - ગાંધીધામ સંકુલમાં નકલી લાયસન્સ ફરતા હોવાની ચર્ચા છે તેમજ ઘણા તો આરટીઓમાં એકના બદલે બીજા વ્યક્તિ પરીક્ષા આપી લાયસન્સ મેળવી લે છે. આ માટે પાંચ હજારનો ભાવ બોલાય છે. ખરેખર પોલીસ અને આરટીઓ પાસે ઈ-ગુજકોપનું સોફટવેર હોય છે તેમાં લાયસન્સ નંબર નાખી સાચું છે કે ખોટું તે તપાસી શકાય છે.જાહેર રસ્તા પર ન થાય પરંતુ એવા સ્થળો કે જયાં વાહનોની લાઈન લાગતી હોય ત્યાં તપાસ કરી શકાય. જેમ કે ખાવડામાં ચેકપોસ્ટ, કંડલા પોર્ટ, મુંદરા પોર્ટ, શેખપીર, ટોલનાકા સહિતના સ્થળોએ પસાર થતા વાહન ચાલકોના લાયસન્સ ક્રોસ વેરીફાય કરવામાં આવે તો ઘણા બોગસ લાયસન્સ પકડાય તેમ છે. જરૂર છે માત્ર કાર્યવાહી કરવાની, પરંતુ પોતાના પગે તળે રેલો આવતો હોવાથી કોઈ સોનાની થાળીમાં કાણું પાડવા રાજી નથી. જેથી પોલીસ તપાસ કરે તે જરૂરી છે. વાહન ચાલકોએ પોતાનું લાયસન્સ ખરૂં છે કે ખોટું તે વેરીફાય કરાવવું જોઈએ.

Comments