કંડલા - ગોરખપુરની ૧૧ હજાર કિ.મી. લાંબી પાઈપલાઈન માટે ચોકીદારો તૈનાત કરાયા
ઉત્તરપ્રદેશના ગામડાઓમાં ખેડૂતોને વળતર આપ્યા બાદ પાઈપલાઈન નખાઈ : બોર્ડ લગાવવા સાથે પાઈપની સુરક્ષા માટે સિક્યુરીટી ગોઠવાઈ : કંડલામાં અવારનવાર પાઈપલાઈનમાં કાણા કરી ઈંધણ ચોરીની ઘટનાઓ સામે આવી ચુકી છે
ગાંધીધામ : વિશ્વના મોટા બંદરોમાં જેની ગણના થાય છે, તે કંડલામાં ઓઈલ કંપનીઓની પાઈપલાઈનો આવેલી છે. પરંતુ આજ વિસ્તારમાં રહેતા ચોક્કસ ઈસમો દ્વારા અવારનવાર પાઈપલાઈનમાં કાણા કરી ઈંધણની ચોરી કરવામાં આવે છે. જેના કારણે આગની ઘટનાના ખતરા સાથે સરકારને નુકશાન થાય છે. પાઈપલાઈનની સુરક્ષા માટે સિક્યુરીટી તૈનાત હોવા છતા અમુક ચોકીદારોને ફોડી લઈ ચોક્કસ ઈસમો દ્વારા આ ગેર પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. હવે કંડલાથી યુપીના ગોરખપુર સુધી ૧૧ હજાર કિલોમીટર લાંબી ગેસની પાઈપલાઈન પાથરવામાં આવી રહી છે. યુપીમાં આવી કોઈ ઘટના ન બને તે માટે અત્યારથી ચોકીદારોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ બાબતે યુપીથી મળતા અહેવાલ પ્રમાણે કંડલા બંદરથી ગોરખપુર સુધી લગભગ ૧૧ હજાર કિલોમીટર લાંબી એલપીજી ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં ખેડૂતોની જમીન હોવાથી વળતર પણ આપવામાં આવ્યું છે. ગેસની લાઈન હોવાથી અલગ અલગ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યા છે. બોર્ડ લગાવવાની સાથે સુરક્ષા માટે ચોકીદારો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે દરેક ઘરને સસ્તો અને સલામત રસોઈ ગેસ પૂરો પાડવા માટે પગલાં લીધાં છે. જે ખેડૂતોના ખેતરોમાંથી એલપીજી પાઇપલાઇન પસાર થઈ રહી હતી. તેમને વળતર આપ્યા પછી, ગયા વર્ષે તે દુર્ગાગંજથી ભદોહી શહેરના રાયણ, રાદાઈ, અસ્તી થઈને દોમાનપુર, શેરવાન થઈને વારાણસી અને જૌનપુર જિલ્લામાં લાઈન પહોંચી હતી. હવે પાઇપલાઇનના રક્ષણ માટે ચોકીદારો તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તાજેતરમાં શહેરના ગામડાઓ જેવા કે અસ્તી, રાદાઈ, યાકુબપુર, રાયણ વગેરેમાં પણ સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોને પાઇપલાઇન વિસ્તારમાં બાંધકામની મનાઈ ફરમાવાઈ છે. જો આમ કરવામાં આવશે, તો કેસ નોંધવામાં આવશે. સુરક્ષા ગાર્ડ્સ સતત ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે અને લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા અંગે જાણ કરવા અપીલ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

Comments