Trending News
સ્થાનિક સમાચાર

વિશેષ ખાડા પદ્ધતિથી માત્ર ચૌદ ગુંઠા જમીનમાં થાય છે વર્ષે રૂ. પાંચ લાખનું ઉત્પાદન

18 January





ભુજ : ગોપાલન અને ગાય આધારિત ખેતીના નિષ્ણાત તરીકે સમગ્ર કચ્છનું એક જાણીતું નામ એટલે અંજારની બાજુમાં નાની નાગલપરના મેઘજી હીરાણી. તેઓ માત્ર ૧૪ ગુંઠા જમીનમાં બત્રીસથી વધુ જાતના શાકભાજીના મિશ્ર પાકના સફળ વાવેતર સાથે કોઈ પણ ખર્ચ વગર સમય ઉપર માત્ર પાણી આપીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવે છે. પોતાની વાડીમાં સતત બીજાં વર્ષે આ સફળ પ્રયોગ કર્યો છે અને તેમાં પણ રસાયણીક ખાતર કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ તો દુરની વાત પણ જીવામૃત, ગોકૃપા અમૃતમ જેવાં પોષક અને વાડીની ઔષધીય વનસ્પતિઓથી તૈયાર થતા એકેય પ્રકારના કુદરતી જંતુ નિયંત્રકોનો છંટકાવ પણ નથી કર્યો.આટલી નાની જગ્યામાં વિવિધ ફળાઉ અને ઔષધીય વૃક્ષો સાથે આટલી બધી જાતનું સફળ વાવેતર કેમ શક્ય બન્યું ? તે પુછતાં આરએસએસની ગોસેવા ગતિવિધિનું સૌરાષ્ટ્ર અને કચ્છનું કામ સંભાળતા મેઘજીભાઈ કહે છે કે, આ ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ રાઘવનજી ત્રણ વર્ષ અગાઉ કચ્છના પ્રવાસે આવેલ ત્યારે પ્રયોગ સમજાવેલ કે એક એકર જમીનમાં નવથી બાર ઇંચ વ્યાસના દસ ફુટ ઉંડા લગભગ ચારસોથી સાડા ચારસો જેટલા ખાડા (બોર) કરીને દેશી ગાયનું કંપોષ્ટ કરેલ છાણીયું ખાતર ભરીને ખેડ કરી દેવાથી થોડા જ સમયમાં આ જમીનમાં ભરપૂર અળસિયા આવી જશે અને સંપૂર્ણ જમીનને એકદમ પોચી અને ભરભરી કરી દેશે, જેથી પાક માટે જરૂરી બેક્ટેરિયા પણ પુષ્કળ માત્રામાં વધશે અને વરસાદમાં જે પાણી બહાર વહી જાય છે તે પણ સીધું જમીનમાં ઉતરી જવાથી પાકને પણ તેનો સીધો લાભ થાય છે.કોઈની જમીન પથરાળ હોય અને ખાડા ઉંડા ન થાય તો શું કરવું? એવું પૂછતાં મેઘજીભાઈ કહે છે કે, ઉંડાઈ પ્રમાણે ખાડાની સંખ્યા વધારી દેવાથી પણ ઉપરોક્ત લાભ મળી રહેશે. જો સમય ઉપર કંપોષ્ટ ાતર તૈયાર ન હોય તો કાચું છાણીયું ખાતર કે ઉકરડાના ખાતર સાથે વાડીનો કચરો ભેળવીને પણ ખાડામાં ભરી શકાય અને તેની ઉપર ભરપૂર માત્રામાં જીવામૃત અથવા ગોકૃપા અમૃતમ રેડી દેવાથી પણ ચાલે. જો કે તેનું પરિણામ મળતાં થોડો વધુ સમય લાગશે. આ રીતે જમીન પોતે એકદમ બળુકી અને ફળદ્રુપ બનવાથી ઉગેલો છોડ પણ એકદમ તંદુરસ્ત અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતો બને છે તેથી તેને સમય ઉપર પાણી સીવાય કોઈ પણ જાતનાં ખાતર કે દવાઓની જરૂર જ નથી રહેતી. અમુક સુકાયેલ વેલા અને ક્યાંક ખાલી જગ્યા દેખાતાં મેઘજીભાઈ કહે છે કે, માંડવા અને ખુલ્લી જમીનમાં જ્યાં પણ ઉત્પાદન પુરૂં થાય એટલે જગ્યા ખાલી થતાં ત્યાં તરત જ બીજું વાવેતર કરી દેવાય જેથી વર્ષે બે મહિના બાદ કરતાં દસ મહિના સતત ઉત્પાદન મળતું જ રહે છે અને અઠવાડિયે સરેરાશ બારથી તેર હજારનો વેપાર જોતાં વર્ષે પાંચેક લાખની ચોખ્ખી આવક થાય છે જેનાંથી ઘણો આર્થિક ટેકો મળી રહે છે.ખાડા પધ્ધતિનો આવો પ્રયોગ સ્વામિનારાયણ મંદિરના ગાય ખેતી અભિયાન સાથે જોડાયેલ અબડાસા તાલુકાના ઘડાણી ગામના સુરેશભાઈ પોકારએ પણ કર્યો છે અને તેઓ પણ બે વર્ષેથી મગફળીનું ખુબ સારું ઉત્પાદન લઈ રહ્યા છે. આ સફળતાથી પ્રેરાઈને માંડવીના પીયાવા ગામના સુરેશભાઈ હીરાણી પણ ચાલુ વર્ષે આ પ્રયોગ ચાલુ કરી દીધો છે. કચ્છ જેવા પ્રદેશ માટે સફળ અને આત્મનિર્ભર બનવા દરેક ખેડૂતે એક એકર દીઠ ફરજિયાત એક ગાય વસાવવાનો અતિ આગ્રહ રાખતાં છેલ્લે મેઘજીભાઈ કહે છે કે ગમે તેવી બીનઉપજાઉ અને નિષ્ઠુર જમીનને પણ ઉપજાઉ કરી દેતો ખાડા કરવાનો આ પ્રયોગ પ્રારંભે થોડો ખર્ચાળ જરૂર છે, પણ અડધા એકર જેટલી જમીનથી પ્રારંભ કરાય તો દરેક પાક પાછળ થતા બધા જ ખર્ચમાં ઘટાડા સાથે સરવાળે ઉત્પાદનમાં ખુબ જ આર્થિક લાભ કરાવે છે અને પરિણામ જોયા પછી ખેડૂત પોતે આવા પ્રયોગ માટે જમીન વધારતો જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
-------

Comments

COMMENT / REPLY FROM