Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં વથાણચોક પાસે ટ્રક હડફેટે એક્ટિવા  સવાર જૈન અગ્રણીનું મોત થતાં પંથકમાં શોક

18 January



નખત્રાણામાં તંત્રની બેદરકારી હજુ કેટલા પરિવારોનો માળો પિંખી નાખશે ? 


વથાણ ચોકમાં રોજીંદી ટ્રાફિકજામ, ભારે વાહનોને બાયપાસ કરવાનો મુદ્દો જ બાયપાસ કરી દેવાતા અહીં રોજ લોકોના જીવ પડીકે બંધાય છે : વખતો વખત સંકલન સહિતની બેઠકોમાં રજૂઆત છતાં માર્ગ મકાન વિભાગ મોઢા પર તાળા બાંધીને ચૂપ : જો હજુ પણ તંત્ર નહીં સુધરે તો લોકોને જીવ બચાવવા હવે નાછૂટકે રોડ પર ઉતરવું પડશે 



દિકરીના લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોને લઈને પરત ઘરે આવતી વખતે કાળ આંબી ગયો : શહેરમાં બાયપાસના અભાવે ગામમાંથી પસાર થતા ભારે વાહનો યમદુત સમાન સાબિત થતાં લોકોમાં રોષ ફેલાયો : વેપારી અગ્રણી અને જૈન સંઘના ટ્રસ્ટીના અકસ્માતના સમાચાર સાંભળી લોકો હોસ્પિટલ દોડી ગયા : લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ 


નખત્રાણા : શહેરમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો કાયમી બની ગયો છે, તેવામાં વથાણ ચોક પાસે આજે સવારે અકસ્માત થયો હતો, જેમાં ટ્રક હડફેટે એક્ટિવા પર જતા વેપારી અગ્રણીનું મોત થતાં શોક ફેલાઈ ગયો હતો. 
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણામાં નવાવાસ અને જુનાવાસમાં ચિંતામણી ટ્રેડર્સના નામથી અનાજ રસકસની દુકાન ધરાવતા નરેન્દ્ર ત્રંબકલાલ મહેતા (બબા શેઠ) આજે સવારે પોતાની એક્ટિવા લઈને વથાણ ચોક તરફ ગયા હતા. આગામી પખવાડિયામાં તેમની દિકરીના લગ્ન છે. લગ્ન પ્રસંગે પધારેલા મહેમાનો ખાનગી વાહનમાં વથાણ ચોક ખાતે ઉતર્યા હતા. આ વેપારી પોતાની એક્ટિવા લઈને શનિવારે બપોરે વથાણ ચોક ગયા અને મહેમાનોને ઉતારી પોતાના ઘર તરફ જતા હતા, એ દરમિયાન પાન્ધ્રો તરફ જતી ટ્રક નીચે આવી જવાના કારણે ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું, જેથી અરેરાટી સાથે શોક ફેલાઈ ગયો હતો. હતભાગી છેલ્લા ૩પ વર્ષથી નખત્રાણા જૈન સંઘના ટ્રસ્ટી તરીકે સેવારત છે. 
વેપારી અગ્રણીના અકસ્માતના સમાચાર સાંભળી સમગ્ર નખત્રાણાના વેપારી આલમમાં શોક ફેલાઈ ગયો હતો. પરિવારજનો પણ ઘેરા આઘાતમાં સરી ગયા હતા. અકસ્માત સર્જનાર ટ્રકને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે. દિકરીના લગ્ન પ્રસંગ પૂર્વે પિતાનું અકસ્માતમાં નિધન થતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. વિધિની વક્રતા એ છે કે, ર૬મી જાન્યુઆરી ર૦૦૧ના આવેલા ભૂકંપમાં બબા શેઠના પત્નીનું મોત થયું હતું. ભૂકંપની વરસી નજીક છે તે પહેલા તેઓનું અકસ્માતમાં મોત થતાં જાન્યુઆરી માસ કાળમુખો સાબિત થયો છે. આ બનાવને પગલે ઘટના સ્થળે પણ લોકો ભેગા થયા હતા. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 




................

નખત્રાણા : કચ્છના બારડોલી તરીકે ગણાતા અને નગરપાલિકાનો દરજ્જો ધરાવતા નખત્રાણામાં ટ્રાફિકજામ અને બાયપાસનો મુદો એકાદ બે વર્ષથી નહીં, પણ ઘણા વર્ષોથી ચર્ચામાં છે, પરતુ સરકારી વિભાગો એકબીજા પર ખો આપીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ પડીકે બંધાયા છે. નખત્રાણા એવું ગામ છે, જે સ્ટેટ હાઈવે પર આવેલું છે. રોડ પર બજાર અને મુખ્ય વિસ્તાર હોવાથી ગામના લોકોને જવું જ પડે અને અહીં માતાનામઢ, પાન્ધ્રો જીએમડીસી તેમજ પવનચક્કી અને ખનિજની ટ્રકો ર૪ કલાક દોડતી હોય છે. સતત વાહનો દોડ્યા રાખે છે, જેના કારણે રસ્તાની ગુણવતા નબળી પડવા સાથે ઠેકઠેકાણે ખાડા પડી ગયા છે. સ્પીડ બ્રેકરનું નામોનિશાન નથી. એવો એક પણ દિવસ નથી ઉગ્યો જયારે ટ્રાફિકજામ ન થયો હોઈ, ખાસ કિસ્સામાં અહીં ટ્રાફિક દૂર કરવા કર્મચારીઓ મુકવામાં આવ્યા છે. પરંતુ તેઓ મોટા ભાગે મોબાઈલમાં મસગુલ રહેતા હોય છે, જેથી ટ્રાફિક દૂર થતો નથી. વથાણ ચોકમાં આજ સ્થળે ખાડાના કારણે ટૂંક સમયમાં ત્રણ લોકોનો ભોગ લેવાયો છે. તેમજ નાના મોટા અકસ્માત તો રોજીંદા બની ગયા છે. 
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ભારે વાહનોની અવર જવરના કારણે રોડ પર ખાડા પડી ગયા છે અને સ્પીડ બ્રેકર નથી, જેથી અકસ્માત અટકાવવા વૈકલ્પિક ઉપાયના રૂપે રસ્તાનું રીર્સફેસીંગ કરી સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ. બાયપાસની વર્ષો જુની માંગ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી. કમસેકમ નખત્રાણા નગરને બાયપાસ કરતો ઓવરબ્રિજ બનાવી દેવાય તો પણ અકસ્માતની ઘટના અટકે તેમ છે. આ દિશામાં પણ તંત્રે પગલાં ભરવા જોઈએ. અવાર નવાર સંકલનની બેઠકમાં પણ આ મુદ્દો ઉપડ્યો છે છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. માર્ગ અને મકાન વિભાગ અકસ્માતની રાહ જુએ છે. પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સતત ભયના ઓથાર તળે જીવે છે. હજુ કેટલા પરિવારનો માળો પિંખાશે તેવી ચિંતા સતાવે છે. અહીંથી પસાર થવામાં તેમજ શાળાઓ છુટે ત્યારે બાળકો રસ્તો ક્રોસ કરતા હોય વાલીઓના જીવ પણ પડીકે બંધાય છે. આ જ રોડ પર પ્રાંત અધિકારી, મામલતદાર, પીઆઈ, ડીવાયએસપીની કચેરી આવેલી છે. ધારાસભ્યનું કાર્યાલય છે. વખતો વખતની માંગ છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓથી માંડી સરકારી અધિકારીઓ અહીંથી પસાર થતા હોવા છતાં હજારો લોકોના જીવ સાથે જોડાયેલા બાયપાસ રસ્તાના મુદ્દાને તેઓ ખુદ બાયપાસ કરતા હોવાથી હવે નખત્રાણાના લોકોએ બાયો ચડાવી છે અને જો નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો રસ્તા પર ઉતરવાની તૈયારી પણ બતાવી છે. કારણ કે, આ પ્રશ્ન જીદંગી બચાવવાનો છે. 

 

Comments

COMMENT / REPLY FROM