એલએલડીસી દ્વારા વિન્ટર ફેસ્ટિવલનું ભવ્ય આયોજન
ભુજ : એલએલડીસી દ્વારા દર વર્ષે ૧૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી પાંચ દિવસ દરમિયાન એલએલડીસી વિન્ટર ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશો-રાજ્યો સાથે યોજાતા આ સાંસ્કૃતિક આદાન-પ્રદાનને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને હવે લોકો આ વિન્ટર ફેસ્ટિવલની દર વર્ષે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અગાઉ ગુજરાત, નોર્થ-ઈસ્ટના રાજ્યો, જમ્મુ - કાશ્મીર, મધ્યપ્રદેશ અને હવે ઓડિશા સાથે યોજાઈ રહેલા આ મહોત્સવને માણવા સૌ કોઈ ખૂબ ઉત્સાહિત છે. કચ્છની અસલ ભાતીગળ લોક સંસ્કૃતિ, કચ્છની પરંપરાગત હસ્તકળાઓ, કચ્છનું કર્ણપ્રિય લોક સંગીત, કચ્છના વિવિધ જાતિઓના લોક નૃત્યો વગેરેની સાથે ઓડિશા રાજ્યની પણ લોક સંસ્કૃતિ, હસ્તકલાઓ, લોક સંગીત અને નૃત્યો એક સાથે એક જ જગ્યા જોવા, માણવા મળે અને સૌ કોઈ એનાથી પરિચિત થાય તેવા હેતુથી શ્રુજન એલએલડીસીએ આ દિશામાં એક અનોખી પહેલ કરી છે અને શ્રુજન સંચાલિત હેન્ડીક્રાફટના મ્યુઝિયમ એલએલડીસી અજરખપુર ખાતેના કેમ્પસમાં દર વર્ષે કચ્છી લોક સંસ્કૃતિની ઝલક સમા ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ - એલએલડીસી વિન્ટર ફેસ્ટિવલ ૨૦રપનું આયોજન થઈ રહ્યું છે. પાંચ વર્ષથી યોજાતા આ વિન્ટર ફેસ્ટિવલમાં ગત વર્ષે વિન્ટર ફેસ્ટિવલ મધ્યપ્રદેશ સાથે યોજાયું હતું, જેમાં મધ્યપ્રદેશના પ્રસિધ્ધ પરંપરાગત લોક નૃત્યો, લોક સંગીત, હસ્તકળા તેમજ ત્યાંની પ્રખ્યાત ખાણી-પીણીનો કચ્છ અને ગુજરાતવાસીઓએ ભરપૂર લ્હાવો લીધો હતો.
આ વર્ષે કચ્છ સાથે ઓડિશાની વિવિધતામાં એકતાની ઉજવણી સાથે એલએલડીસી વિન્ટર ફેસ્ટિવલ ૨૦ર૫ યોજાવા જઈ રહ્યું છે. આ મહોત્સવ તા. ૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે ૪ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી યોજાશે, જેનો મુખ્ય ઉદેશ્ય કચ્છ અને ઓડિશાના ગ્રામીણ પરંપરાગત ક્રાફ્ટના કારીગરોને એક અનેરું પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. આ મારફતે કચ્છી કલા અને કારીગરો વધુ લોકો સુધી પહોંચશે અને સાથોસાથ કચ્છી ભાતીગળ લોક સંસ્કૃતિ વધુ ઉજાગર થશે. વિન્ટર ફેસ્ટિવલ - ૨૦૨રપમાં ઓડિશાના કલાકારો - કારીગરો પણ પોતાની કલા તેમજ કારીગરી રજૂ કરવા આવવાના હોઈ બંને રાજ્યોનું સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ થશે. ઓડિશાના લગભગ ૧૦૦થી પણ વધારે કલાકારો, કારીગરો આમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ત્યાંના પ્રસિધ્ધ લોક નૃત્યો, લોક સંગીત, પરંપરાગત હસ્તકળાઓ તેમજ ત્યાંની પ્રસિધ્ધ પરંપરાગત શાકાહારી ખાણીપીણી પણ આવરી લેવાશે, જેનો લ્હાવો કચ્છ અને કચ્છમાં આવનાર પ્રવાસીઓને માણવાનો મોકો મળશે.
આ લોક-સાંસ્કૃતિક ઉત્સવ સમા વિન્ટર ફેસ્ટિવલ - ૨૦રપનું ઉદ્ઘાટન તા.૧૯મી જાન્યુઆરીને રવિવારના સાંજે ૪ કલાકે કરવામાં કરવામાં આવશે, જેમાં વિવિધ સહયોગી દાતાઓ, લોક કલાકારો, કારીગરો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, સાહિત્યકારો, નિષ્ણાતો, અભ્યાસુઓ, પ્રવાસીઓ, ગાઈડ મિત્રો, ટ્રાવેલર્સ અને કલાપ્રેમી ચાહકો સહિત વિવિધ ક્ષેત્રના લોકો ભાગ લેશે. દરરોજ સાંજે એલએલડીસી પ્રાંગણ સંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમથી ધબકતું હશે, જેમાં તા. ૧૯ થી ૨૩ જાન્યુઆરી સુધી રોજ કચ્છ અને ઓડિશાના લોક સંગીત રજૂ થશે. ત્યાર બાદ ગુજરાત - કચ્છ અને ઓડિશાના પ્રખ્યાત એવા અલગ-અલગ રોજના ત્રણ - ચાર ડાન્સ ગ્રુપ હશે. એ પછી દરરોજ સાંજે અલગ-અલગ મુખ્ય મ્યુઝિક બેન્ડસ - ધ તાપી પ્રોજેક્ટ, કબીર કાફે, રેપર બિગ ડીલ, પ્રેમ જોશુઆ એન્ડ બેન્ડ (જર્મન મ્યુઝિક બેન્ડ), અઘોરી મ્યુઝિક બેન્ડસ પોતાની ધમાકેદાર રજૂઆતો કરશે.
ફેસ્ટિવલમાં કચ્છ-ઓડિશાની વિવિધ હસ્તકલાઓની મોટી ક્રાફ્ટ બજાર હશે સાથે લોક નૃત્યો, લોક સંગીત, કચ્છ અને ઓડિશાના ટ્રેડીશનલ ફૂડની સાથે વિવિધ કચ્છી તેમજ ઓડિશાની પારંપરિક વાનગીઓનો રસથાળ, આંતરરાષ્ટ્રીય કક્ષાની મ્યુઝિયમ ગેલેરી, એક્ઝિબિશન, વર્કશોપ, વિવિધ ક્રાફ્ટ ડેમોસ્ટ્રેશન, હેન્ડસ ઓન ક્રાફ્ટ્સ, બાળકો માટે કિડ્સ ઝોન, મેજિક શો, સેલ્ફી પોઈન્ટ વગેરે સાથે લોક સાંસ્કૃતિક મેળાનો અદ્દભૂત નજારો પ્રવાસીઓને, મુલાકાતીઓને આકર્ષિત કરશે. ભારતના બંધારણની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ભારતના ૭૫ કારીગરોની ૭૫ આર્ટ-ક્રાફ્ટની બેજોડ કૃતિઓ સાથેનું પ્રદર્શન "હમારી વિરાસત" જોવા જેવું છે. એન્ટ્રી પાસ એલએલડીસીની વેબસાઈટ. www. shrujanllldc.org પરથી મેળવી શકાશે.
-----

Comments