ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા ‘૨૦૨૫ વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ’માં સ્થાન પામી
ભુજ : વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ ૨૦૨૫માં વિશ્વભરના ઐતિહાસિક સ્થળોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થા પસંદ કરાયેલા ૨૫ સ્થળોમાં સ્થાન પામી છે, જે દરેક ભુજવાસીઓ માટે ગૌરવની ઘટના છે. પસંદગી પામેલાં ૨૫ સ્થળો પાંચ ખંડોના ૨૯ દેશો અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે.
વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ ૨૦૨૫ માટે ભુજ હિસ્ટોરિક વોટર સિસ્ટમ્સનું નોમિનેશન સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન, સીઈપીટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સબમિટ કરવામાં આવ્યું હતું. આ નોમિનેશનનું નેતૃત્વ સીએચસીના પ્રો. જિજ્ઞા દેસાઈ અને સીએચસી ખાતે પ્રોગ્રામ લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ જયશ્રી વર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫ના ઓપન કોલના પરિણામે ૨૦૦થી વધુ નોમિનેશન આવ્યા હતા. ઇન્ટરનેશનલ હેરિટેજ એક્સપર્ટની સ્વતંત્ર પેનલ દ્વારા વ્યાપક આંતરિક અને બાહ્ય સમીક્ષા કર્યા બાદ ૨૫ સ્થળોની અંતિમ પસંદગી કરવામાં આવી હતી.
સીએચસીએ આ નામાંકન માટે ભુજની સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી’ કાર્યક્રમ સાથે સંકલન કર્યું છે, જેમાં સ્થાનિક હિસ્સેદારો સાથે પરામર્શ પણ કરવામાં આવ્યું હતું. વિશ્વભરના ૧૧૨ દેશોમાં ૭૦૦ થી વધુ પ્રોજેક્ટ્સ સાથે ડબલ્યુએમએફ ઐતિહાસિક ધરોહરના સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે.
સીએચસીના પ્રોગ્રામ લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ તેમજ સહ-નોમિનેટર જયશ્રી બર્ધનએ જણાવ્યું હતું કે, ૨૦૨૫ વર્લ્ડ મોનયુમેન્ટ વોચની દેખરેખમાં સમાવેશ થવાથી હમીરસર તળાવ પ્રણાલીને પુનર્જીવિત કરવા અને સહયોગી હિસ્સેદારોની ભાગીદારી દ્વારા સંરક્ષણ વધારવાના પ્રયાસોને એકત્ર કરવાની આ એક ઉત્તમ તક છે. નામાંકન પ્રાપ્ત ધરોહર માત્ર વારસાનું સંરક્ષણ જ સુનિશ્ચિત કરતું નથી પરંતુ તેનું સંરક્ષણ કરવાથી શહેરને સેવા આપતા પાણીને સુરક્ષિત કરવામાં સહયોગી બને છે તેવું સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશનના ડૉ. જિજ્ઞા દેસાઈએ જણાવ્યું હતું. હોમ્સ ઇન ધ સિટી-ભુજના જય અંજારિયા ગૌરવની લાગણી સાથે કહ્યું હતું કે, ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા જ્યારે વૈશિક સ્તરે ‘વર્લ્ડ મોનયુમેન્ટ વૉચ’ની યાદીમાં સ્થાન પામી છે ત્યારે ભુજવાસીઓ માટે ખરેખર ગૌરવપ્રદ ક્ષણ છે.
-----

Comments