Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં મહિલાનો વેશધારણ કરી સોનાની ચેઈન અને રોકડાની લૂંટ કરનાર મેઘપર બોરીચીનો યુવક પકડાયો

12 January




પોલીસે ૧૯૮ કેમેરાના ૯૦૦ જીબી ડેટાનો બેકઅપ મેળવી આરોપીને શોધ્યો : લૂંટેલી ચેઈન બેંકમાં મુકી પપ હજારની ગોલ્ડ લોન લીધી



અંજાર : અહીં ૩૦મી ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યાના અરસામાં મહિલા પોતાના ઘર પાસે કિડિયારૂં પુરતા હતા, એ દરમિયાન મહિલા વેશમાં આવેલ આરોપીએ મહિલાની આંખમાં મરચા પાવડર નાખી ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી ફરિયાદી સાથે મારકુટ કરવા ઉપરાંત ગળામાં રહેલી આશરે બે તોલાની સોનાની ચેઈન ઝુટવી હતી, અને તિજોરીમાંથી રોકડા રૂપિયા ૩પ હજાર લૂંટી લેવા સાથે મહિલાને છરી મારી ઈજા પણ પહોંચાડી હતી. હુમલા અને લૂંટના આ બનાવે અંજાર શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. ગુનાની ગંભીરતા સમજી પોલીસવડા સાગર બાગમારે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી. અને અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીના વડપણમાં સીટની રચના કરી હતી. આ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી, ખાસ કરીને અંજાર અને આદિપુર વિસ્તારમાં લગાવવામાં આવેલા ૧૯૮ કેમેરા ચેક કરી ફુટેઝનો ૯૦૦ જીબી જેટલો બેકઅપ ડેટા મેળવી એનાલીસીસ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન શકદાર અમદાવાદથી ટ્રેનમાં ગાંધીધામ આવતો હોવાની માહિતી મળતાં રેલવે સ્ટેશન બહાર વોચ ગોઠવીને તેને ઝડપી એલસીબી કચેરી ખાતે લઈ અવાયો હતો. 
પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, આરોપી મૂળ નખત્રાણાના સાયરા યક્ષ ગામનો છે. હાલે મેઘપર બોરીચીની કૈલાસજ્યોત સોસાયટીમાં રહે છે. હર્ષ ભરતભાઈ પટેલ (હળપાણી) નામના આરોપીએ કબૂલાત આપી કે, લૂંટેલી ચેઈન ગાંધીધામમાં બેકિંગ સર્કલ પાસે આવેલ ફેડ બેંકમાં ગીરવે મુકવી પપ હજારની લોન લીધી છે. તેમજ બનાવ સમયે પહેરેલ લેડીઝ કુર્તો અને ચહેરા પર બાંધેલ દુપટ્ટો સાઈ રેસીડેન્સીની પાછળ બાવળોની ઝાડીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત આપી હતી. જેથી આ મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પુછપરછમાં સામે આવ્યું કે, આરોપી અને ફરિયાદીના પરિવાર વચ્ચે સારા સબંધ હતા, જેથી આરોપી ફરિયાદી કયારે ઘરે એકલા હોય છે તે જાણતો હતો. અને ફરિયાદીના ઘરમાં સોનાના ઘરેણાની પણ માહિતી હતી. ચોરીનો પ્લાન બનાવ્યો અને ગાંધીધામ ડિ માર્ટથી લેડીઝ કુર્તો, દુપટ્ટો અને મરચા પાવડર ખરીદી ફરિયાદીના ઘરથી થોડે આગળ ખેતરમાં લેડીઝ કુર્તો પહેરી ચહેરા પર દુપટ્ટો બાંધી રસ્તામાં પથ્થર મેળવી ફરિયાદીના ઘરના મેઈન ગેટમાં ઘુસી આંગળામાં છુપાઈ ગયો હતો. સાંજના મહિલા ઘરની બહાર કિડિયારૂ પુરવા માટે નિકળ્યા ત્યારે આરોપી ચોરી કરવા માટે અંદર ગયો પણ કબાટમાં કાંઈ મળ્યું નહીં. એ દરમિયાન મહિલા આવી જતાં બાથરૂમમાં છુપાઈ ગયો હતો. મહિલાએ બાથરૂમ ખોલતા તેના પર મરચાની ભૂકી નાખી પથ્થર મારી મારકુટ કરવા સાથે ડાબા હાથની આંગણીમાં છરી મારી ધાક ધમકી કરી સોનાનો ચેઈન ઝુટવીને ભાગી ગયો હતો. જેથી આરોપીને ઝડપી અંજાર પોલીસના હવાલે કરાયો છે. તેમજ મુદામાલ રિકવર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 
આ કામગીરીમાં પ્રો આઈપીએસ વિકાસ યાદવ, ડીવાયએસપી મુકેશ ચૌધરી, એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, અંજાર પીઆઈ એ.આર. ગોહિલ, એલસીબી પીએસઆઈ એમ.વી. જાડેજા, અંજાર પીએસઆઈ એમ.એમ. ઝાલા સહિતના જોડાયા હતા. ગંભીર પ્રકારના ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પાડતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતા

Comments

COMMENT / REPLY FROM