Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છમાં વહિવટદારોને સરહદના સીમાડા દેખાડાતા લોકોએ ખુશીમાં મીઠાઈ વહેચી ! 

11 January


લાંબા સમયથી રાજકીય છત્રછાયામાં ગોરખધંધાનો ફેલાવો કરનારા અમુક વહિવટદારોની બદલી થતા જાગૃત નાગરિકોએ એસપીની કામગીરી વખાણી : અમુક વહિવટદારોની મિલકત તપાસવામાં આવે તો અનેકના પગ તળે આવશે રેલો 

ભુજ : તાજેતરમાં પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા ૧૮૯ પોલીસ કર્મચારીઓની બદલી કરવામં આવી હતી. જેમાંથી મોટા ભાગના વહિવટદારો હતા, જેઓને સરહદના સીમાડા બતાવી દેવાયા છે. જયારે સરહદે તૈનાત પોલીસ કર્મચારીઓને મહત્વના થાણામાં નિયુક્તિ અપાઈ છે. વહિવટદારો બદલી જતાં લોકોમાં પણ ખુશી જોવા મળી છે. તેવામાં નખત્રાણામાં ફરજ બજાવતા બે હેડ કોન્સ્ટેબલની બદલી થતાં લોકોએ મીઠાઈ વહેચી એસપીની કામગીરી વખાણી હતી. સુત્રોના કહેવા પ્રમાણે બદલી પામેલા અમુક કર્મચારી સજા રૂપે આવ્યા હતા, પરંતુ છેલ્લા પ-૭ વર્ષમાં સજા એટલી ફળી કરી કે કરોડો રૂપીયા ભેગા કરી લીધા હતા. દારૂ, જુગાર, સ્પા સહિતની ગેરપ્રવૃતિમાં રૂપિયા ઉઘરાવાતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થઈ પરંતુ એસપી વિકાસ સુંડાએ બદલીનો કોરડો વિંઝી કાર્યવાહી કરી છે. બદલીના કારણે  જાગૃત નાગરિકોએ મીઠાઈ વહેચી ખુશી દર્શાવી હતી.
વહિવટદારના રાજમાં સાચો અવાજ દબાઈ જતો અને ગુનો દાખલ કરતા પૂર્વે આરોપીને ખબર પડી જતી, પવનચક્કીના કામો થતા અને રાજકીય નેતાઓની દલાલીના કારણે નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવતો હતો. પોલીસ સ્ટેશનમાં વહિવટ થાય તો તાત્કાલિક જામીન માટે જામીનદારો પણ પોલીસ સ્ટેશનમાંં પડ્યા પાથર્યા  રહે છે. નવા પીઆઈ, પીએસઆઈ પણ વહિવટદારો સામે ટુકા પડતા હતા. આખરે પશ્ચિમ કચ્છના અમુક પોલીસ સ્ટેશનના વહીવટદારોની  બદલી થતાં રાહતનો શ્વાસ લેવાયો છે. પોલીસ સ્ટેશનમાં પડ્યા પાથર્યા રહેતા દલાલો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તો એસપીનો હેતુ સાર્થક થાય તેમ છે. ભુજ એ ડિવિઝન, બી ડિવિઝન સહિતના મહત્વના પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી ફરજ બજાવી વહિવટદારની ભૂમિકા ભજવતા પોલીસ કર્મચારીઓને અંતરિયાળ મરીન પોલીસ સ્ટેશનો દેખાડી દેવાયા છે. જેથી ભુજ વિસ્તારમાં પણ જાગૃત નાગરિકોએ એસપીની આ કાર્યવાહીને વખાણી હતી. અમદાવાદમાં ડીજીપી દ્વારા વહિવટદારોની બદલી બાદ તેઓની મિલકતોની તપાસ કરવાનું ચાલુ કર્યું છે. તેમ પશ્ચિમ કચ્છમાં પણ આ વહિવટદારોની મિલકત તપાસવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે. 

Comments

COMMENT / REPLY FROM