વ્યાપક ફરિયાદો બાદ તંત્ર થયું દોડતું પશ્ચિમ કચ્છમાં જળસંચયના કામોમાં ખનીજ ખનન સામે ખાણ ખનિજ વિભાગની લાલઆંખ
જિલ્લા કલેકટર કરી લાંલ આંખ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જળસંચયના કામોમાં થતી ગેરપ્રવૃતિ અટકાવવા સબંધિત તંત્રને વછુટ્યા આદેશ : લખપતના જુલરાઈ ગામે તળાવના કામની કરાઈ તપાસ : આવનાર દિવસોમાં નવા કડાકા - ભડાકાની વકી
ભુજ : પ્રાકૃતિક ખનીજ સંપત્તિથી સમૃદ્ધ કચ્છ જિલ્લામાં ખનીજ ચોરીનું દુષણ વ્યાપક બન્યું છે. ખાસ કરીને જળસંચય, સુજલામ-સુફલામ, વોટરશેડના કામોમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. સિંચાઈના કામોમાં થતી ખનીજ ખનન અને ચોરીનો મુદ્દો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સુધી પહોંચ્યા બાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ તેના પડઘા પડયા હતા. સરકારની વિવિધ યોજનાકીય ગ્રાંટમાંથી જિલ્લામાં જળસંચય, સિંચાઈના અનેક કામો વર્ષભર ધમધમતા રહે છે. પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત અને અબડાસા તાલુકામાં જળસંચયના કામોમાં વ્યાપક ખનીજ ખનન અને ચોરીની ફરિયાદો બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ સપ્તાહના પ્રારંભે જિલ્લા કલેકટર અમિત અરોરાની અધ્યક્ષતામાં ખાણ ખનિજ વિભાગ અને સંલગ્ન અન્ય વિભાગોના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં પશ્ચિમ કચ્છમાં જળસંચયના કામોમાં થતી ખનીજની ચોરીને અટકાવવા અને કડક કાર્યવાહી કરવાના આદેશો થતા ખાણ ખનિજ વિભાગ અને સબંધીત વિભાગો દોડતા થયા છે.પશ્ચિમ કચ્છ જિલ્લા ભુસ્તરશાસ્ત્રી દેવેન્દ્રભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, જુલરાઈ ગામે ચાલી રહેલા તળાવના કામમાં ખનીજ ચોરીની ફરિયાદ મળ્યા બાદ સ્થળ તપાસ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા જળસ્ત્રાવ સમિતિ દ્વારા તળાવનું કામ ચાલી રહ્યું છે. જેમાં મોટા પ્રમાણમાં ખનીજ ખનન થતી હોવાની ફરિયાદ ઉઠતાં મુલાકાત લેવામાં આવી હતી. હાલે અમલીકરણ એજન્સી પાસેથી વર્ક ઓર્ડર અને નકશા સહિતના આધારો એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. નકશાઓ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.પશ્ચિમ કચ્છના અબડાસા - લખપત પંથકમાં જળસંચયના કામો અવારનવાર વિવાદનો મુદ્દો બનતા રહ્યા છે. જળસંચયના કામોમાં ભ્રષ્ટાચાર સાથે ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો સામે આવી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રે સઘન તપાસના આદેશ કર્યા છે. આ દિશામાં તટસ્થ તપાસ હાથ ધરવામાં આવશે તો આવનાર દિવસોમાં નવા કડાકા ભડાકા થવાની સંભાવના જોવાઈ રહી છે.

Comments