Trending News
સ્થાનિક સમાચાર

પ.કચ્છમાં ઈસીના અભાવે બંધ કેટલીક લીઝ પર ખાણકામની ઉઠી ફરિયાદ

11 January

પૂર્વ કચ્છના ભૂસ્તરશાસ્ત્રીની કામગીરીમાંથી લ્યો ધડો





પર્યાવરણીય મંજૂરીના અભાવે માન્ય લીઝના એટીઆર બંધ થતા ગેરકાયોેસર ખનિજ ખનન અને પરિવહનનું વધ્યું દુષણ : કેટલીક બંધ લીઝ પર ખનન થઈ રહ્યું હોવાની મચી ચકચાર : જવાબદાર તંત્રના આંખ આડા કાનથી નિષ્ઠા પર તકાઈ શંકાની સોય




ભુજ : કૃષિ, પશુપાલન અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બાદ માઈનિંગ એ કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં રોજગારી આપતો વ્યવસાય છે. માઈનિંગ સેક્ટર મારફતે ખાણકામ સાથે સીધી રીતે સંકળાયેલા લોકો ઉપરાંત અન્ય વિવિધ સંલગ્ન વ્યવસાયોમાં પણ રોજગારીનું સર્જન થાય છે. પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઈનિંગ પ્લાનના અભાવે કચ્છ જિલ્લામાં માઈનિંગ વ્યવસાયને મોટો ફટકો પડ્યો છે. રાજ્ય સરકારના આદેશના પગલે ખાણ ખનિજ વિભાગે ઈસી ન હોય તેવી લીઝના એટીઆર બંધ કરી દેતા ખાણકામ પર રોક લાગી છે. એક તરફ માન્ય લીઝો ઈસીના અભાવે બંધ થઈ છે ત્યાં બીજી તરફ જિલ્લામાં ગેરકાયદેસીર ખનિજ ખનની પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો છે. ઈસીના અભાવે માન્ય લીઝ પર ખાણકામ અટકી જતા ખનિજ ચોરો સક્રિય થયા છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છના છેવાડાના અબડાસા અને લખપત તાલુકાઓમાં ખનિજ ચોરીનું દુષણ એટલી હદે વધ્યું છે કે ખુદ ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ગેરપ્રવૃત્તિને અટકાવવા જરૂરી પગલાં લેવા રજૂઆત કરી છે.ઈસીના અભાવે માન્ય લીઝના એટીઆર બંધ થતા લીઝ ધારકો પણ આર્થિક ભીંસમાં મૂકાયા છે. મશીનરી, વાહનોની બેંક લોનના હપ્તા સહિતના ખર્ચાઓ યથાવત રહ્યા છે, પરંતુ એટીઆર બંધ હોવાથી આવક બંધ થઈ ગઈ છે. પૂર્વ કચ્છમાં કેટલીક બંધ લીઝ પર ખનન પ્રવૃત્તરિ શરૂ થતાં પૂર્વ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી શ્રી પટેલના આદેશથી ટીમોએ આકસ્મિક તપાસનો દોર ચલાવી બંધ ચાલી રહેલ લીઝ પર થતાં ખનનનો ભાંડાફોળ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છની જેમ જ પશ્ચિમ કચ્છમાં પણ હાલે કેટલીક બંધ લીઝ પર ખનન થઈ રહ્યું હોવાનો ગણગણાટ સ્થાનિકે ઉઠી રહ્યો છે. લીઝ એટીઆર બંધ હોવા છતાં કેટલાક લીઝ ધારકો ગેરકાયદેસર રીતે ખનિજનું ખનન અને પરિવહન કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે, પરંતુ પશ્ચિમ કચ્છનું ખાણ ખનિજ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ગેરપ્રવૃત્તિને અટકાવવા ધાક બેસાડતી કમાગીરીનો સદંતર અભાવ હોવાથી તંત્રની નિષ્ઠા સામે શંકાની સોય તકાઈ રહી છે.ગેરકાયદેસર ખનિજ ખનનથી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચે છે, પરંતુ કેટલાક લીઝ ધારકો પોતાનું આર્થિક ભારણ હળવું કરવા ઈસીની પ્રક્રિયા પૂરી કર્યા વગર અને પર્યાવરણીય પ્રમાણપત્ર ન હોવા છતાં લીઝમાં ખનન કરી રહ્યા છે. 
આ ગેરપ્રવૃત્તિ પર લગામ કસવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જિલ્લા સંકલન સમિતિની બેઠક ઉપરાંત રાજ્ય સરકાર સુધી અબડાસા - લખપત પંથકમાં થઈ રહેલ ગેરકાયદેસર ખનન અને પરિવહનને રોકવા ધાક બેસાડતી કામગીરી કરી શકે તેવા અધિકારીને મૂકવા રજૂઆત કરી છે ત્યારે તંત્રના જવાબદારો ખરડાયેલી શાખને પુનઃ સ્થાપિત કરવા સમય રહેતા જ ધાક બેસાડતી કામગીરી કરે તે જરૂરી છે તેવું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જવાબદારો ચર્ચી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM