Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વ્યાજબી ભાવની દુકાનોનું અનાજ વેપારીઓના ગોડાઉન સુધી પહોંચતું હોવાની રાવ

10 January



સરકાર દર મહિને એપીએલ - બીપીએલ કાર્ડધારકો માટે અનાજ મોકલાવે પરંતુ દુકાન સંચાલકો જ માલ સગેવગે કરતા હોવાની વ્યાપક ફરિયાદો : અનાજની બોરી બદલાવી ં વેપારીઓને માલ કરાય છે સપ્લાય : તાજેતરમાં માંડવીના વાંઢથી ભુજ આવતા ટેમ્પોને ઝડપી લેવાયો : સંસ્તા અનાજનો જથ્થો લેનાર ઉપર કડક કાર્યવાહી થાય તો કંઈક અંશે અંકુશ આવે : પુરવઠા વિભાગે દુકાન સંચાલકો સાથે હાથ મીલાવી લીધા હોવાનો વર્તારો



ભુજ : સરકાર દ્વારા દર મહિને એપીએલ - બીપીએલ કાર્ડધારકો માટે અનાજ સપ્લાય કરવામાં આવે છે. હવે તો ઓનલાઈન રાશન એપ પર કાર્ડધારક તેને કેટલો મળવાપાત્ર  જથ્થો હોય છે તેની માહિતી મેળવી શકે છે પરંતુ કેટલાક વ્યાજબી ભાવની દુકાન સંચાલકો દ્વારા અરજદારોને રાશન ન આપી તો કયાંક ઓછા આપી આ રાશન ભેગું કરી બોરીઓ બદલાવી ભુજમાં મોકલી દેવામાં આવે છે, ત્યારે પુરવઠા વિભાગ ઉંઘતું ઝડપાયું છે. વ્યાજબી ભાવના જથ્થો લેનારને તંત્ર પકડવામાં આવે તો કેટલાકના પગ નીચે રેલો આવે તેમ છે. આ અંગેની વિગતો મુજબ એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને રાશન મળે છે. ઘણા કાર્ડ ધારકો અનાજ લેતા નથી અને જે મેળવે છે તેને નક્કી કરેલા અનાજ કરતા ઓછું રાશન આપવામાં આવે છે. ઘણી વખત માલ આવ્યો નથી. આવતા મહિને લઈ લેજો તેવા બહાના બતાવી દેવાય છે. ખરેખર દુકાનના સંચાલકો બોરીઓ બદલાવી ઘઉં, ચોખા અન્ય બોરીઓમાં ભરી ભુજમાં વેચાણ માટે મોકલી દે છે. ભુજમાં પણ ચક્કીઓમાં આ માલ સપ્લાય થતો હોય છે. જેથી કોઈ પ્રકારના પુરાવા બચતા નથી. તાજેતરમાં એલસીબીએ ગઢશીશા વિસ્તારમાં ૧પ૦૦ કિલો ચોખા અને ૯૧પ કિલો ઘઉં સાથે ટેમ્પોને ઝડપી લીધો હતો. ચાલકની કેફીયત છે કે તે વાંઢથી દરશડી જતો હતો. અગાઉ પણ માંડવીના વાંઢ ગામમાં ઘઉં કાંડ સામે આવી ચુકયું છે. અવારનવાર આ પ્રમાણે આ ગેરરીતિ થતી હોય છે. પોલીસ માલ પકડી લે બાદમાં વેપારીઓ ખોટા બીલ બનાવી આધાર - પુરાવા રજુ કરી માલ છોડાવી પણ લેતા હોય છે. આધાર - પુરાવા વગર અનાજ પકડાયા બાદ છોડવામાં પણ વહીવટ થતું હોવાની ચર્ચા છે. અમુક ચોરીનો સામાન ગોડાઉનમાં પડયો હોય તે ખરાબ ન થાય પરંતુ અનાજ બહુ સમય સુધી રાખી શકાતું નથી, નહીં તો સડી જાય. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ જ મદદરૂપ થઈ બીલ બનાવવા સુધીની સવલત આપી ગજવા ગરમ કરતા હોય છે. આમ તો આ બધું કામ પુરવઠા વિભાગનું છે પરંતુ આ વિભાગના મતે કચ્છમાં સબ સલામત છે, કયાંય ગેરરીતિ થતી નથી અને લોકોને પણ સારૂં અનાજ મળે છે. જેથી પોલીસને મેદાને ઉતરવાની ફરજ પડે છે. પુરવઠા વિભાગના ભ્રષ્ટ અધિકારી - કર્મચારીઓની મિલકતો તપાસવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવે તેમ છે.



..............


જો જો ગાંધીધામ-કંડલા-ખારીરોહરમાં ગાંધીનગર ત્રાટકી એ જ ભુજમં ન થાય.!



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલ, કંડલા તથા ખારીરોહર સહિતના વીસ્તારોમાં અમુક રેશનીંગવાળા તત્વો પુરવઠા વિભાગના કેટલાક પેંધી ગયેલાઓની સાથે સાંઠગાઠ કરી અને બોગસ રાશનકાર્ડ સહિતના મામલે મોટા કૌભાંડોનુે અંજામ આપતા હોવાની ઉઠાવાયેલી ફરીયાદો બાદ ગાંધીનગરથી પુરવઠા વિભાગની વિજિલન્સ ત્રાટકી ગઈ હતી અને ફરીયાદો આધારે જ ઘરોઘર બોગસ રેશનીંગ કાર્ડને લઈને સર્ચ-સર્વે સહીતના કામો માટે પુરવઠા વિભાગની ટીમોને કામે લગાડી દીધા હતા. જે બાદ ધડાધડ લાયન્સ પણ આવા કૌભાંડીઓના રદ કરવાની ફરજ પડી હતી. દરમ્યાન જ હવે ભુજ આસપાસમાં પણ આવી કેટલીક રેશનીંગની દુકાનોવાળાના પણ કૌભાંડોને લઈને ફરીયાદો ઉઠી રહી છે ત્યારે જિલ્લા પુરવઠા વિભાગે તકેદારી રાખવી અને તેની ખરાઈ કરી પગલા લેવા જ ઘટે.


સરકારી અનાજની કાળા બજારી કરનાર ધનેડાંઓ કોણ? પુરવઠાતંત્રની મિલીભગત  તો નથી ને...?



ગાંધીધામ :  કેન્દ્ર અને ગુજરાત સરકાર સૌના મોટે અન્ન ઉપલબ્ધ થાય તે માટે અન્ન સુરક્ષા યોજનાઓ લાગુ કરી રહી છે અને તેમાં વિવિધ પ્રકારની તકેદારી રખાય તેવી ચોકકસાઈ પણ કરી રહી છે તેવામાં બીજીતરફ જાણે કે આ જ સરકારના પુરવઠા વિભાગના અમુક ભ્રષ્ટ તત્વો પોતાની ખાયકીની ભુખ ભાંગવાને માટે ગરીબો તથા જરૂરીયતમંદ લોકો માટે સરકાર જે અન્ન મોકલે છે તેની કાળા બજારીઓમાં જ વ્યસ્ત પડયા હોય તે રીતે સરકારી અનાજની કાળા બજારીના કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે. આવામાં કેટલાક કિસ્સાઓમાં પોલીસ પગલા લે છે તો કેટલાકમાં અન્ય કોઈ એજનસી ત્રાટકી અને ભોપાળાઓને ખુલ્લા પાડતી હોય છે. કચ્છમાં પણ આ રીતે સરકારી અનાજની કાળા બજારી કોણ કરી રહ્યુ છે? તેની તપાસ કરી અને તેવા તત્વોને જયા સુધી સીધાદારે કે નશ્યત કરવામાં નહી આવે ત્યાં સુધી આવા કાળાબજારને અટકાવવુ કપરૂ કામ જ બની રહેશે.

 

Comments

COMMENT / REPLY FROM