સ્વચ્છ કચ્છનું સ્વપ્ન ક્યાંથી થશે સાકાર...? કચ્છમાં વર્ષે ૪૩ના લક્ષ્યાંક સામે માંડ ૫ સામૂહિક શૌચાલય બન્યા
સામૂહિક શૌચાલયની કામગીરીમાં મુંદરા તાલુકો મોખરે : જિલ્લાના પાંચ તાલુકામાં એકેય દરખાસ્ત જ નહીં : મુંદરામાં પાંચ બન્યા અને અન્ય ચારનું કામ પ્રગતિમાં : અન્ય ૯ તાલુકાઓમાં હજુ સુધી શરૂ જ નથી થયા કામ
ભુજ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ર૦૧૪માં પ્રથમ વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ સર્વપ્રથમ સ્વચ્છ ભારત અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છતા મિશન અંતર્ગત દેશભરમાં વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. ભારતને ખૂલ્લામાં શૌચમુક્ત કરવા વ્યક્તિ શૌચાલયની યોજના લાગુ કરવામાં આવી છે સાથે જાહેર સ્થળો પર સામૂહિક શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ કચ્છ જિલ્લામાં સામૂહિક શૌચાલય બનાવવાની કામગીરી કાચબાની ગતિએ આગળ ધપી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.નાણાંકીય વર્ષ ર૦ર૪-રપ દરમ્યાન કચ્છ જિલ્લામાં કુલ ૪૩ નવા સામૂહિક શૌચાલય બનાવવાનું લક્ષ્યાંક રખાયું હતું, પરંતુ અત્યાર સુધી માંડ પાંચ સામૂહિક શૌચાલય બન્યા છે. જ્યારે ૪ સામૂહિક શૌચાલયની કામગીરી હાલે પ્રગતિમાં છે. કચ્છ જિલ્લાના મુંદરા તાલુકામાં સામૂહિક શૌચાલયનુંં કમા સૌથી મોખરે થયું છે. તાલુકામાં કુલ ૧૬ નવા સામૂહિક શૌચાલયના લક્ષ્યાંક સામે ૧૪ને વહિવટી મંજૂરી અપાઈ છે. અન્ય ૩ સ્થળોએ નિર્માણ માટે દરખાસ્ત મળી છે. પાંચ સામૂહિક શૌચાલયનું કામ પૂર્ણ થયું છે. જ્યારે અન્ય ચારના કામ પ્રગતિમાં છે. મુંદરા તાલુકાને બાદ કરતા કચ્છના અન્ય ૯ તાલુકાઓમાં એક પણ નવું સામૂહિક શૌચાલય બન્યું જ નથી અને એક પણ સામૂહિક શૌચાલયનું કામ શરૂ પણ થયું નથી.
કચ્છ જિલ્લાના પાંચ તાલુકા અબડાસા, ગાંધીધામ, લખપત, માંડવી અને નખત્રાણામાં એક પણ સામૂહિક શૌચાલયની દરખાસ્ત પણ મળી નથી. ભચાઉમાં મંજૂર બે પૈકી બન્નેની વહિવટી મંજૂરી અપાઈ છે. ભુજમાં મંજૂર ૬ પૈકી ૩ને વહિવટી મંજૂરી અપાઈ છે. મુંદરાના ૧૬ પૈકી ૧૪, રાપરના પાંચ પૈકી એકને વહિવટી મંજૂરી અપાઈ છ. જિલ્લામાં કુલ ૪૩ના લક્ષ્યાંક સામે ર૦ને વહિવટી મંજૂરી મળી છે. પાંચ દરખાસ્ત મળી છે. જ્યારે ૧૮ની દરખાસ્ત બાકી છે. જિલ્લામાં વહિવટી મંજૂરી મળી હોય તેવા ૧પ સ્થળોએ કામ શરૂ થયા નથી. પ્રવાસન ક્ષેત્રે વિકાસથી ધમધમતા કચ્છ જિલ્લામાં સામૂહિક શૌચાલયના નિર્માણમાં ઉદાસીન વલણથી સ્વચ્છ કચ્છનું સ્વપ્ન કઈ રીતે સાકાર થશે તેવો સવાલ
જાગૃત કચ્છવાસીઓ ઉઠાવી રહ્યા છે.

Comments