અંજારના લાખાપરના યુરીયા ખાતરના ડાળા-ડારોબારની તપાસમાં ભેદભરમ
સરકારી સબસીડીયુકત ખાતરના ષડયંત્રમાં તો ’પાસા’ થવા ઘટે
જાગૃત ખેડૂતોએ ઓકટોબરમાં ગાડી પકડી ખેતીવાડી વિભાગે નવેમ્બરમાં ગુનો નોંધાવ્યો, ડિસેમ્બરમાં પોલીસે અટકાયતી પગલા ભર્યા
ગાંધીધામ : અંજાર તાલુકાના લાખાપર ખાતે ત્રણ મહિના પહેલા ગ્રામજનોએ યુરીયા ખાતર ભરીને જતી ગાડી ઝડપી પાડી હતી. જે બાદ ખેતીવાડી વિભાગે તપાસમાં ઢીલ બતાવી અને બાદમાં પોલીસને ખો અપાઈ પરંતુ આ ચર્ચાસ્પદ પ્રકરણમાં અંતે પડદો પાડી દેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાતર જેવા ખેડુતો માટે જરૂરીયાત ચીજો ઉપર આવશ્યક ધારા સહિત અનેક કડક કાયદાનો ઉપયોગ શા માટે નથી કરાતો તેવો વેધક સવાલ ખેડુતો કરી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ અંજાર તાલુકાના લાખાપર ગામે રોજ ખાતર ભરેલી ગાડી જતી હોવાનું નિરીક્ષણ કરતાં ૧૪મી ઓકટોબરે ખેડૂતોએ ટેમ્પાને ઝડપી લીધો હતો. ડ્રાઈવરને પુછતાં આ ગાડી ભીમાસરમાં ખાલી કરવા જવાનો હોવાની કબૂલાત આપી હતી. ભીમાસરમાં ખેડૂતોને બદલે પ્લાય કંપનીમાં યુરીયા ખાતર મોકલવાનું હતું. જનતા રેડ બાદ ખેતીવાડી વિભાગને જાણ કરાઈ અને રહી રહીને પહોંચેલા અધિકારીઓએ પંચનામાનું નાટક કર્યું અને સેમ્પલો મેળવી તપાસ માટે મોકલાવ્યા બાદમાં મહિના પછી ડ્રાઈવર તરસંગજી જીવણજી રણાવાડીયા અને વાહન માલિક ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર સામે આધાર પુરાવા વગર સબસીડીવાળા રાસાયણીક ખાતરની હેરાફેરી કરવા સંદર્ભે અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ખેતીવાડી વિભાગે તપાસ કરવાના બદલે પોલીસે તંત્ર પર ખો નાખી પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અગાઉ કરેલી તપાસમાં બોલેરો માલિકે ભચાઉના પ્રકાશ પટેલના કહેવાથી માલ ભરીને ખાલી કરવા જતા હોવાનું અને ગઢશીશાના નિકુંજભાઈ ઓઝાએ આ નીમ કોટેડ યુરિયાનો જથ્થો મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. પ્રકાશ પટેલના ઘરે તપાસ કરી ત્યારે નીમ કોટેડ યુરિયાની ર૭ બોરી મળી હતી. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે વાહન માલિક અને ડ્રાઈવરની ધરપકડ કરી અને અન્યોના નિવેદન મેળવ્યા બાદ પ્રકાશ પટેલની અટકાયત કરી હતી. જો કે જામીનપાત્ર ગુનો હોવાથી જામીન પર છુટી ગયો હતો.
..............
પ્રકાશે કયા ખેડુતોના ૭/૧રનો કર્યો ગેરઉપયોગ ?
થોડી લાલચમાં આવી જતા અમુક ખેડુતોએ તો પોતાના હકકનુ ખાતર આ પ્રકાશ જેવાઓને કાળા બજારી માટે નહોતુ આપી દીધુ ને?
કઈ મંડળીનું આ સરકારી ખાતર હતુ? કયા અમુક ખેડુતોએ ખાતર સરકારી ભાવે લઈ અને તેની કાળા બજારી કરી? પ્રકાશ પાસેથી આ બધી જ વિગતો ઓકાવી જોઈતી હતી પોલીસે
ગાંધીધામ : લાખાપરમાં યુરીયા ખાતર જાગૃત પ્રજાજનોએ પકડયુ, ખેતીવાડી વિભાગને સોપ્યુ, તેઓએ એફઆઈઆર દાખલ કરી અને તપાસ હવે પુરી થઈ ગયાનો રાગ આલાપી રહી છે. જામીનપાત્ર ગુનો હોવાથી કદાપ પ્રકાશને મુકત કરી દેવાયો હશે પરંતુ તેની પાસે સરકારી યુરીયાનો મોટો જથ્થો પકડાયો છે, તો આ જથ્થો પ્રકાશે કોની પાસેથી લીધો? સરકારી ખાતર છે એ ખેડુતોને ૭/૧ર રજુ કર્યા સિવાય તો મળ્યું નહી હોય.! કઈ મંડળીનું આ ખાતર હતુ? કયા કયા ખેડુતોના સાત-બારનો ગેરઉપયોગ પ્રકાશ જેવાઓએ કર્યો છે? આ બધી જ બાબતો હાલમાં દેખાતી તપાસમાં કયાંક ને કયાંક વણઉકેલાયલી જ જોવાઈ રહી છે.
..............
કઈ પ્લાય કંપનીમાં ખાતર જવાનુ હતું?
કેમ તપાસનો રેલો ત્યાં સુધી ન પહોંચ્યો?
ગાંધીધામ : ગત ઓકટોબર માસમાં અંજારના ભીમાસર પાસેથી ખેડુતોએ જાગૃતી પૂર્વક એક વાહનને પકડી અને તેમાં આધારપુરાવાઓ માંગતા ગાડીનો ડ્રાયવર સરકારી યુરીયા સબસીડી વાળુ ખાતર ગઢેરકાયદેસર પરીવહન કરતો હોવાનુ થતા તે જ શખ્સની પુછતાછમાં સામે આવ્યુ હતુ કે, આ યુરીયા સરકારી ખાતર ભીમાસરમાં આવેલી એક પ્લાયની કંપનીમાં લઈ જવાતુ હતુ. હવે અહી સવાલ એ થાય છે કે, આ પ્લાયની કંપની કઈ હતી? કેમ તેનું કયાંય તપાસમાં નામ જ સામે નથી આવ્યુ? વાહનના ડ્રાયવરે જે પ્લાય કંપનીનું નામ આપ્યુ હતુ તેની સામે જ ધાક બેસાડતી લાલઆંખ કરવી જોઈતી હતી. પરંતુ એમ થવા ન પામતા તપાસ પણ કયાંક ને કયાંક શંકાના ઘેરામાં જ આવવા પામી રહી છે.
...........
ભચાઉના પ્રકાશ પાસે યુરીયાની ર૭ બોરીઓ
આવી કયાંથી? કેમ તેના પરથી પડદો ન ઉચકાયો?
આ પ્રકાશ છે શું? તેની પાસે સરકારી ખાતરની બોરીઓ કયાંથી આવે? હકીકતમાં જો આ પ્રકારની કડક તપાસ કરવામા આવી હોત તો કચ્છના અંજારથી નોઈડા-પ્રહલાદનગર સુધી સરકારી ખાતરની ગેરકાયદેસર હેરફેરના નેટવર્કનો ખુલાસો થયો હોત
ગાંધીધામ : અંજારના લાખાપર પાસેથી સરકારી સબસીડીવાળુ રસાયણીક યુરીયા ખાતર પકડાવવા પામયુ હતુ અને તેની તપાસમાં કઈક ખુલાસાઓ થયા હતા જે પૈકીની એક વાત એવી સામે આવી હતી કે, રસાયણિકખાતર ભચાઉના પ્રકાશ પટેલના ઘરમાથી મળવા પામી હતી. તેના ઘરમાથી ર૭ બોરીઓ પકડાવાવ પામી હતી. અહી તપાસ કરવાની જરૂર તો એ હતી કે આ પ્રકાશ પાસે ર૭ બોરીઓ સરકારી સબસીડીવાળા ખાતરની આવી કયાંથી? તેને આ સરકારી ખાતર કોણ આપી ગયુ? શું આટલી જ બોરી અને આ રીતે પ્રકાશે પ્રથમ જ વખત સરકારી ખાતરની હેરફેર કરી છે કે અગાઉ પણ તેને આ રીતે ખેડુતોના હિતના ખાતરની કાળા બજારી કરી હતી? જો આ દીશામાં તપાસ વધારે આગળ ધપાવાઈ હોત તો સરકારી ખાતરનો જથ્થો ગેરવલ્લે કરનારાઓના ચહેરા પણ બેનકાબ થવા પામી શકયા હોત.
............

Comments