રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં માધાપરની હિમધી ચૌહાણે સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ મેળવ્યો
ભુજ : પોરબંદરના સમુદ્રમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરના ૧૨૦૦થી પણ વધારે તરવૈયાઓએ ભાગ લીધો હતો. દરિયાના મોજા અને પાણીમાં અતિશય કરંટ હોતા રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, પોરબંદર નગરપાલિકા તેમજ સ્વિમિંગ કલબના સભ્યો તૈનાત રહ્યા હતા અને ૧૨ જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ પોરબંદરનો આરોગ્ય વિભાગ અને સ્થળ પર ૧૦૮ની સેવા પણ રાખવામાં આવી હતી.આ સ્પર્ધામાં માધાપરના શિક્ષક દંપતિ ભાવનાબેન અને ગિરીશભાઈ ચૌહાણની દસમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની પુત્રી હિમધી ચૌહાણે ૧૪ થી ૩૦ વર્ષની ઉંમરના સ્પર્ધકોની એક કિલોમીટરની સ્પર્ધામાં વહેલી સવારના ૬ કલાકે કડકડતી ઠંડીમા ભાગ લઈ ભારતભરમાંથી આવેલ તરવૈયાઓને પાછળ રાખી હિમધી ચૌહાણે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબર મેળવી ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગયા વર્ષે પણ તેણે પ્રથમ નંબર મેળવ્યો હતો. કચ્છના પૂર્વ કલેક્ટર અને હાલ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ શુભેચ્છા પાઠવી હતી. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ સમાજ રત્ન વિનોદભાઈ પી. સોલંકી, કચ્છ કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજભાઈ પી. સોલંકીએ અભિનંદન આપ્યા હતા.
----

Comments