Trending News
સ્થાનિક સમાચાર

કંઢેરાઈના બોરવેલમાં ફસાયેલી યુવતીને બહાર કાઢવા અવિરત પ્રયાસો જારી

07 January

ઘટના સ્થળે દિવસ - રાત ખડેપગે રહેલા તંત્રનો એક જ સૂર... ‘આશા અમર છે’ 


૩૦ કલાક વીતી ગયા, હાલમાં એલ આકારના હુંક બનાવી પ્રયાસ કરાયો : ગઈકાલે રાત્રે યુવતી ઉપર સુધી આવી ગયા બાદ ૬૦ ફુટે હુંક નિકળી જતા સાંપડી નિષ્ફળતા : રોબોટની ક્ષમતા ૧૦૦ ફુટની હોતા સ્થળ પર વાયરો જોડી નીચે ઉતારાયો : એસપી, પ્રાંત અધિકારી સહિતના ઘટના સ્થળે હાજર




ભુજ : શહેરથી રપ કિ.મી. દુર આવેલા કંઢેરાઈ ગામે વાડી વિસ્તારમાં ગઈકાલે સવારે પાંચ વાગ્યાના અરસામાં ૧૮ વર્ષિય મુળ રાજસ્થાની અને ખેત મજુર પરિવારની ઈન્દિરા મીણા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના બની હતી. બીજા દિવસે બપોરે બે વાગ્યા સુધી આ લખાય છે ત્યારે તંત્રના અવિરત પ્રયાસો જારી હોવા છતાં સફળતા મળી નથી, પરંતુ એક - બીજાને આશ્વાસન આપતા તંત્રનો એક જ મોટીવ રહ્યો છે, આશા અમર છે. 
આ અંગેની વિગતો મુજબ રમેશભાઈ ઠક્કરની વાડીમાં આ બનાવ બન્યો હતો. વાડી માલિકના કહેવા પ્રમાણે બોર બંધ છે. તેની પર પ્લાસ્ટીક ઢાંકી મોટો પથ્થર રાખવામાં આવ્યો હતો. બીજીતરફ આ યુવતીના માતા - પિતા નાનપણમાં અવસાન પામ્યા હતા. તે દોઢ વર્ષથી આ વાડીમાં તેના પિતરાઈ ભાઈના પરિવાર સાથે રહે છે. પિતરાઈભાઈની કેફીયત પ્રમાણે સવારે તેની દિકરી અને ઈન્દિરા શૌચાલય ગયા એ દરમ્યાન આ બનાવ બન્યો હતો. અને બચાવ બચાવનો અવાજ આવ્યા બાદ ૧૦ મીનીટ સુધી બોરવેલમાં ઈન્દિરા સાથે વાત પણ કરી હતી. બાદમાં વાડી માલિકને જાણ કર્યા બાદ વાડી માલિકે બોરવેલ વાળાને બોલાવતા કેમેરા ઉતારી તપાસ કરાઈ હતી. બનાવ કઈ રીતે બન્યો તે બાબતે હજુ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. તેમજ અઢાર વર્ષિય યુવતી એક ફુટની પહોળાઈ ધરાવતા બંધ બોરવેલમાં ગઈ કેવી રીતે ? તે બાબતે શંકાના વમળો સર્જાયા છે. તેનો મોબાઈલ પણ તેની સાથે બોરવેલમાં છે અને બનાવ બન્યો તે પહેલા આગલી રાત્રે તેના મંગેતર સાથે ફોનમાં ઝઘડો થયો હતો. રહસ્યમય બનેલી ઘટનામાં હાલ તમામ તંત્રનું એક જ દિશામાં ધ્યાન કેન્દ્રીત છે કે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવી. ગઈકાલે સવારે પોણા નવ વાગ્યે ભુજ ફાયર વિભાગને જાણ  થયા બાદ ભુજ, ભચાઉ નગરપાલિકા તેમજ ગાંધીધામ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની ટીમ આવી હતી. પરંતુ કેમેરા અને દોરડા ઉતાર્યા બાદ સફળતા ન મળતા બીએસએફ, આર્મી, એસડીઆરએફને બોલાવાઈ હતી. જો કે સાંજ સુધી પ્રયાસો છતાં કોઈ સફળતા ન મળતા ગાંધીનગરથી પહોચેલી એનડીઆરએફની ટીમે સાંજે પાંચ વાગ્યાથી મોરચો સંભાળી લીધો હતો. સતત કેમેરા ઉતારી પરિસ્થિતિ પર નજર રાખવા સાથે દોરડા ઉતારવામાં આવતા હતા. કોઈ સફળતા ન મળતા અંતે બોરવેલના ઘોડાની મદદ લઈ વાયરના સળિયા નીચે ઉતારી હુંકમાં યુવતીને ઉપર ખેંચવાનો પ્રયાસ કરાયો હતો. ગઈકાલે રાત્રે તેમાં અમુક અંશે સફળતા મળી અને યુવતી ૪૯૦ ફુટ પર હતી, તેને ખેંચતા ખેંચતા ૬૦ ફુટ સુધી આવી ગયા એ દરમ્યાન એક હુંક છટકી ગયો અને બીજો બનાવવા ગયા ત્યાં બીજો હુંક પણ છટકી જતા આ યુવતી અંદર ગરકાવ થઈ હતી. જેથી હાથ આવેલી સફળતા નિષ્ફળતામાં ફેરવાઈ હતી. આખો દિવસ અને રાતની મહેનત હોવા છતાં કોઈએ થાકયા વગર ફરી ઓપરેશન બચાવ ચાલુ કર્યું હતું. આજે બપોર સુધીના અહેવાલ પ્રમાણે બોરવેલમાં ૩૦૦ ફુટ પર યુવતી ફસાયેલી છે. તંત્ર દ્વારા એલ આકારનો હુંક બનાવાયો છે. જે અંદર ઉતારી નીચેથી સપોટ આપવા સાથે તેને ઉપર ખેંચવા માટે રોબોટની મદદ લેવાઈ હતી. રોબોટનો વાયર ૧૦૦ ફુટનો હોવાથી વધારે વાયર લાંબો કરી રોબોટ ઉતારવામાં આવ્યો છે. તમામ તંત્ર ઘટના સ્થળે હાજર છે. ગઈકાલે સવારથી ધાણેટી પીએચસીની ટીમ દ્વારા સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવા સાથે તમામ વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ગઈકાલે જિલ્લા કલેકટર અમિત અરોરા અને એસપી વિકાસ સુંડા, અધિક કલેકટર મિતેશ પંડયા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ મુલાકાત લીધી હતી. ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, મામલતદાર એ.એન. શર્મા, ડીવાયએસપી પાર્થ ચોવટીયા સહિતના ઘટના સ્થળે હાજર રહ્યા હતા. આજે સવારથી ફરી અધિકારીઓ પહોંચ્યા છે. ઘટના સ્થળે હાજર એસપી વિકાસ સુંડાએ જણાવ્યું કે, અમારા પ્રયાસો સતત ચાલુ છે, અમે આશા સાથે કામ કરી રહ્યા છીએ, ટુંક સમયમાં સફળતા મળશે. પ્રાંત અધિકારી અનીલ જાદવે જણાવ્યું કે, એનડીઆરએફ સહિત તમામ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. કોઈએ વિરામ લીધો નથી. હાલ ૩૦૦ ફુટ પર યુવતી અટકેલી છે. તેને બહાર કાઢવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. બનાવને પગલે આસપાસના ગામના લોકો પણ પહોંચ્યા હતા. વાડી વિસ્તારમાં બોર ધરાવતા અને બોરના જાણકાર લોકોની પણ મદદ લેવામાં આવી હતી. ટેકનીકલ સાથે અનુભવને પણ કામે લગાવાયો છે.

Comments

COMMENT / REPLY FROM