માધાપરના હેપ્પી હોમ્સમાં મકાનના તાળા તુટ્યા : લાખોની મત્તા તફડાવાઈ
એશિયાના ધનિક ગામમાં અલાયદું પોલીસ સ્ટેશન હોવા છતાં તસ્કરો બેફામ
નવાવાસની રહેણાંકની સોસાયટીઓમાં ઘરફોડીના વધતા બનાવ : પોલીસ દ્વારા રાત્રી પહેરો ગોઠવાય તેવી માંગ
ભુજ : શહેરના પરા સમાન માધાપર ગામમાં ચોરીની ઘટનાઓ વધી છે. ખાસ કરીને નવાવાસ વિસ્તારમાં ગામની ભાગોળે આવેલ સોસાયટીઓમાં ઘરફોડીના બનાવો વધ્યા છે. શિયાળાની ઠંડીના દિવસોમાં ચોરીના વધતા બનાવોથી ગ્રામજનોની ચિંતા વધી છે તેવામાં હેેપ્પી હોમ્સ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિતની મતા તફડાવાઈ છે, જેને પગલે ઉચ્ચાટ ફેલાયો છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માધાપરના નવાવાસ વિસ્તારમાં આવેલ સોસાયટી વિસ્તારોમાં ચોરીની નાની - મોટી ઘટનાઓ વધી છે. નવાવાસની ગોકુલધામ સોસાયટી, ઈન્દ્રવીલા સોસાયટી વિસ્તારમાં ઘરફોડીના અનેક બનાવો બન્યા છે. જે પૈકીના ઘણા કિસ્સાઓમાં મોટી મતા ગઈ ન હોવાથી પોલીસ ચોપડે નોંધ પણ થતી જ નથી.ગઈકાલે ગોકુલધામ રોડ પર આવેલ હેપ્પી હોમ્સ સોસાયટીમાં ઘરફોડીનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. હેપ્પી હોમ્સના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંગળવારથી રવિવાર સુધીના સમયગાળામાં આ બનાવ બન્યો હતો. ઘર માલિક બહાર રહેતા હોવાથી તસ્કરોએ રેકી કર્યા બાદ ઘરફોડીને અંજામ આપ્યો હતો. ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરના બેઠક ખંડ અને શયનખંડમાં કબાટ, શેટી પલંગને ખોલી દાગીના, ચાંદીના સિક્કા, રોકડ રકમ ઉઠાવી ગયા હતા. સોમવારે ઘરમાલિક આવતા ચોરી થયાનું સામે આવ્યું હતું. માધાપર પોલીસ સ્ટેશન પર જાણ કરવામાં આવતા માધાપર પોલીસે સ્થળ તપાસ કરી હતી. જો કે હજુ સુધી ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નથી. લાખોની મતા ઉસેડાઈ હોવાનું બિનસતાવાર રીતે જાણવા મળ્યું છે. સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ભંગાર, ગેસ ચુલા રીપેરીંગ, ચાદર - બેડશીટ, ડ્રેસ મટેરીયલ વગેરેના ફેરીયાઓની સતત અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ભીખારીઓ પણ સોસાયટીઓમાં ફરતા રહે છે. ચિભડચોરી કરતા તત્ત્વો દિવસ દરમ્યાન સોસાયટીઓમાં જુદા જુદા કારણોસર લટાર મારી રેકી કરતા હોય છે. લાંબો સમય બંધ રહેતા મકાનને રાત્રીના અરસામાં નિશાન બનાવતા હોય છે. આ સોસાયટી આસપાસ ખેતર - વાડીઓ આવેલ હોવાથી ગુનો આચરી નાસી જતા તસ્કરોને મોકળું મેદાન મળી રહે છે. સ્થાનિકો રાત્રી દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ અને રાત્રી પહેરો વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નાની - મોટી ચોરીઓના વધતા બનાવથી સોસાયટી વિસ્તારમાં રહેવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

Comments