કચ્છમાં શિક્ષક ઘટની સમસ્યા નિવારવા સ્થાનિક ભરતીનો મુદ્દો જિલ્લા પંચાયતમાં છવાયો
ભુજમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસી સદસ્યોએ શિક્ષક, તલાટી, આરોગ્ય માળખામાં સ્ટાફ ઘટ તેમજ પાયાની સુવિધાઓ મુદ્દે સવાલો ઉઠાવતા શાસક પક્ષ ઘેરાયું : ગામડાઓમાં આડેધડ પવનચક્કીઓ નખાય છે પણ ગ્રામ પંચાયતને જ ખબર હોતી નથી
ભુજ : કચ્છમાં હાલ સળગતી સમસ્યા હોય તો શિક્ષક ઘટની છે. જિલ્લા પંચાયત દ્વારા જયાં સુધી નવા શિક્ષકો ન મળે ત્યાં સુધી જુનાને છુટા કરવામાં નહીં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો, જેથી હાલ તબક્કે શિક્ષક ઘટમાં રાહત મળી છે. જો તમામ શિક્ષકો બદલી કરાવી ગયા હોત તો કચ્છની શાળાઓ બંધ કરવાની નોબત આવત, હાલમાં કચ્છમાં શિક્ષિત ઉમેદવારો બેરોજગાર બેઠા છે. ખરેખર સ્થાનિક ભરતી કરવામાં આવે તો શિક્ષક ઘટ નિવારી શકાય તેવો મુદ્દો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉછળ્યો હતો. મીની સંસદ ગણાતી કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ જનકસિંહ બી. જાડેજાના અધ્યક્ષસ્થાને અને ડીડીઓ શૈલેષ પ્રજાપતિની હાજરીમાં યોજાઈ હતી. પ્રારંભે ગત સામાન્ય સભાની કાર્યવાહીની બહાલી, અગાઉ સામાન્ય સભામાં લીધેલો નિર્ણયો પર લીધેલા પગલા, પંચાયતી સમિતિઓની મળેલી સભાઓની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. સ્ટેમ્પ ડ્યૂટી, રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલા કામોમાં સૂચિત ફેરફાર, રદ્દ કામોને બહાલી આપવા, ૧પમા નાણાપંચ જિલ્લા કક્ષાના આયોજનમાં સૂચિત ફેરફારવાળા કામોને બહાલી આપી બાદમાં પ્રશ્નોતરી કાળ શરૂ કરાયો હતો. જેમાં લખપતના સદસ્ય મામદભાઈ જુંગ જતે કચ્છમાં શિક્ષકોની થયેલી જિલ્લા ફેરબદલી બાદ કેટલા શિક્ષકોની લખપત તાલુકામાં ઘટ, રોયલ્ટીમાં સરકારને કેટલી આવક થઈ છે અને તેમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી રકમ વપરાઈ, કેટલા પશુદવાખાના અને કેટલુ મહેકમ, છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પશુ દવાખાના બન્યા અને ચાલુ દવાખાના કેટલા બંધ થયા, પશુઓની સંખ્યા કેટલી ? અને પર્યાપ્ત ગૌચર જમીન કેટલી છે, નાની, મધ્યમ સિંચાઈ યોજના હેઠળ કેટલા કામોના ટેન્ડર મંજૂર થયા અને કેટલી કામગીરી પૂર્ણ થઈ, જિલ્લા પંચાયત હસ્તક કેટલા રોડ - રસ્તા બન્યા, કેનાલ મારફતે કેટલા ખેડૂતોને પાણી આપવામાં આવે છે તેવા પ્રશ્નોનો મારો કર્યો હતો. જેના જવાબો આપવામાં ગરમા ગરમીનો માહોલ સર્જાયો હતો. તો અબડાસાના સદસ્ય તકીશા બાવાએ તાલુકામાં કાયમી મામલતદાર નથી, ડોક્ટરો નથી, ટીડીઓ નથી, પવનચક્કીઓ આડેધડ નખાય છે તેની ગ્રામ પંચાયતોને કોઈ જાણ કરતી નથી કારણ શું છે ? તેવો વેદ્યક સવાલ પુછી આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર સાવ નીચે ગયું છે તેને સુધારવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે. કચ્છના સ્થાનિક, ટેટ, ટાટ શિક્ષિત ઉમેદવારો બેકાર બેઠા છે તેમને નોકરીમાં લેવામાં આવે, એક કાયમી તલાટીને ૬ ગામોનો ચાર્જ અપાયો છે એ કેટલે અંશે કામ કરી શકશે, ગૌચર જમીનો રહી નથી, રખડતા ઢોરોનો ત્રાસ ખુબ વધ્યો છે સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગરમા ગરમીના માહોલ બાદ અગાઉની જેમ સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. દરમિયાન મોડેથી અહેવાલ પ્રમાણે સભામાં શાસક પક્ષના સભ્યોએ પણ સવાલો ઉઠાવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ખરાબ હોવાનું કહી તેના પર યોગ્ય મોનિટરીંગ કરવામાં આવે અથવા તો તેને સ્ટેટને સોપી દેવામાં આવે, ઉપરાંત શિણાયમાં આંગણવાડીની છત તુટેલી હોવાથી બાળકો પર ભય ઝળુબે છે, જેથી તાત્કાલિક રિનોવેશનની માંગ શિક્ષણ સમિતિના ચેરમેને કરી હતી. સામાન્ય સભામાં ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા, ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, તેમજ સદ્દસ્યો હરિ હીરા જાટિયા, મશરૂભાઈ રબારી, પારૂલબેન કારા, રાણીબેન જરૂ, મહેન્દ્રભાઈ ગઢવી સહિતના તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.

Comments