Trending News
સ્થાનિક સમાચાર

કંઢેરાઈમાં પ૪૦ ફુટ ઉંડા બોરવેલમાં યુવતી પડી : યુદ્ધના ધોરણે રેસ્કયુનો ધમધમાટ

06 January



૧૮ વર્ષિય યુવતી આજે સવારે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં અકસ્માતે પડી ગઈ


સ્થાનીક લોકોએ બચાવવાના પ્રયાસ કર્યા પણ સફળતા ન મળતા તંત્રને જાણ કરાઈ : ભુજ અને ભચાઉથી ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ૧૦૮ પણ કામે લગાડાઈ : જિલ્લા પોલીસવડા, નાયબ કલેકટર, મામલતદાર સહિતના ઉચ્ચાધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા : બીએસએફની ટુકડી બચાવ કાર્યમાં મદદે આવી : ગાંધીનગરથી ખાસ એનડીઆરએફની ટુકડી કચ્છ આવવા રવાના


ભુજ : તાલુકાના કંઢેરાઈ ગામે વાડી વિસ્તારમાં આવેલા પ૪૦ ફુટ ઉંડા બોરવેલમાં આજે સવારે અકસ્માતે યુવતી પડી જતા યુદ્ધના ધોરણે રેસ્કયુ કામગીરીનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ, બીએસએફ સહિતના રેસ્કયુ કાર્યમાં જોડાયા છે. ગાંધીનગરથી એનડીઆરએફ બોલાવવા સાથે ઉચ્ચાધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. એક એક સેકન્ડની મુવમેન્ટ પર જિલ્લા તંત્ર ખાસ નજર રાખી રહ્યું છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભુજથી રપ કિલોમીટર દુર આવેલા અંતરીયાળ કંઢેરાઈ ગામે આ બનાવ બન્યો હતો. વાડી વિસ્તારમાં સવારે સાડા પાંચથી છ વાગ્યાના અરસામાં ખેત મજુરી કરતા પરિવારની ૧૮ વર્ષિય યુવતી ઈન્દિરાબેન કાનજી મીણા અકસ્માતે વાડીના ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. સ્થાનીકોએ બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ સફળતા ન મળતા સવારે પોણા નવ વાગ્યે તંત્રને જાણ કરાતા સમગ્ર વહીવટી તંત્ર નાનકડા કંઢેરાઈ ગામમાં ખેતમજુર પરિવારની મદદે પહોંચ્યું છે. ભુજથી ફાયર બ્રિગેડની ટુકડી સ્થળ પર પહોંચી તેમજ ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમને બોલાવવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગરથી એનડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે આવવા રવાના થઈ છે. એક વાગ્યે મળતા અહેવાલ પ્રમાણે બીએસએફની ટુકડી પણ બચાવ કાર્ય માટે પહોંચી હતી. ઘટના સ્થળે લોકો ભેગા થઈ જતા પોલીસ પણ બંદોબસ્તમાં જોડાઈ છે. ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, મામલતદાર એ.એન. શર્મા, જિલ્લા પોલીસવડા વિકાસ સુંડા સહિતના અધીકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને પળેપળની માહિતી એકત્ર કરી ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે. આ લખાય છે ત્યારે એક વાગ્યાના અરસામાં બચાવ કાર્યનો ધમધમાટ ચાલી રહ્યો છે.

...........


ઓકસીજન પહોંચાડાયું

યુવતીના બચાવ માટે હાલ પાઈપલાઈન મારફતે ઓકસીજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૦૮ ને અહીં રાખવામાં આવી છે અને ઓકસીજન પહોંચાડી બચાવ માટે તજવીજ કરાઈ છે.

...........



યુવતી પડી ત્યારે બચાવો બચાવોનો અવાજ આવ્યો


પરિવારજનોના કહેવા પ્રમાણે આજે સવારે યુવતી બોરવેલમાં સરકી ત્યારે સવાર સુધી બચાવો બચાવોનો અવાજ સંભળાયો હતો. જો કે તંત્રની ટીમ પહોંચી તે પછી કોઈ અવાજ સંભળાયો નથી.

........


વેલ્ડીંગ ફ્રેમ બનાવાઈ



બોરવેલની પહોળાઈ ૧ર ઈંચ ડાયામીટર છે એટલે કે એક ફુટ જેટલી પહોળાઈ હોવાથી ખાસ પ્રકારની વેલ્ડીંગ ફ્રેમ બનાવવામાં આવી રહી છે જેના મારફતે અંદર રહેલી યુવતીની માહિતી મેળવી તેને બહાર કાઢવાના પ્રયાસો કરી શકાય.

.............



ખાસ કેમેરા ઉતારાયા


પ૪૦ ફુટ ઉંડા બોરવેલમાં કઈ સપાટીએ યુવતી છે તેની સ્થિતિ જાણવા અને બચાવ કાર્યમાં મદદ માટે ખાસ પ્રકારના કેમેરા બોરવેલમાં ઉતારવામાં આવ્યા છે અને બહાર ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM