ગાંધીધામમાં વધુ એક વખત ટ્રેઈલરો ભાડે લઈ ટ્રાન્સપોર્ટરને ૧૧.૬૮ લાખનો ચુનો ચોપડાયો
અલગ અલગ સમયે ૪૭ ગાડીઓ ભાડે મેળવી રૂપિયા ન આપ્યા
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં ઔદ્યોગીકરણની સાથે ધંધાકીય ઠગાઈના બનાવોમાં વધારો થયો છે. જેમાં વધુ એક વખત ટ્રેઈલરો ભાડે લઈ ટ્રાન્સપોર્ટરને ૧૧.૬૮ લાખ ન ચુકવી ઠગાઈ કરવામાં આવી હતી. ગાંધીધામમાં રહેતા ટ્રાન્સપોર્ટર કિરીટભાઈ કરશનભાઈ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગાંધીધામની એવરેસ્ટ શીપીંગમાં કામ કરતા ફરિયાદીના ભાઈના ઓળખીતા રાજુભાઈ પટેલે ફરિયાદીનો અંગત નામના શખ્સ સાથે પરિચય કરાવ્યો હતો. આરોપી અંગતે પોતાને વિકટોરીયા સીરાટેક પ્રાઈવેટ કંપનીનો એચઆર મેનેજર ગણાવી મુંદરાથી વાંકાનેરની કોહીનુર કંપનીમાં માલ સામાનના ફેરા મારવા માટે કન્ટેઈનર ગાડીઓ ભાડે જોઈએ છે તેમ કહી પોતાની કંપનીના નામનું જીએસટી સર્ટીફીકેટ વોટસઅપ પર મોકલાવી વિશ્વાસ કેળવ્યા બાદ ફરિયાદીએ ગાડીઓ આપી હતી. મુંદરાથી વાંકાનેરની કંપની સુધી ગાડીઓની હેરાફેરી માટે એક કન્ટેઈનરનના ભાડા પેટે ર૧પ૦૦ નક્કી કરવામાં આવ્યા હતા. ર૬ નવેમ્બર ર૦ર૪ થી ૧૧ ડિસેમ્બર ર૦ર૪ સુધી ૪૭ કન્ટેઈનર ભાડે મોકલ્યા હતા. જેમાં ૧૧,૬૮,પ૪પ રૂપિયાનું બીલ અંગત નામના શખ્સને આપવામાં આવ્યું હતું. આરોપીએ ૧પ દિવસમાં બીલ ચુકતે કરવાનું કહ્યું હતું પણ રૂપિયા આપ્યા ન હતા. જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Comments