કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી પ્રક્રીયાનો ધમધમાટ ચોર ટાઇમ સ્ટાર્ટે નાવ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નીરીક્ષકોની હાજરીમાં દાવેદારી સ્વીકારવાનું શરૂ
દેવજીભાઈ વરચંદ, પંકજભાઈ મહેતા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ડો. મુકેશ ચંદે, શંભુભાઇ આહીર, શીતલભાઈ શાહ,વાઘજી પ્રજાપતી, વીરજીભાઇ મોર, ભરતભાઇ સંઘવી, મનજીભાઈ આહીર, કમલેશભાઇ, સહિતના ૧૦ જેટલા
દાવેદારોએ ફોર્મ ભરીને નોધાવી ઉમેદવારી : કમાભાઈ રાઠોડ સહીતના નિરિક્ષકોએ ઉમેદવારોના લીધા સેન્સ
જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ‘કચ્છ કમલમ’ ખાતે ૧૦ જેટલા દાવેદારોએ જિલ્લા સંગઠનનું સુકાન સંભાળવા રજૂ કરીદાવેદારી : ફોર્મ ભરવાની અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રદેશ મોવળી મંડળને સોંપાશેરિપોર્ટઃ અંતિમ નિર્ણય પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા લેવાશે
ભુજ : વિશ્વના સૌથી મોટા રાજકીય સંગઠન એવા ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ ર૦ર૪ અંતર્ગત પેજ સમિતિ, બૂથ સમિતિ, શહેર, મંડલ કક્ષાના હોદ્દેદારોની વરણી બાદ હવે જિલ્લા સંગઠનના સૂકાનીઓની વરણી માટેની પ્રક્રિયા નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.આજે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા જિલ્લા મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે હાથ ધરવામાં આવી હતી. આજે સવારે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકાર કમાભાઈ રાઠોડ સાથે વસંતભાઈ કોડરાણી અને વાલજીભાઈ ટાપરિયાની ઉપસ્થિતિમાં દાવેદારી ફોર્મ સ્વિકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છના રાજકીય વર્તુળમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદે વર્તમાન પ્રમુખ દેવજીભાઈ વરચંદને રિપિટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, લોકશાહ ઢબે હાથ ધરવામાં આવેલી જિલ્લા સૂકાનીની વરણી માટે ૧૦ જેટલા દાવેદારોએ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આજે હાથ ધરવામાં આવેલ ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા અને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી કમાભાઈ રાઠોડ અને સાથી નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ હાઈ કમાન્ડને સોંપશે. ત્યારબાદ પ્રદેશ મોવળી મંડળ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સ્વચ્છ અને પ્રભાવી પ્રતિભા ધરાવતા કચ્છ જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ દેવજીભાઈ વરચંદના નેતૃત્વમાં ગત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત સફળતા મેળવી હતી. તેમના નેતૃત્વમાં સંગઠન વધુ મજબૂત થયું છે ત્યારે પ્રદેશ મોવળી મંડળ દેવજીભાઈને જ પુનઃ સૂકાન સોંપે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. નજીકના ભવિષ્યમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે ત્યારે ચૂંટણીઓની જાહેરાત પુર્વે જિલ્લા સંગઠનનું સૂકાન કોને સોંપાય છે તેના પર રાજકીય સમીક્ષકો મીટ માંડી રહ્યા છે. ભાજપને ભરપુર સમર્થન આપનાર કચ્છ જિલ્લામાં વર્તમાન પ્રમુખને રિપિટ કરાશે કે કોઈ નવો ચહેરો આવશે તે ઉત્કંઠાનો અંત પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જિલ્લાના સૂકાનીનું નામ જાહેર થયા બાદ જ થઈ શકશે.
............
નો રીપીટનો નિર્ણય લેવાય તો સરપ્રાઇજ નામ હશે?
પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા જિલ્લા પ્રમુખની વરણી કરાશે : કમાભાઈ રાઠોડ
કચ્છ ઉદય’ સાથેની વાતચીતમાં કમાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, સંગઠન પર્વની શરૂઆત રજી સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાથમિક સદસ્ય બની કરી હતી. ત્યારબાદ ૩જી સપ્ટેમ્બરના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાથમિક સદસ્યતા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ક્રમાનુસાર બુથ સમિતિ અને મંડલ પ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં અંતિમ પડવા સ્વરૂપે આજે જિલ્લા અધ્યક્ષ પદ માટે દાવેદારી ફોર્મ સ્વિકારવામાં આવ્યા છે. જિલ્લાના ૧૭ મંડલમાંથી કુલ ૧૦ જેટલા દાવેદારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે જે યાદી હવે સંકલન સમિતિ સમક્ષ મૂકવામાં આવશે ત્યારબાદ પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા પ્રમુખની વરણી કરાશે. કચ્છ જિલ્લાના નવા પ્રમુખ વરાયા બાદ જિલ્લાના બાકી રહેતા ૩ મંડલના પ્રમુખોની વરણી કરાશે તેવું વધુમાં ઉમેર્યું હતું.

Comments