Trending News
સ્થાનિક સમાચાર

ગોધરાની હતભાગી ગૌરીને ન્યાય અપાવવા ભુજમાં સંવેદનાનો સૈલાબ

04 January



યુવતીની કરપીણ હત્યા બાદ સર્વ સમાજ દ્વારા ભુજમાં યોજાયેલી મૌન રેલીમાં આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરાઈ : મોટી સંખ્યામાં કચ્છવાસીઓ રેલીમાં જોડાયા : જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ એસપીને અપાયું આવેદન પત્ર : કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના અગ્રણીઓ હાજર રહી ઘટનાને વખોડી 

ભુજ : મહિલાઓને સમાન અધિકાર અને સ્ત્રી સશક્તિકરણની ગુલબાંગો વચ્ચે દેશભરમાં મહિલા અત્યાચારની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. આવી ઘટનાઓ સામે હવે લોકો ખામોશ બની રહેવાના બદલે આક્રોશ ઠાલવતા થયા છે. માંડવીના ગોધરા (અંબેધામ) ગામની ગૌરી ગરવાની કરપીણ હત્યાના પગલે કચ્છીજનોમાં ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે. કચ્છીજનોની સંવેદનાનો મહેરામણ આજે ભુજમાં જોવા મળ્યો હતો. ગોધરાની હતભાગી યુવતિ ગૌરી ગરવાની કરપીણ હત્યા બાદ હત્યારા પ્રેમી યુવાન સાગર સંઘારને પોલીસે ઝડપી લીધો હતો. જોકે, આ ઘટનાને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હતભાગીને ન્યાય અપાવવા અને નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભુજમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ પાસે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે જન સૈલાબ ઉમટ્યો હતો. આ મૌન રેલીમાં હજારો લોકોની ભીડ સામેલ થઈ હતી. મૌન રેલી બાદ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાને સંયુક્ત આવેદનપત્ર અપાયું હતું. જેમાં હત્યારા આરોપી સાગર સંઘારને ફાંસીની સજા આપી હતભાગી ગૌરીને સત્વરે ન્યાય આપવાની માંગ કરાઈ હતી. કચ્છના વિવિધ સમાજ દ્વારા મૌન રેલીને સમર્થન અપાયું હતું. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કલેક્ટર કચેરીએ હાજર રહ્યા હતા અને ઘટનાને વખોડી હતી. સભ્ય સમાજમાં મહિલાની સરાજાહેર જેવી હત્યાને સાંખી લેવામાં આવશે નહીં. આરોપી સામે ફાસ્ટટેક કોર્ટમાં કેસ ચલાવી કડક સજા થાય તે જરૂરી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આવેદનપત્ર પાઠવતી વેળાએ નરેશભાઈ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, ભુજના પૂર્વ નગરપતિ અશોક હાથી, ડો. રમેશ ગરવા, ઈબ્રાહીમ હાલેપોત્રા, કુંવરબેન મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા. આ રેલીમાં વિવિધ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM