કચ્છમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે વર્ષમાં ર કરોડનો દારૂ પકડ્યો
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ગાંધીનગરથી કરાતી કાર્યવાહી સ્થાનિક પોલીસનું નાક કાપવા બરાબર : તાજેતરમાં કુખ્યાત બૂટલેગરને પણ ઉઠાવી જવાયો હતો
ભુજ : ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪ દરમિયાન દારૂના કુલ ૪૫૫ કેસ કરીને રૂ. ૨૨.૫૨ કરોડનો દારૂ ઝડપી લીધો છે. જ્યારે જુગારના ૭૯ કેસ કરીને જુગારીઓ પાસેથી ૮૦.૪૮ લાખ રોકડા સહિત ૩.૬૩ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ ઉપરાંત કબૂતરબાજીના કેસમાં ઘણા આરોપીઓને ઝડપી લેવાયા છે અને સટ્ટાકાંડની તપાસમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઘણા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. એસએમસીએ વર્ષ ર૦ર૪ દરમ્યાન કચ્છ માંથી પ૮ કેસ દાખલ કર્યા હતા. જેમાં ર.૦પ કરોડના દારૂ સાથે કુલ્લ ૬.૪ર કરોડનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક પોલીસના અસામાજિક તત્ત્વો સાથેની ગોઠવણ ખુલ્લી પાડવા માટે ડીજીપીના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ આખુ વર્ષ દોડતી રહી હતી. વર્ષના ૩૬૫ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્યભરમાં દારૂ અને જુગારના ૫૩૪ કેસ કર્યા છે. કચ્છ માંથી હેઠળ આવતા કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં એસએમસી દ્વારા વર્ષ દરમ્યાન અવારનવાર દારૂના ધંધાર્થીઓ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો. સ્થાનીક પોલીસ પકડવામાં નિષ્ફળ રહી હોય તેવા અનેક બુટલેગરોને એસએમસીએ ઝડપી પાડી સ્થાનીક પોલીસની ઉંઘ ઉડાળી દીધી હતી. ગુજરાતનો કુખ્યાત બુટલેગર પુના ભરવાડને પણ એસએમસીએ કચ્છમાંથી ઝડપી પાડયો હતો. આ ઉપરાંત અનેક નાના મોટા દરોડાઓમાં પ૮ કેસો સાથે ર કરોડથી વધુનો દારૂ ઝડપી પાડી નોંધનીય કામગીરી કરી હતી.

Comments