ખાવડા પંથકમાં પરમીટ વિસ્તાર બહાર ગેરકાયદેસર ખનન પર સપાટો બોલાવાયો
નવા વર્ષના પ્રારંભે તંત્રએ ખંખેરી આળસ
પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિાભગની ટીમે જામકુનરિયા સીમમાં ખનીજ ચોરીના કારસાનો કર્યો પર્દાફાશ : પરમીટ વિસ્તાર બહાર ખોદકામ સબબ હિટાચી મશીન અને બે ડમ્પર કર્યા સીઝ : પશ્ચિમ કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ
ભુજ : અંગ્રેજી નવા વર્ષ ર૦રપ ના પ્રારંભે જ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓ પર સપાટો બોલાવ્યો છે. ભુજ તાલુકાના ખાવડા સમીપે જામકુનરિયા સીમમાં થઈ રહેલા ગેરકાયદેસર ખનને ઝડપી પાડવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના સપાટાથી ગેરકાયદેસર ખનીજનું ખનન કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોમાં ખનીજ ચોરીનું દુષણ વકર્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઈનીંગ પ્લાનના અભાવે માન્ય લીઝમાં ખાણકામ પર રોક લગાવવામાં આવી છે. માન્ય લીઝના એટીઆર બંધ થયા બાદ ગેરકાયદેસર ખનન અને વહનની ગેરપ્રવૃત્તિમાં ભારે ઉછાળો આવ્યો છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં પરમીટ વિસ્તાર બહાર મોટા પ્રમાણમાં ખનન થતું હોવાના અહેવાલ અગાઉ ‘કચ્છ ઉદય’માં પ્રકાશીત થયા હતા. પરમીટ વિસ્તાર બાદ મંજૂરી વિના થઈ રહેલા ખનીજ ખનનની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહી છે ત્યારે અંગ્રેજી નવા વર્ષના પ્રથમ દિવસે જ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે પોતાની સુસ્તી ખંખેરી સપાટો બોલાવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. પશ્ચિમ કચ્છ ભુસ્તરશાસ્ત્રી ડી.એસ.બારિયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ ગત રાત્રિએ ખાવડા પંથકમાં મેદાને ઉતરી હતી. રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને સર્વેયર સાથેની ટીમે જામકુનરિયાની સીમમાં પરમીટ બહારના વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામને ઝડપી પાડ્યું હતું. આ કામગીરીમાં પરમીટ બહાર ખોદકામ સબબ
એક હટાચી મશીન અને બે ડમ્પર વાહનોને સીઝ કર્યા હતા. સીઝ કરેલા વાહનોને ખાવડા પોલીસ મથકે સોંપી તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ ર૦રપ ના પ્રથમ જ દિવસે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના સપાટાથી ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. પ્રાકૃતિક ખનીજ સંપદાથી સમૃદ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનીજ મળી આવે છે. ખનીજ લીઝ મારફતે સરકારને કરોડોની આવક થતી હોય છે પરંતુ ઈસી અને માઈનીંગ પ્લાનના અભાવે રાજ્ય સરકારે કરેલા આદેશના પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા લિઝ એટીઆર બંધ કરી દેવામાં આવ્યા છે. આવા સમયે ગેરકાયદેસર ખનન અને પરિવહનની પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો છે. લીઝ પરમીટ બહાર પણ મોટા પ્રમાણમાં ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્રએ આળસ ખંખેરી છે ત્યારે આગામી દિવસોમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે સઘન કાર્યવાહી થશે કે એકલ દોકલ કિસ્સાઓ પકડી પાડી તંત્ર સંતોષ માની લેશે તેવો સવાલ પણ જાણકાર વર્ગમાં ઉઠી
રહ્યો છે.
........
ગર્વમેન્ટ પ્રોજેક્ટ માટેની રેતીની પરમીટનો દુરપયોગ
સાઈટ પરથી નીકળેલા વાહનોના જીપીએસ અને સંબંધિતોના બેંક વ્યવહાર ચકાસવામાં આવે તો જિલ્લા વ્યાપી મોટા કૌભાંડનો થાય ભાંડાફોળ
ભુજ : કચ્છ જિલ્લામાં પરમીટ વિસ્તાર બહાર થઈ રહેલા ખનન અંગેનો અહેવાલ અગાઉ ‘કચ્છ ઉદય’ માં પ્રકાશિત થયો હતો. ગઈકાલે જામકુનરિયા સીમમાં ખાણ ખનીજ વિભાગે કરેલી કાર્યવાહીથી તે અહેવાલને સમર્થન મળ્યું છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં પરમીટના નામે ખનીજની ગેકાયદેસર હેરાફેરી થતી હોવાનો અહેવાલ પણ અગાઉ પ્રકાશિત થયો હતો. ખનીજ માફિયાઓ સરકારી કામોના નામે મેળવેલી પરમીટનો માલ અન્યત્ર સપ્લાય કરતા હોવાનું જાણકારો જણાવે છે. જિલ્લામાં હાલે પ્રગતિમાં ચાલી રહેલા અનેક મોટા સરકારી કામોમાં મોટા પ્રમાણમાં રો-મટેરીયલની જરૂરત રહેતી હોય છે. આવા સરકારી પ્રોજેક્ટ માટે લેવામાં આવેલ પરમીટનો દુરૂપયોગ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરો સાથે મિલિભગત કરી ખનીજ માફિયાઓ ગર્વમેન્ટ પ્રોજેક્ટ માટે મેળવેલી પરમીટ માટેનો જથ્થો અન્યત્ર સપ્લાય કરી દેતા હોય છે ત્યારે સાઈટ પરથી નીકળેલી તમામ ગાડીઓના જીપીએસની સઘન તપાસ કરવામાં આવે અને સંબંધિતોના બેંક વ્યવહારોની ચકાસણી કરવામાં આવે તો જિલ્લા વ્યાપી મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેવું જાણકારો ચર્ચી રહ્યા છે.

Comments