કચ્છના ભૂગર્ભજળ બન્યા હાનિકારક : ગંભીર બીમારીઓ નોતરે તેવાં તત્ત્વો મળી આવ્યાં
કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ‘એન્યુઅલ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી રિપોર્ટમાં રાજ્યના ૨૫ જિલ્લાની સ્થિતિ ચિંતાજનક
ભુજ : કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ‘એન્યુઅલ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૪’ મુજબ રાજ્યમાં ૬૩૨ સેમ્પલમાંથી ૧૨૪ એટલે કે ૨૦% ભૂગર્ભ જળમાં હાનિકારક દ્રવ્યો મળી આવ્યાં છે. હૃદય સંબંધિત બીમારીઓ નોતરી શકે તેવાં ભૂગર્ભ જળમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીનું પ્રમાણ ઉંચું જણાઈ આવ્યું હતું. આ ભૂગર્ભ જળમાં ક્ષારતા, વિવિધ કેમિકલનું પ્રમાણ વધી જાય છે. રાજ્યમાં ૨૦% ભૂગર્ભ જળમાં ક્ષારતા, ૧૪% માં ફ્લોરાઇડ, ૧૮%માં નાઇટ્રેટ, ૧૦%માં ક્લોરાઇડ જેવાં હાનિકારક તત્ત્વો જોવા મળ્યાં છે. આ અંગેની વિગતો મુજબ ગુજરાતમાં ૨૫ જિલ્લાનાં ભૂગર્ભ જળમાં હૃદય સંબંધિત બીમારીઓ નોતરે તેવાં હાનિકારક રસાયણો, તત્ત્વો, કેમિકલ મળી આવ્યાં છે. આ જિલ્લામાં કચ્છ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, છોટા ઉદેપુર, જામનગર વગેરેનો સમાવેશ થાય છે. પરંપરાગત જળસ્ત્રોતના અભાવથી પીડાતા કચ્છ જિલ્લામાં અંતરીયાળ વિસ્તારોમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે ભૂગર્ભજળનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઉપરાંત વિતેલા બે દાયકામાં થયેલા ઔદ્યોગીક વિકાસના પગલે ઈન્ડસ્ટ્રીયલ સેકટરમાં પણ ભૂગર્ભજળનો વપરાશ ખુબ વધ્યો છે. બીજીતરફ જિલ્લામાં વધેલા પ્રદુષણના કારણે ભૂગર્ભજળની ગુણવતા પર પણ માઠી અસર થઈ છે. ભૂગર્ભજળ સ્તર ઉંડા ઉતરવાની સાથે હાનીકારક દ્રવ્યો પણ પાણીમાં ઉમેરાયા છે. કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ‘એન્યુઅલ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૪માં પણ તેને સમર્થન મળ્યું છે. કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં હાનીકારક કેમિકલ્સ મળી આવ્યા છે. જે ગંભીર પ્રકારની બીમારીઓનું કારણ બની શકે છે. પાણીએ કચ્છ માટે અમૃત સમાન હોવાથી ભૂગર્ભજળમાં ઝેર દ્રવ્યો હોવાના અહેવાલે કચ્છવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂગર્ભ જળની ગુણવત્તા ખરાબ થવા પાછળ મુખ્ય ચાર કારણો છે. વધુ પડતાં ઔદ્યોગિકીકરણના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે. ખેતીમાં વધુ પડતાં ખાતર અને જંતુનાશકના ઉપયોગના કારણે પણ ભૂગર્ભ જળની સ્થિતિ કથળી છે. વધતા શહેરીકરણના કારણે કચરાનો યોગ્ય નિકાલ થતો નથી, ક્લાઇમેટ ચેન્જના કારણે પણ પેટર્નમાં બદલાવ આવ્યો છે.

Comments