Trending News
સ્થાનિક સમાચાર

વર્ષ ર૦રપના પ્રથમ દિવસે ધ્રુજી ધરા : ભચાઉ સમીપે ૩.રનો આંચકો

01 January




વાગડ ફોલ્ટલાઈન પર ચાર દિવસમાં બીજું કંપન અનુભવાયું : ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ર૩ કિલોમીટર દૂર ઉત્તર - પૂર્વ દિશાએ નોંધાયું


ભુજ : અંગ્રેજી નવા વર્ષ ર૦રપના પ્રથમ દિવસે કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. શિયાળાની કાતિલ ઠંડીના દોર વચ્ચે આજે સવારે પૂર્વ કચ્છમાં ૩.ર ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. 
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આજે વર્ષ ર૦રપના પ્રથમ દિવસે કચ્છનું જનજીવન નવા ઉત્સાહ અને જોમ સાથે ધમધમતું થયું જ હતું, તેવામાં સવારે ૧૦.ર૪ કલાકે ભુગર્ભીય સળવળાટ થયો હતો. સવારે ૧૦.ર૪ કલાકે ભચાઉ વિસ્તારમાં ૩.ર ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ર૩ કિલોમીટર દૂર ઉત્તર - પૂર્વ દિશામાં રહ્યું હતું. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ખાતે આંચકાની તીવ્રતા રીકટર સ્કેલ પર ૩.ર અંકિત થઈ હતી.
અત્રે ઉલ્લેખીનય છે કે, ભૂકંપના ઝોન પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટલાઈન આવેલી છે. જે પૈકીની વાગડ ફોલ્ટલાઈન સક્રિય બની છે. ગત રવિવારે ભચાઉથી ૧૮ કિલોમીટર દૂર ૩.ર ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું. ચાર દિવસના સમય ગાળામાં ફરી ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM