કચ્છના ધોરીમાર્ગો પર ધમધમતા કેટલાક ઢાબા-હોટલો ગેરપ્રવૃત્તિઓના અડ્ડા સમાન
કચ્છના હાઈવે પર નિયમિત અવર-જવર કરતા હેવી વ્હીકલ ચાલકો આવા અડ્ડાઓથી વાકેફ તો સ્થાનિક પોલીસ કેમ અજાણ ? : જાગૃત નાગરિકોનો વેધક સવાલ
હાઈવેની હોટલોમાં ગાંજાનો વેપાર અને ગેરકાયદેસર ગેસ બોટલ રિફિલીંગના કિસ્સાઓ થયા હતા ઉજાગર : કચ્છના પ્રવેશદ્વારથી માંડી ઠેઠ સરહદ સુધી ધમધમતી કેટલીક હાઈવે હોટલો અને ઢાબાઓ પર દેશી-વિદેશી દારૂ, ડ્રગ્સ અને દેહવિક્રય જેવી પ્રવૃત્તિઓ છૂપેખૂણે ચાલતી હોવાની ચકચાર
ભુજ : કચ્છ જિલ્લામાં હાઈવે પર ધમધમતા કેટલાક ઢાબાઓ અને હોટલો ગેરકાયદેસર પ્રવૃત્તિઓના અડ્ડા સમાન બની ગયા છે. સર્વાંગી વિકાસથી ધમધમતા થયેલા કચ્છ જિલ્લામાં હાઈવે પર ધંધાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે. કચ્છના પ્રવેશદ્વારથી માંડી ઠેઠ સરહદ સુધી પથરાયેલા નેશનલ અને સ્ટેટ હાઈવે પર અનેક નાના-મોટા ઢાબા અને હોટલો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. કચ્છ આવતા વાહનના ચાલકો - ક્લિનરો અને મુસાફરોના આરામ, ચા-નાસ્તા અને ભોજનની સુવિધા માટે શરૂ થયેલા કેટલાક ઢાબાઓ પર ગેકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં પોલીસ દ્વારા હાઈવેની હોટલ પરથી માદક પદાર્થો અને ગેરકાયદેસર ગેસ બાટલાના રિફીલિંગનો કારસો ઝડપી પડાયો હતો. જુદા-જુદા બનાવોમાં હાઈવે હોટલો અને ઢાબાઓ પર ચાલતી ગેરપ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો. જાણકારો કહે છે કે, આવા એકલ-દોકલ કિસ્સા જ માત્ર ઉજાગર થયા છે, પરંતુ હાઈવેની કેટલીક હોટલો અને ઢાબાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિનો અડ્ડો બની ચૂકી છે.
હાઈવેની કેટલીક હોટલોમાં દેશી - વિદેશી દારૂ, ગાંજો અને ડ્રગ્સનો વેપલો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આરામની વ્યવસ્થા ધરાવતી કેટલીક હોટલોમાં દેહવિક્રયની પ્રવૃત્તિ પણ ધમધમી રહી છે. અત્યાર સુધીમાં જેટલા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે તેમાં મોટા ભાગે ગેરપ્રવૃત્તિઓમાં હોટલ કે ઢાબાના સંચાલકોની સ્પષ્ટ સંડોવણી હોવાનો ખૂલાસો થયો છે.
હાઈવેની હોટલ અને ઢાબાઓમાં ગ્રાહકો પાસેથી નાસ્તાના પેકેટ, પાણી, ઠંંડાપીણા વગેરેમાં એમઆરપીથી ઉંચા દામ લેવાતા હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. પુરવઠા તંત્ર કે અન્ય સંબંધિત વિભાગો દ્વારા તપાસ થતી ન હોવાથી કાળાબજારિયા તત્ત્વોને મોકળું મેદાન મળી રહે છે, તો કેટલાક હોટલ-ઢાબા સંચાલકોને તેનાથી પણ સંતોષ ન હોય તેમ વધુુ નાણાં કમાવવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. કેટલીક હોટલો પર ગ્રાહકોને છાનેખૂણે દેશી-વિદેશી દારૂ, ગાંજો કે ડ્રગ્સ પૂરૂં પાડવામાં આવે છે. કચ્છના હાઈવે પર નિયમિત અવર-જવર કરતા હેવી વ્હીકલના ચાલકો આવા અડ્ડાઓથી વાકેફ છે તો સ્થાનિક પોલીસ કેમ અજાણ છે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા સંચાલકો દ્વારા ખાખીધારીઓને નિયમિત હપ્તા પહોંચે છે કે કેમ ? તેવો સવાલ પણ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
જવાબદાર તંત્રો દ્વારા હાઈવેના હોટલ - ઢાબાઓ પર થતી કાળાબજારી અટકાવવામાં આવે અને કેટલાક સ્થળોએ ચાલતી ગેરપ્રવૃત્તિઓને ડામવા સઘન તપાસ કરાય તો હાઈવે હોટલો પર ચાલી રહેલા નશાના કારોબારના મોટા કૌભાંડો બહાર આવે તેવું ચર્ચાઈ રહ્યું છે.
.........

Comments