Trending News
સ્થાનિક સમાચાર

અબડાસા-લખપતમાં ખનીજ ચોરી રોકવા કડક અમલદાર મૂકો 

01 January

બેફામ ખનીજ ચોરી સામે ધારાસભ્યના આકરા તેવર 




અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી રજૂઆત : જિલ્લા સંકલનની બેઠકમાં વારંવાર કરેલી રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા મુખ્યમંત્રી પાસે માંગી દાદ 


સ્થાનિક જાગૃતો દ્વારા લોકેશન સહિતના પુરાવા સાથે ખનીજ ચોરીની થતી ફરિયાદ  ખાણ ખનીજ વિભાગ નથી લેતું ધ્યાને : ટ્રેઈલરો ભરી ખનીજ ઉસેડી જતા તત્ત્વોને પકડવાના બદલે ખેતી માટે એકાદ ટ્રોલી રેતી-માટી ભરી લઈ જતા ખેડૂતો-શ્રમજીવીઓને દંડી તંત્ર માની લે રહ્યું છે સંષોત 



અબડાસા વિધાનસભા ક્ષેત્રના મહત્ત્વના પ્રશ્નો અંગે ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓ સાથે પણ કરી મુલાકાત 


નખત્રાણા : પશ્ચિમ કચ્છ વિસ્તારમાં બેફામ વધેલા ખનીજ ચોરીના દુષણને ડામવા હવે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજૂઆત કરી છે. અબડાસા વિધાનસભા વિસ્તારના અબડાસા અને લખપત તાલુકા વિસ્તારમાં ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે. ખનીજ ચોરો બેફામ બની કિંમતી ખનીજોનું ખનન અને વહન કરી રહ્યા છે. ગેરકાયદેસર ખનનથી સરકારને મોટું આર્થિક નુકશાન પહોંચાડી ખનીજ ચોરો પોતાની તીજોરીઓ ભરી રહ્યા છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાતમાં પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ખનીજ ચોરીને અંકુશમાં લાવવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં ખનીજ ચોરીના દુષણને ડામવા કડક, નિષ્ઠાવાન અને કામ કરે તેવા અધિકારી મૂકવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. 
શ્રી જાડેજાએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, અબડાસા-લખપત પંથકમાં બેફામ થતી ખનીજ ચોરી અંગે વ્યાપક ફરિયાદો તંત્ર સુધી પહોંચે છે. સ્થાનિક લોકો લોકેશન સહિતના પુરાવાઓ સાથે ફરિયાદ કરતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તેમણે ખુદ આ મામલે રજૂઆતો કરી હોવા છતાં ખનીજ ચોરો સામે પગલા લેવામાં ખાણ-ખનીજ વિભાગ વામણુ પુરવાર થયું છે. આ વિસ્તારમાં ટ્રેઈલરો ભરી ખનીજ તસ્કરી કરતા તત્ત્વો સામે કોઈ પગલાં લેવાતા નથી પણ જો કોઈ ખેડૂત એકાદ ટ્રેક્ટર ટ્રોલી રેતી-માટી ઉપાડે તો તેને દંડવામાં આવે છે. ખનીજ ચોરી અંગે તંત્રને ફરિયાદ કરતા લોકોને માથાભારે ખનીજ ચોરો ધમકાવતા રહે છે. પશ્ચિમ કચ્છનો અબડાસા અને લખપત વિસ્તાર ખનીજ ચોરીનું એપીસેન્ટર બન્યું છે. ધારાસભ્ય શ્રી જાડેજાએ ખનીજ ચોરો પર લગામ કસવા નિષ્ઠાવાન કડક અધિકારીને મૂકવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. 
અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં વિકાસના પ્રોજેક્ટોને ઝડપથી આગળ ધપાવવા માટે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મંત્રીઓને મળીને મહત્વ૫ૂર્ણ કામો માટે ગ્રાંટ ફાળવવાની માંગણી કરી છે.
શ્રી જાડેજાએ અબડા દાદા મંદિરને યાત્રાધામ તરીકે વિકસિત કરવા, દેશલપર-હાજીપીર રોડનું કામ મંજૂર કરવા અને નખત્રાણા નગરપાલિકાના વિકાસ માટે મહેકમ વધારવાની માંગણી કરી છે.આ ઉપરાંત, નાણામંત્રી કનુભાઈ દેસાઈને વીજ સબ સ્ટેશનોની સ્થાપના, નલિયા સરકારી કોલેજનું બિલ્ડિંગ બનાવવા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પીએમસી અને આરોગ્ય કેન્દ્રોની મંજુરી માટે આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રીએ શિક્ષણ અંગે પણ રજુઆત કરી હતી. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને કરેલી રજુઆતમાં શિક્ષકોની ખોટ ૫ૂરી કરવા અને શાળાઓમાં નવા ઓરડાઓ માટે અનુરોધ કર્યો હતો.  ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સિંચાઈ મંત્રી મુકેશભાઈ પટેલને અબડાસા વિધાનસભા બેઠકના પડતર જરૂરી પ્રશ્નોનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યએ અબડાસાના લોકોના જીવનમાનમાં સુધારો લાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા અબડાસા જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાથી લઈને ફોરલેન માર્ગ વિકાસ સુધીના અનેક પ્રોજેક્ટ માટે અસરકારક રજૂઆત કરી હતી.

.........


ધારાસભ્ય ફંડમાંથી ર૦ર૪માં ૧.પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવી



નલિયા : ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા વર્ષ ર૦ર૪-રપની ધારાસભ્ય તરીકેની મળતી વાર્ષિક ૧.પ૦ કરોડની ગ્રાન્ટ અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકાના વિવિધ ગામોમાં લોકોની રજૂઆતો અનુસાર અને દરેક સમાજના લોકોની માંગણીઓ ધ્યાને લઈને વિવિધ ગામોના વિવિધ વિસ્તારોમાં લોકોને ઉપયોગી થાય તેવા મજૂર કલ્યાણ કેન્દ્રો, રેઈન બસેરા, ઈન્ટરલોક, સીસી રોડ, ગટર લાઈન, પીવાના પાણીના કામો, શૈક્ષણિકકામો, આંગણવાડીના કામો વગેરે ભૌતિક વિકાસના કામો માટે વાર્ષિક દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવી વર્ષ-ર૦ર૪ ના અંત સુધી પૂર્ણ કર્યા છે અને ધારાસભ્યએ ગ્રામજનોને અને સરપંચો આ કામો વહેલી તકે અને ઉચ્ચ ગુણવત્તાના મજબૂત કામો થાય તેનું ધ્યાન રાખવા સૂચનો કર્યા હતા અને આ વર્ષની ગ્રાન્ટ ર૦ર૪ના અંત સુધીમાં પૂર્ણ થઈ હોવાનું જાહેર કરી હવે નવા વર્ષે આવનારી ગ્રાન્ટનું માર્ચ-ર૦રપ આયોજન કરવાનું ઉમેર્યું હતું. 


 

Comments

COMMENT / REPLY FROM