પલાંસવા-ટીકર માર્ગની મંજૂરીને આડે સર કારની ઉદાસિનતાનું ગ્રહણ
માર્ગ અને મકાન વિભાગે મૂકેલી રૂા.ર૦ કરોડની દરખાસ્ત રાજ્ય લેવલે અટવાઈ : ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રકમ હેન્ડઓવર થયા બાદ જ મંજૂરીની પ્રક્રિયા આગળ ધપશે : સ્થાનિક જાગૃતોએ સત્વરે દરખાસ્ત મંજૂર કરવા રાજ્ય સરકારને કર્યો અનુરોધ
ભુજ : કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ટ્રાફિકનું ભારણ હળવું કરવા પલાંસવા-ટીકર રસ્તાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પલાંસવા-ટીકર રસ્તાના બાંધકામ પહેલાની પ્રવૃત્તિ માટે રૂા.ર૦ કરોડની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ સપ્ટેમ્બર ર૦ર૪ મા કરી છે. ગુજરાત સરકાર આગામી નાણાકીય વર્ષના બજેટમાં રૂા.ર૦ કરોડની ફાળવણી કરે તો આ માર્ગનું નિર્માણ કરવાની પ્રક્રિયા આગળ વધી શકશે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પલાંસવા-ટીકર-હળવદ રોડ માટે રૂા.ર૦ કરોડની દરખાસ્ત મંજૂર કરે તો આ રકમ ઘુડખર અભયારણ્ય અને વન વિભાગને હેન્ડ ઓવર કરાશે ત્યારબાદ જ ઘુડખર અભયારણ્યમાંથી રસ્તાની મંજૂરીથી શક્ય થશે. માર્ગ અને મકાન વિભાગની દરખાસ્ત હાલે સરકારમાં અટકાયેલી છે. સ્થાનિક સામાજિક આગેવાન સકતાભાઈ નારણભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, કચ્છના નાના રણમાંથી નીકળતા મોટા અને ઉપયોગી રસ્તાની મંજૂરી સરકાર લેવલેથી જ અટવાયેલી પડી છે. માર્ગ અને મકાન વિભાગની દરખાસ્ત મુજબ ર૦ કરોડની ફાળવણી થયા બાદ તે રકમ ઘુડખર અભયારણ્ય અને વન વિભાગને હેન્ડ ઓવર થયા બાદ જ મંજૂરી મળશે તેવું હોવા છતા આ દિશામાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્ય સકાર સત્વરે દરખાસ્ત મંજૂર કરે તો પલાંસવા-ટીકર રોડની મંજૂરીની આડેનું ગ્રહણ આપોઆપ દૂર થઈ જશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Comments