Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના ગોધરામાં નિર્દયતાથી યુવતીની હત્યા કરાતા ગામમાં સનસનાટી 

30 December



ભોગ બનનાર યુવતી સવારે બસની વાટ જોતી હતી, ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ તલવાર અને ગુપ્તી વડે જીવલેણ હુમલો કરતાં ઘટના સ્થળે જ મોત આંબી ગયું : બચાવો બચાવોની ગુહાર આખરી અવાજ બન્યો : હત્યા કર્યા બાદ આરોપીઓ ભાગી ગયા : અજ્ઞાત શખ્સોને શોધવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી 


માંડવી : એકતરફ થર્ટીફર્સ્ટને અનુલક્ષીને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજીતરફ માંડવી તાલુકાના ગોધરા ગામે આજે સવારે ઘર પાસે જ યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. આ બાબતે સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના ગોધરા ગામે આજે સવારે સાડા ૬થી ૭ના અરસામાં આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર યુવતી હોસ્પિટલમાં કામ કરે છે અનેે આજે સવારે નોકરીએ જવા માટે ઘરેથી નિકળી અને બસ પકડવાની હતી. ત્યારે જ બાઈક પર બે શખ્સો આવ્યા અને બોલાચાલી બાદ યુવતીને જાહેરમાં તલવાર અને ગુપ્તીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. એટલી નિર્દયતાથી મર્ડરને અંજામ અપાયો છે કે, તલવાર આરપાર નિકળી ગઈ હતી. યુવતીએ સ્વબચાવમાં હાથ આડો દેતા હાથના ભાગે પણ ઈજાઓ થયેલી જોવા મળે છે. સવારે બચાવો બચાવોની બૂમ પાડી હતી, પરંતુ સ્થાનિકો દોડીને આવે તે પહેલા હત્યારા બાઈક પર ભાગી ગયા હતા. ઘટના સ્થળે હથિયારો મળી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા માંડવી અને કોડાય પોલીસની ટુકડી ગામમાંપહોંચી ગઈ હતી. દેહને માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં પીએમ સહિતની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. હતભાગીનું નામ ગૌરીબેન ગરવા હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પાછળનો ઈરાદો શું હતો ? આરોપીઓ કોણ હતા ? તે દિશામાં પોલીસ દ્વારા છાનભીન હાથ ધરવામાં આવી છે. નિર્દયતાથી હત્યાને અંજામ અપાતા ભારે ચકચાર ફેલાઈ છે. એક તરફ સરકાર સ્ત્રીઓને સુરક્ષા આપવાના દાવા કરે છે. થર્ટીફર્સ્ટની ઉજવણીમાં મહિલાઓની સલામતી માટે ટીમો બનાવાઈ હોવાના દાવા વચ્ચે ગોધરામાં બનેલી ઘટના પશ્ચિમ કચ્છમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દર્શાવે છે. આ બનાવમાં આરોપીને ઝડપી લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.

Comments

COMMENT / REPLY FROM