આજથી પશ્ચિમ કચ્છમાં રાત્રી ચેકિંગની મેગા ઝુંબેશ છેડાશે : એસપી
થર્ટીફસ્ટ અન્વયે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું હોવાનું પોલીસવડાએ જણાવી નાગરિકોને નિયમો પાળવા અનુરોધ કર્યો
ભુજ : આગામી થર્ટીફસ્ટ અન્વયે પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા ચેકિંગ વધારવામાં આવ્યું છે, જે બાબતે માહિતી આપતા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, નવા વર્ષ ર૦રપને ઉજવવા માટે લોકો થનગનતા હોય છે, ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે. અલગ અલગ સ્થળોએ પોલીસની ટીમ તૈનાત કરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ થાણા ઈન્ચાર્જો દ્વારા હોટલ, રિસોર્ટના સંચાલકો સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ હોટલ સંચાલકો, પાર્ટી પ્લોટ સંચાલકો અને થર્ટીફસ્ટની પાર્ટીનું આયોજન કરનારા તમામ નિયમો પાળે તેવી અપીલ કરી હતી. નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી પુરતો બંદોબસ્ત રાખવા જણાવ્યું હતું, જેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. વાહન ચેકિંગ સઘન બનાવાયું છે. દારૂ પીને વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે, આ માટે બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવી રહી છે. રાત્રે ૮ વાગ્યાથી ૧ર-૧ વાગ્યા સુધી સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે, જે કાર્યવાહી ૩૧ ડિસેમ્બર સુધી યથાવત રહેશે. સી ટીમમાં વધારોનો સ્ટાફ મુકી આ ટીમ દ્વારા ખાનગી રીતે પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટીમ તૈનાત રહેશે. સૌ નાગરિકોને નિયમોનું પાવન કરવા અનુરોધ કર્યો હતો.

Comments