Trending News
સ્થાનિક સમાચાર

કચ્છનું કરપ્શન મોડેલ : કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કારણભૂત

29 December

વિકાસ અને રોજગારીનું આભાસી ચિત્ર




જિલ્લામાં હજારો શિક્ષિત યુવાનો રોજગારી માટે મારી રહ્યા છે ફાંફા : જુદા-જુદા સરકારી વિભાગોમાં હવે કાયમી ભરતીના બદલે કોન્ટ્રાક્ટર બેઝ કર્મીઓની જ બોલબાલા : મહિને પેટ્રોલનો ખર્ચ કે ખિસ્સા ખર્ચ પણ ન નીકળે તેટલા વેતનમાં યુવાનોનું શોષણ : નજીવા પગારમાં કામ કરતા કર્મચારીઓ પાસે નિષ્ઠાની શું અપેશા ? : જાણકારોનો વેધક સવાલ 




ભુજ : કચ્છમાં વિકાસ અને રોજગારીનું મોડેલ જેવું રાજકીય સભાઓમાં ચર્ચાય છે તેવુું ફુલગુલાબી નથી. કચ્છમાં અનેક સ્થાનિક યુવાનો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે ત્યાં બીજી તરફ મોટા ભાગના સરકારી વિભાગોમાં જ્યાં પણ માણસોની જરૂર પડે ત્યાં કરાર આધારીત લોકોની પસંદગી કરી નોકરીએ રાખવામાં આવે છે. આ ભરતીઓમાં પણ સ્થાનિક યુવાનોને ભારોભાર અન્યાય જ કરવામાં આવે છે. બીજું જો લોકોને કરાર આધારીત નજીવા પગારે નોકરી આપવામાં આવે છે તેવા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. મહિનાનું પેટ્રોલ કે ખિસ્સા ખર્ચ પણ ન નીકળે તેટલો પગાર સરકાર એક વ્યક્તિને ચૂકવે છે અને તેમાં જ તેણે પોતાના સમગ્ર પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે. કચ્છ સહિત ગુજરાતમાં હાલે પાંચ લાખ જેટલા કરાર આધારીત કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સામાન્ય રકમમાં નોકરી રાખી લાંચ લેવા કે ખોટા કામ કરવા સરકાર જ તેમને મજબૂર કરી રહી છે.
કચ્છનું સરકારી ખોટકાયેલું તંત્ર પણ કરાર આધારીત કર્મીઓના ખભે મૂકાયેલું છે. પગાર અને નોકરીના નામે બેરોજગાર યુવાનોની લાયકાત અને અભ્યાસની મજાક બનાવી દેવામાં આવી છે. ઉત્સવોના નામે કે મંત્રીઓના પ્રવાસ કાર્યક્રમ પાછળ કરોડો રૂપિયા ફૂંકી મારતી સરકાર પાસે પ્રજા માટે જ પૈસા નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.



.............


ટ્રાફિક વિભાગમાં સૌથી વધુ ફરિયાદ


કરપ્શનની સૌથી વધુ લોક ફરિયાદ ટ્રાફિક પોલીસ વિભાગમાં ઉઠતી હોય છે. ટ્રાફિક વિભાગમાં જે રીતે તોડ કરવામાં આવે છે અને ખાનગી મુસાફર વાહનો પાસેથી માસિક હપ્તાની ઉઘરાણી કરવામાં આવે છે તેનાથી કચ્છવાસીઓ તોબા પોકારી ગયા છે. આ સ્થિતિના મૂળમાં સરકારે પડદા પાછળ રહી ઉભી કરેલી વ્યવસ્થા જ કારણભૂત છે. ટ્રાફિકના નિયમન અને જાળવણી માટે મોટા ભાગે કરાર આધારીત જવાનોને ફરજ સોંપવામાં આવે છે. આખો મહિનો કરાર આધારીત ટ્રાફિક પોલીસ કામ કરે ત્યારે તેના હાથમાં માત્ર રૂા.૮૧૦૦ જેટલી નજીવી રકમ જ આવે છે. આ રકમમાં વ્યક્તિ ઘર ચલાવે, સંતાનોને ભણાવે, તહેવાર ઉજવે કે પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવે. આવા ટૂંકા પગારવાળા કર્મીઓ ખર્ચા પૂરા કરવા લોકોની સાથે તોડ કે હપ્તાની ઉઘરાણી નહીં કરે તો બીજું શું કરે ? આખો મહિનો મહેનત કર્યા બાદ પણ જો ૧૦ હજાર રૂપિયા પણ હાથમાં ન આવતા હોય તો તે કર્મચારી અંતરઆત્માને જીવંત રાખી લાંચ લીધા વગર નોકરી ચાલુ રાખે તેવી અપેક્ષા પણ કેમ રાખી શકાય.



નગરપાલિકાઓનું તંત્ર કરાર આધારીતોના હવાલે


કચ્છની તમામ નગરપાલિકાઓમાં પણ હવે મોટાભાગે કરાર આધારીત કર્મચારીઓના ભરોસે જ તંત્ર ચાલી રહ્યું છે. મોટાભાગના વિભાગોમાં રોજંમદારો રાખવામાં આવ્યા છે. આવા કર્મચારીઓને મહિને ૧૦ થી ૧ર હજાર માંડ હાથમાં આવે છે. સિટી સિવિક સેન્ટરોમાં પણ કરાર આધારીત કર્મીઓ મૂકવામાં આવે છે.


લાયકાત ધરાવતા યુવાનો શિક્ષક સિવાયની નોકરી માટે મજબૂર


 આદર્શ નાગરિકોના ઘડતરની જવાબદારી જેના શીરે છે તેવા શિક્ષકોની કાયમી ભરતીના બદલે કરાર આધારીત સહાયકોથી ગાડુ ગબડાવવામાં આવે છે. કચ્છના શિક્ષણ તંત્રમાં ૪ હજાર જેટલા ગુરૂજનોની ઘટ જોવા મળી રહી છે. જિલ્લા બહારથી નિમણૂંક મેળવનાર શિક્ષકો તક મળતા જ બદલી કરાવી જતા રહે છે. કચ્છ જિલ્લામાં બીએડ, પીટીસી કરેલા શિક્ષિત બેરોજગારો શિક્ષણ સિવાયના અન્ય ક્ષેત્રોમાં ખાનગી નોકરી કરવા મજબૂર બને છે. કચ્છમાં ખાસ કિસ્સામાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાીન માંગ વર્ષોથી ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા તે દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા અનેક શાળાઓ ગુરૂજન વિહોણી કે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે.

આરોગ્ય તંત્રમાં પણ કોન્ટ્રાક્ટર બેઝ કર્મીઓની બોલબાલા

આરોગ્ય તંત્રમાં પણ હવે કરાર આધારીત કર્મચારીઓની બોલબાલા વધી છે. મોટા ભાગનું કામકાજ કરાર આધારીત કર્મીઓ દ્વારા જ થતું હોય છે. તબીબો સિવાય મોટા ભાગના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કમા કરી રહ્યા છે. કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ છે અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિકમ આરોગ્ય સુવિધાઓ પણ અપૂરતી છે તેવામાં આરોગ્ય માળખા સ્ટાફની મોટી ઘટ ચાલી રહી છે.

અંગત કામકાજ માટે પણ શોષણ

સરકારી વિભાગના મોટા અધિકારીઓ પોતાના હાથ નીચે પણ આવા કેટલાક કરાર આધારીત અને નાના કર્મચારીઓ રાખે છે. જેઓ ઓફિસનું કામ કરવાની સાથે અધિકારીઓના અંગત કામકાજ પણ કરી આપે છે. આવા કામો માટે અધિકારીઓ કર્મચારીને અલગથી મહેનતાણું આપે છે. વિવિધ વિભાગના કેટલાક અધિકારીઓ પટ્ટાવાળાથી માંડી કરાર આધારીત કર્મચારીઓ પાસેથી અંગત કામો કરાવતા હોય છે.


 

Comments

COMMENT / REPLY FROM