કચ્છ ભાજપના જિલ્લા પ્રમુખ રીપીટ કે નો રીપીટ ? આજથી રાજયભરના ૪૧ સુકાનીઓની કવાયત
પસંદગીમાં માપદંડો પડશે લાગુ : વર્તમાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેના લોહીના સંબંધ ધરાવતા પરિવારના વ્યકિતને સ્થાન નહીં : ત્રણ વખત સક્રિય સભ્ય રહી ચૂકેલાના નામ પર જ વિચારણા થશેઃ દાવેદારી માટે પણ નિરીક્ષકો આવશે
જીલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ નિર્વિવાદીત ચહેરો છે, સમભાવ સાથે પક્ષને વિકસાવી રહ્યા છે, પક્ષને વધુને વધુ મજબુત કર્યો છે, વર્તમાન પ્રમુખશ્રીના કાર્યકાળમાં રાપર વિસ્તાર પણ સંગઠનની રીતે વધુ મજબુત બન્યો છે : આ બધા જ સમીકરણો જતા વર્તમાન પ્રમુખનું પલ્લું વધારે ભારી દેખાય છે
સોમ - મંગળવારે જિલ્લા પ્રમુખ પદ માટે દાવેદારીનો અપાઈ શકે છે સમય
ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અને તે બાદ સરંચના સંગઠન પર્વનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં શહેર-તાલુકા મંડળોના પ્રમુખોની મહદઅંશે જાહેરાત થવા પામી ચૂકી છે ત્યારે હવે જિલ્લા પ્રમુખોની વરણી માટેનો ધમધમાટ શરૂ થવા પામી રહ્યો છે. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પણ ફરીથી દેવજીભાઈ વરચંદ જ રહેશે કે નવા કોઈ ચહેરાને તક આપવામાં આવશે તેને લઈને પણ હવે કચ્છના રાજકીય બેડામાં સમીકરણો સાથે ચર્ચાઓ તેજ બની જવા પામી ગઈ છે.
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગુજરાત ભાજપમાં વોર્ડ પ્રમુખોની નિયુક્તિની પ્રક્રિયા પુરી થયા બાદ હવે ૩૩ જિલ્લા અને ૮ મહાનગરો એમ કુલ ૪૧ જિલ્લાઓના પ્રમુખોની નિયુક્તિ માટે શનિવારે એટલે કે આજથી ભાજપની ‘કાર્યશાળા’ ગાંધીનગરમાં યોજાશે અને તેમાં પ્રમુખ પદ માટે પણ માપદંડ નક્કી થાય તેવા સંકેત જોવાઈ રહ્યા છે.સુત્રોના જણાવ્યા મુજબ વોર્ડ પ્રમુખોની નિયુક્તિ માટે મોટા ભાગે પ્રદેશ દ્વારા જે માપદંડ નિશ્રિ્ચત થયા હતા તે મુજબ જ નિયુક્તિ થઇ છે. બહુ ઓછા કિસ્સામાં થોડો છૂટછાટ લેવામાં આવી છે. પરંતુ શહેર અને જિલ્લાઓમાં ભવિષ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંગઠનાત્મક મહત્વ છે. તે ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવશે. જેમાં ૬૦ વર્ષની ઉંમર મર્યાદા નિશ્રિ્ચત થઇ છે તેનું ચૂસ્તપાલન કરવા જણાવાયું છે અને જો શહેર કે જિલ્લા પ્રમુખમાં છૂટછાટ લેવાની હશે તો તે પ્રદેશને ખાસ અગાઉથી જાણ કરવી પડશે. એટલું જ નહીં એક વ્યકિત એક હોદોની ફોર્મ્યુલા હવે લાગુ કરવાની માંગણી છે.ભાજપમાં હોદા માટે દાવેદારો વધ્યા છે અને એક વ્યકિત બે કે ત્રણ હોદા પર રહીને અન્યના અધિકારને છીનવી રહી છે અને તેનાથી જ અસંતોષ પેદા થાય છે અને તેનો અમલ કરવામાં આવે તેવી ધારણા છે. જેનાથી હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનમાં પસંદગીથી બાકાત થઇ શકે છે. આ ઉપરાંત ત્રણ વખત સક્રિય સભ્ય રહી ચૂકેલા આ હોદા પર સ્થાન મળશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના લોહીના સંબંધ ધરાવતા કોઇને સ્થાન મળશે નહીં જેથી પરિવારવાદ મુદ્દો ચગે નહીં.આગામી સપ્તાહમાં તમામ જિલ્લા-મહાનગરોમાં નવા પ્રમુખ મળી જાય તેમ પણ મનાઈ રહ્યુ છે. આવામાં કચ્છના વર્તમાન જિલ્લા પ્રમુખ દેવજીભાઈ પક્ષની વિચારધારા અને સંઘના સિંદ્વાતોને વરેલા તથા કાર્યદક્ષ અને કાર્યકર્તાઓને સમર્પિત, જનસેવા માટે સદાય સંગઠિત રહી અને તત્પર રહેતા હોવાની આગવી છબી ધરાવી રહ્યા છે. આમ તો દેવજીભાઈ પર જ પક્ષ ફરીથી પસંદગીનો કળશ ઢોળે તેવી સંભાવનાઓ નિશ્ચિંત જ મનાઈ રહી છે ત્યારે બીજીતરફ કેટલાક નામો સ્વયં ભુ રીતે પણ ચાલી રહ્યા છે અને લોબીંગ તેજ કરાયેલુ હોવાની પણ ચર્ચાઓ થવા પામી રહી છે. સાચી હકીકત તો આજથી શરૂ થયેલી કવાયતનો અંત આગામી સપ્તાહે આવવા પામશે ત્યારે જ ખ્યાલ આવવા પામી શકે તેમ છે. ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ આ માસના અંત સુધીમાં પુરી કરવાની જે ડેડલાઇન છે તેનું
પાલન કરવા જણાવાયું છે. જેથી શનિવારે એટલે કે આજે એક વખત માપદંડ નક્કી થયા પછી સોમ કે મંગળવાર સુધીમાં દાવેદારી કરવાનો સમય અપાશે.આગામી સપ્તાહમાં નવા જિલ્લા અને મહાનગર પ્રમુખો નક્કી થઇ જશે. સુત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય કક્ષાએ પ્રમુખની નિયુક્તિ માટે પણ ઝડપ કરવાની હોવાથી સંક્રાંત બાદ નવા પ્રદેશ પ્રમુખ પણ જાહેર થઇ જશે તેવી શક્યતા છે.

Comments